મેન્કેન, એચ. એલ. (જ. 12 સપ્ટેમ્બર 1880, બાલ્ટિમૉર અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1956) : પ્રભાવક અમેરિકન તંત્રી, નિબંધકાર અને સમાજવિવેચક. તીવ્ર તથા તેજીલા કટાક્ષકાર તેમજ સમર્થ ગદ્યકાર તરીકે તેઓ 1920ના દાયકામાં સવિશેષ ખ્યાતિ પામ્યા. 1924થી ’33 દરમિયાન ‘મર્ક્યુરી’ના તંત્રી તરીકે અને એ અગાઉ 1914થી ’23 દરમિયાન ‘ધ સ્માર્ટ સેટ’ના તંત્રી તરીકે તેમણે થિયૉડૉર ડ્રાઇઝિયર, જેમ્સ બ્રાન્ચ કૅબેલ, સિંકલેર લૂઇ તથા યૂજીન ઓ’નીલ જેવા નવા સાહસિક લેખકોનું સમર્થન કરી તેમને પ્રોત્સાહન આપ્યું. તેમજ આડંબરી તથા ડોળઘાલુ સાહિત્ય-જગતમાં મુક્ત મોકળાશની નવી આબોહવા પ્રગટાવવામાં અગ્રણી ભૂમિકા અદા કરી.

એચ. એલ. મેન્કેન

જર્મન-અમેરિકન માતા-પિતાને ત્યાં મધ્યમવર્ગમાં જન્મેલા મેન્કેને બાલ્ટિમૉરના ‘મૉર્નિંગ હેરલ્ડ’માં 18 વર્ષની વયે જ કામગીરી અને કારકિર્દીનો પ્રારંભ કર્યો. સ્થાનિક અખબારી જગતમાં તેમનો ઝડપી ઉદય થયો અને 1905માં ‘ઈવનિંગ હેરલ્ડ’ના તંત્રી બન્યા અને 1905 પછી બાલ્ટિમૉરના ‘ઈવનિંગ સન’ના વિવાદાસ્પદ કટારલેખક બની રહ્યા. 1914માં તેઓ તથા જ્યૉર્જ ઝાં ‘સ્માર્ટ સેટ’ના સહતંત્રીઓ બન્યા ત્યારે તેઓ રાષ્ટ્રભરમાં નામના પામ્યા. અમેરિકન જીવનનાં તમામ પાસાંની એટલે કે અમેરિકન સંસ્કારિતા (અથવા સંસ્કારિતાની ઊણપ), શિક્ષણપ્રથા, ધાર્મિક ઉન્માદ, રાજકારણ વગેરેની તેમણે પોતાનાં અખબારો તથા નિબંધોમાં આકરી અને વેધક ટીકા કરી છે. તેમના 2 સર્વોત્તમ અને લાક્ષણિક નિબંધો પૈકી એક તે ‘પ્યુરિટનિઝમ ઍઝ એ લિટરરી ફોર્સ’ (1917) છે. તેમાં તેમણે પ્યુરિટનિઝમને અમેરિકાની મોટાભાગની સમસ્યાઓના મૂળ કારણરૂપ લેખ્યું છે. બીજો નિંબધ તે ‘ધ સહરા ઑવ્ ધ બોઝાર્ટ’ (1920) છે. તેમાં દક્ષિણ અમેરિકન સાહિત્ય તથા સંસ્કારિતાની આક્રોશપૂર્વક આલોચના કરી છે. 1920–1930ના અરસામાં બૌદ્ધિકોની નવી પેઢી પર તેમનો એવો જોશીલો અને સર્વાંગી પ્રભાવ હતો કે 1926માં વૉલ્ટર લિપમૅને તેમને વિશે કહ્યું હતું કે ‘તેઓ શિક્ષિત લોકોની એક આખી પેઢી પર જોશીલી અસર કરનાર સૌથી પ્રભાવક વ્યક્તિગત પરિબળ છે.’

1930ના દાયકામાં તેમનો પ્રભાવ ઓસરવા માંડ્યો. તેનાં બે કારણો જોવાયાં છે : તેમનો બેતમા અને ઉદ્દંડ અભિગમ તથા તેમનું મૂર્તિભંજક વલણ, 1920ના દાયકાની આબાદીને આ વલણ માફક આવે તેવાં ન હતાં; બીજું કારણ એ કે તેમણે પ્રમુખ રૂઝવેલ્ટ તથા તેમની ‘ન્યૂ ડીલ’ની નીતિની આકરી આલોચના કરી હતી.

આ સમગ્ર ગાળા દરમિયાન તેઓે ‘અમેરિકન લૅંગ્વેજ’ (1919, 1921, 1931, 1936, 1963; પુરવણીઓ 1945–48) નામની મહત્વાકાંક્ષી મહાશ્રેણી માટે ખૂબ પરિશ્રમ કરતા રહ્યા; તેમાં તેમણે એવું ભારપૂર્વક પ્રતિપાદિત કર્યું કે અમેરિકન ભાષા અમુક ચોક્કસ બાબતોમાં તેની માતૃભાષા કરતાં તદ્દન જુદી જ ભાષા છે. 1948માં તેમને હૃદયરોગનો હુમલો થયો ત્યાં સુધી તેઓ પત્રકાર તથા સમાલોચક તરીકે કાર્યરત રહ્યા.

તેમની ઉત્તમ કૃતિઓમાં ‘અમેરિકન લૅંગ્વેજ’ની ગ્રંથશ્રેણી ઉપરાંત ‘પ્રેજુડિસિઝ’ (6 ગ્રંથો)(1919–27)માંના નિબંધો ઉલ્લેખનીય છે. તેમણે નાટ્યકાર જ્યૉર્જ બર્નાર્ડ શૉ (1905), તત્વચિંતક નીત્શે (1908), મહિલાવર્ગ (1917), લોકશાહી (1926) તથા ધર્મ (1930) જેવા બહુવિધ વિષયો પર પુસ્તક-કદના અભ્યાસ-નિબંધો લખ્યા છે; એ ઉપરાંત આત્મકથાત્મક 2 ગ્રંથો ‘ન્યૂઝપેપર ડેઝ, 1899–1908’ (1914) તથા ‘હીધન ડેઝ, 1890–1936’ (1943) પણ ઉલ્લેખનીય છે.

મહેશ ચોકસી