મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ માલિકીની વ્યાપારી પેઢીઓ વગેરેનાં સંચાલન અને વહીવટ ‘મૅનેજિંગ એજન્સી’નાં જૂથો દ્વારા થતાં હતાં. તેમણે આવી પ્રવૃત્તિઓના પ્રયોજકો, વિત્તકારો (financiers) અને સંચાલકો તરીકે મુખ્ય કામગીરી બજાવેલી. આઝાદી પહેલાં દેશમાં ઔદ્યોગિક ધિરાણ નિગમોની ખોટ મહદ્ અંશે મૅનેજિંગ એજન્ટોએ પૂરી પાડી હતી એમ કહી શકાય. તેમની પાસે અઢળક નાણાકીય સાધનો ઉપરાંત ધંધાકીય કૌશલ હોવાથી તેમણે સ્થાપેલી કંપનીઓની જરૂરિયાતોને લગતા કાચા માલની, યંત્રસામગ્રીની અને અન્ય સાધનોની ખરીદી કરવાની જવાબદારી એજન્ટ તરીકે તે નિભાવતા. ઉપરાંત એ કંપનીઓએ તૈયાર કરેલા માલનાં વેચાણ અને વિતરણ પણ આ જૂથો દ્વારા હાથ ધરવામાં આવતાં. આમાંની પ્રત્યેક કામગીરીનું અલગ અલગ વળતર તે મેળવતા. ભારતના આર્થિક વિકાસમાં અને ખાસ કરીને ઔદ્યોગિક વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર હતો એ વાત સાચી, પરંતુ તેમણે તેની ખૂબ ઊંચી કિંમત વસૂલ કરી હતી, જેને લીધે દેશમાં આર્થિક અને સંપત્તિના કેન્દ્રીકરણને પ્રોત્સાહન મળ્યું હતું. ઉપરાંત નાણાકીય સાધનોના અંતર્ગ્રથન(interlocking)નું દૂષણ પણ તેમના થકી દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં દાખલ થયું હતું. પરિણામે સશક્ત ઔદ્યોગિક એકમોના ભોગે નબળા ઔદ્યોગિક એકમો વધતા જતા હતા, જેને લીધે ઔદ્યોગિક સંચાલન અને ઉત્પાદનના ક્ષેત્રે ઉત્પાદકતામાં ઘટાડો થતો ગયો. કંપનીઓ નફો કમાય કે ખોટ કરે, પણ મૅનેજિંગ એજન્ટોનું વળતર તેમને ચૂકવવું જ પડતું હતું.

આઝાદી પછી 1956માં જ્યારે કંપનીધારાનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો ત્યારે મૅનેજિંગ એજન્સી પ્રથા પર કડક અંકુશો લાદવામાં આવ્યા, એને પરિણામે આ પ્રથા દેશમાંથી ક્રમશ: નાબૂદ થઈ. અલબત્ત, આ પ્રથાને કારણે આઝાદી પૂર્વેના કાળમાં ભારતમાં અનેકવિધ ઉદ્યોગોની સ્થાપના થઈ, વિશ્વના કેટલાક દેશો સાથે આર્થિક સ્તરે સંપર્ક જળવાયા, વિદેશવેપાર શક્ય બન્યો અને ભારતમાં થતી ઔદ્યોગિક પેદાશની નિકાસ શક્ય બની એ મૅનેજિંગ એજન્સી પ્રથાનું ઊજળું પાસું પણ નોંધપાત્ર છે.

અશ્વિની કાપડિયા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે