મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી

February, 2002

મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી (mendelssohn, Felix Bartholdy) (જ. 3 ફેબ્રુઆરી 1809, હૅમ્બર્ગ, જર્મની; અ. 4 નવેમ્બર 1847, લાઇપ્ઝિક, ગ. જર્મની) : પ્રસિદ્ધ જર્મન રંગદર્શિતાવાદી સંગીતકાર અને સંગીતનિયોજક. શરાફી ધનાઢ્ય યહૂદી કુટુંબમાં જન્મ; પરંતુ પછીથી કુટુંબે પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલો. બાળપણમાં ક્લૅમૅન્ટીના વિદ્યાર્થી લુડવિગ બર્જર પાસે પિયાનોવાદનની તાલીમ લીધી. નવ વરસની વયે પિયાનોવાદનનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો. દસ વરસની વયે સિન્ગેકૅદમી(Singakademie)માં દાખલ થયા અને સંગીતનિયોજન શરૂ કર્યું. 1825માં 16 વરસની ઉંમરે પૅરિસની યાત્રા કરી અને અહીં વિખ્યાત સંગીતનિયોજક કેરુબીની(cherubini)ની મુલાકાત લીધી. સત્તર વરસની ઉંમરે શેક્સપિયરના નાટક ‘એ મિડ્સમર નાઇટ્સ ડ્રીમ’ માટે ઓવર્ચરની રચના કરી. બે વરસ પછી મહાન સંગીતકાર બાખનો ‘સેંટ મૅથ્યુ પૅશન’ શોધી કાઢી સંપાદિત કર્યો અને 1829માં સિન્ગેકૅદમીમાં તેનું રંગમંચ પર સંચાલન કર્યું. કાળની ગર્તામાં ગાયબ થઈ ગયેલી બાખની અન્ય કેટલીક કૃતિઓને શોધી આપવાનું શ્રેય પણ મેન્ડેલ્સોનને મળે છે. મેન્ડેલ્સોનના નિજી સંગીત પર પૅલેસ્ટ્રિના (palestrina) અને હૅન્ડેલ (Handel) ઉપરાંત બાખની પણ ઊંડી છાપ છે. 19મી સદીમાં બાખના સંગીતને લોકપ્રિયતા અપાવવામાં મુખ્ય ફાળો મેન્ડેલ્સોનનો જ. તેમણે બ્રિટનની નવ યાત્રાઓ કર્યા પછી 24 વરસની વયે ડુસેલ્ડૉર્ફ (Dusseldorf) ખાતે લોઅર રહાઇન મ્યૂઝિક ફેસ્ટિવલના નિયામકનું પદ ગ્રહણ કર્યું. બે વરસ પછી લાઇપ્ઝિગ (Leipzig) ખાતે ગવેન્ઢોસ (gewandhaus) ઑર્કેસ્ટ્રાના સંચાલકનું પદ ગ્રહણ કરી લાઇપ્ઝિગમાં તેઓ સ્થિર થયા. અહીં ‘લાઇપ્ઝિગ કૉન્ઝર્વેટરી ફૉર મ્યૂઝિક’ની તેમણે સ્થાપના કરી, જે થોડાં જ વરસોમાં વિશ્વવિખ્યાત બની. 38 વરસની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા.

ફેલિક્સ બાર્થૉલ્ડી મેન્ડેલ્સોન

મેન્ડેલ્સોનનો સ્વભાવ શાંત અને સ્થિર હતો, જે અન્ય રંગદર્શિતાવાદી સંગીતકારો કરતાં તદ્દન જુદો પડી આવતો હોવાને કારણે તુરત જ ધ્યાન ખેંચતો હતો. લાક્ષણિક રંગદર્શિતાવાદી કલાકારની માફક તેમનો આત્મા ત્રસ્ત (tormented) નહોતો, તેમ છતાં તેમના સંગીતમાં લાગણીની ઉષ્મા ભારોભાર અનુભવવા મળે છે.

કૉરલ સંગીત : તેમના બંને ઑરેટોરિયો – ‘સેંટ પૉલ’ અને ‘એલાઇઆ’(Elivah)માં ફ્યૂગ(fuge)નો તેજસ્વી ઉપયોગ જોવા મળે છે. બંનેનો પાઠ (text) બાઇબલમાંથી લેવામાં આવ્યો છે.

સિમ્ફનીઓ અને સિમ્ફનિંગ સંગીત : મેન્ડેલ્સોને રચેલી ત્રણે સિમ્ફનીઓ તત્કાળ તેમજ આજે પણ લોકપ્રિય છે. ‘ઇટાલિયન’ (1833), ‘સ્કૉટિશ’ (1842) અને ‘રિફૉર્મૅશન’ (1829–30). તેમનાં રચેલાં બે ઓવર્ચરો ભોવોદ્દીપક છે : ‘એ મિડ્સમર નાઇટ્સ ડ્રીમ’ અને ‘હૅબ્રાઇડ્ઝ’ (Hebrides). બે પિયાનો કન્ચર્ટોમાં સાચી લાગણીને સ્થાને કે ભાવોદ્દીપનને સ્થાને વાદકનું કૌશલ્ય દર્શાવવાનો હેતુ જણાય છે; પરંતુ વાયોલિન કન્ચર્ટોમાં સૂરાવલિઓ(melodies)નું માધુર્ય અપૂર્વ જણાય છે. મૂળે, વાયોલિનવાદક મિત્ર ફર્દિનાન્દ ડેવિડ માટે આ વાયોલિન કન્ચર્ટો લખેલો.

પિયાનો અને ચેમ્બરસંગીત : ‘49 સૉંગ્ઝ વિધાઉટ વર્ડ્સ ફૉર પિયાનોફૉર્તે’ મેન્ડેલ્સોનની સૌથી વધુ વિખ્યાત ચેમ્બર-કૃતિ છે અને તેની પર બાખ, મોત્શાર્ટ અને બીથોવનની ઊંડી અસર હોવા છતાં સૌથી વધુ મૌલિક (original) પણ છે. એકલા (solo) પિયાનોફૉર્તે માટેની આ કૃતિમાં કુલ 49 ગત (movements) છે. (પિયાનોફૉર્તે એ પિયાનોનું જૂનું સ્વરૂપ છે, જેમાં તાર પર પછડાતા હૅમરના અવાજને પડઘા દ્વારા બુલંદ કરવામાં નથી આવતા.) તેની સૂરાવલીઓ ઊંડી લાગણી અને મત્ત મનોદશા (romantic mood) જન્માવી શકે છે. સૂરાવલીઓનો કાઉન્ટરપૉઇન્ટ સંપૂર્ણ કહી શકાય તેવો છે.

મેન્ડેલ્સોનના ક્વાર્ટેટ (quartets) નાટ્યાત્મક શક્તિ ધરાવે છે. ‘ચૅમ્બર સિમ્ફની’ નામે પ્રસિદ્ધિ પામેલા ઑક્ટેટ(octet)માં જૂજ (8) વાદ્યો દ્વારા સિમ્ફનિક સંગીતની ભવ્યતા સિદ્ધ કરી છે. ‘વેરિયેશન્સ સિરિયસિસ’ (variations serieuses) હૃદયને હચમચાવી મૂકે છે.

અમિતાભ મડિયા