મેન્ઝિઝ, રૉબર્ટ ગૉર્ડન (સર) (જ. 20 ડિસેમ્બર 1894, જેપારીટ, વિક્ટોરિયા રાજ્ય, ઑસ્ટ્રેલિયા; અ. 14 મે 1978, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. 1928માં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની ધીકતી કમાણી છોડી વિક્ટોરિયા રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ત્યાંની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બન્યા તથા 1934માં હાઉસ ઑવ્ રેપ્રિઝન્ટેટિવ્ઝ(નીચલું ગૃહ)માં સાંસદ તરીકે ચૂંટાયા. 1935થી ’39 સુધી તેમણે ઑસ્ટ્રેલિયાના ઍટર્ની જનરલ તરીકેનો હોદ્દો શોભાવ્યો. 1939માં તેઓ પ્રથમ વાર ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા અને બે વર્ષ બાદ આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. તેમણે ઑસ્ટ્રેલિયન લિબરલ પાર્ટી માટેની વિચારધારા અને નીતિનું ઘડતર કર્યું અને પક્ષના સમર્થ નેતા તરીકેની છબી ઉપસાવવામાં સફળ થયા. સામાજિક ન્યાય, સલામતી, રાષ્ટ્રીય પ્રગતિ અને પ્રત્યેક નાગરિકના વિકાસનો નકશો તૈયાર કરીને તેમણે સાચે જ ઉદારમતવાદી વિચારધારાને પુનર્જીવિત કરી. તેમણે ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની બૅંકોના રાષ્ટ્રીયકરણની નીતિને વખોડી કાઢી અને ભારે આયોજનપૂર્વક ચૂંટણી-પ્રચારનો તખ્તો તૈયાર કર્યો. પરિણામે 1949ની ચૂંટણીમાં તેમણે અને તેમના પક્ષે ભારે વિજય હાંસલ કર્યો. તેઓ ફરી વડાપ્રધાન બન્યા. આ ચૂંટણી દ્વારા ઑસ્ટ્રેલિયામાં લિબરલ પાર્ટીના આધિપત્યનો આરંભ થયો, જે એકધારું 17 વર્ષ સુધી ટકી રહ્યું અને મેન્ઝિઝ પણ વડાપ્રધાન તરીકે સુદીર્ઘ કારકિર્દી માટે ભારે ખ્યાતિ પામ્યા.
તેમના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયાએ નોંધપાત્ર આર્થિક અને ઔદ્યોગિક વિકાસની ભૂમિકા તૈયાર કરી. આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ તેઓ ખમતીધર રાજનીતિજ્ઞ હતા. 1956ની સુએઝ કટોકટી-વેળા શાંતિચાહક તરીકે અસરકારક ભૂમિકા ભજવી. તેમણે દક્ષિણ વિયેટનામમાં અમેરિકાએ આદરેલા યુદ્ધના સમર્થનમાં ઑસ્ટ્રેલિયાનાં દળો રવાના કરી સક્રિય ટેકો આપ્યો. કૉમનવેલ્થ ઑવ્ નેશન્સમાં પણ તેમણે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું.
1960ના દાયકામાં નેતૃત્વની બીજી હરોળ તેઓ તૈયાર ન કરી શક્યા. વિયેટનામ યુદ્ધ બાબતે અમેરિકાને આપેલો ટેકો, મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચેનું ઘર્ષણ, વિશ્વઅર્થતંત્રનાં બિનલાભદાયી વલણો અને નાગરિક અધિકારોની લડત જેવાં કારણોસર ઑસ્ટ્રેલિયામાં ઘર્ષણ વધતું ગયું. 1963માં તેમને ‘નાઇટ’નો ખિતાબ એનાયત થયો; પરંતુ વડાપ્રધાન તરીકે તેમનો પ્રભાવ ઘટી રહ્યો હતો. આથી 1966માં તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, જે સાથે તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયું.
‘ફર્ગૉટન પીપલ ઍન્ડ અધર સ્ટડીઝ ઇન ડેમૉક્રસી’ (1943) તથા ‘સ્પીચિઝ ઑવ્ ટાઇમ’ (1958) તેમના જાણીતા ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ