મેન્જર, કાર્લ (જ. 23 ફેબ્રુઆરી 1840, ગાલિસિયા, ઑસ્ટ્રિયા; અ. 26 ફેબ્રુઆરી 1921, વિયેના, ઑસ્ટ્રિયા) : અર્થશાસ્ત્રમાં ઑસ્ટ્રિયન વિચારધારા તરીકે ઓળખાતી વિશિષ્ટ શાખાના સંસ્થાપક. વિયેના અને પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધા પછી થોડાક સમય માટે તેમણે નાગરિક સેવાક્ષેત્રે કામ કર્યું. 1873માં વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1890માં આ પદ પરથી સ્વેચ્છાથી રાજીનામું આપ્યું અને બાકીનાં વર્ષો આર્થિક સંશોધનમાં પસાર કરવાનો નિશ્ચય કર્યો. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, વિદ્વાન અને સંશોધક આ ત્રણેય ભૂમિકાઓમાં તેમણે વિપુલ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.

કાર્લ મેન્જર

ઓગણીસમી  સદીના આઠમા દાયકામાં જે અર્થશાસ્ત્રીઓએ સ્વતંત્ર રીતે સીમાવર્તી તુષ્ટિગુણ પર આધારિત મૂલ્યના સિદ્ધાંતની રજૂઆત કરી અને તેના દ્વારા તે પછીના અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની ઉત્ક્રાંતિની પ્રક્રિયા પર ઊંડી અસર કરી તેમાં કાર્લ મેન્જરે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. ઘટતા સીમાવર્તી તુષ્ટિગુણની વિભાવના ત્યાર પછીના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં પથદર્શક સાબિત થઈ હતી અને તે આખરે ઉત્પાદન અને વપરાશ અંગેના સિદ્ધાંતો એકત્ર કરવામાં મદદરૂપ નીવડી હતી. તેમના મત મુજબ માનવ-જરૂરિયાતો અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો પાયો ગણાય, જે અન્ય આર્થિક પ્રક્રિયાઓ અને વ્યવહારોને પ્રોત્સાહિત કરે છે. માનવની વ્યક્તિગત જરૂરિયાતો ઉપરાંત નગરો, સંસ્થાઓ, સંગઠનો અને રાજ્યની પણ જરૂરિયાતો હોય છે, જે સંતોષવી એ સામાજિક અર્થશાસ્ત્રનો હેતુ હોય છે. વપરાશ ઉપરાંત મૂલ્યની ગણતરીને લગતો સિદ્ધાંત, કાર્યલક્ષી વહેંચણીનો સિદ્ધાંત, વિનિમયની પ્રક્રિયા, નાણું તથા અર્થશાસ્ત્રની કાર્યપદ્ધતિના ક્ષેત્રે પણ મેન્જરનું યોગદાન મહત્વનું ગણાય છે.

1871માં પ્રસિદ્ધ થયેલા તેમના ગ્રંથમાં તેમણે તેમના સીમાવર્તી તુષ્ટિગુણના સિદ્ધાંતની રજૂઆત કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે