મેનીહૉટ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફૉર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ઊંચું શાકીય, ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપ ધરાવે છે અને બ્રાઝિલ અને અમેરિકાના ગરમ પ્રદેશોનું મૂલનિવાસી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
Manihot esculenta Cruntz. syn. M. utilissima Pohl; M. palmata Muell. (તે. કરાપેંડા લામુ; ત. મારાવલી કિઝાંગુ, એઝાલાઈ કિઝાંગુ; મલ, મારાચીની કિઝાંગુ, કપ્પા; અં. કેસાવા; મેનિયૉક; ટેપિયોકા. નાની 2.0થી 5.0મી. (કેટલીક વાર 7.0મી. સુધી) ઊંચી, અર્ધ-કાષ્ઠીય (semi-woody) ક્ષુપ કે વૃક્ષસ્વરૂપજાતિ છે. તેનું પ્રકાંડ કાં તો અશાખિત હોય છે અથવા અલ્પશાખિત હોય છે. તે આછા સફેદથી માંડી બદામી રંગનું હોય છે. તેના ઉપર ખરી પડેલાં પર્ણોનાં અસંખ્ય ક્ષતચિહનો(scars) જોવા મળે છે. બાહ્ય છાલ લીસી, પીળાભૂખરા રંગથી માંડી આછા બદામી રંગની અને આંતરછાલ આછા પીળાશ પડતા લીલા રંગની હોય છે. તેનું કાષ્ઠ મૃદુ હોય છે.
પર્ણો પંજાકાર (palmate), 5–9 ખંડો ધરાવતાં ઉપરની સપાટીએથી ઘેરા લીલા રંગના અને નીચેની સપાટીએથી લીલાશ પડતાં ભૂખરાં હોય છે. કેટલીક જાતોમાં પર્ણો બહુવર્ણી (variegated) હોય છે. પર્ણદંડો આછા લીલા રંગથી માંડી લાલ રંગના હોય છે.
પુષ્પો અગ્રીય પરિમિત (cyme) સ્વરૂપે ગોઠવાયેલાં અને એકલિંગી હોય છે. નર અને માદા પુષ્પો એક જ પુષ્પવિન્યાસ ઉપર ઉદભવે છે. ફળ એરંડીના બીજ જેવાં ત્રણ બીજ ધરાવતાં પાવર(capsule) પ્રકારનાં, કેટલેક અંશે ઉપગોળાકાર (subglobose) લીલાંથી માંડી આછાં પીળાં, સફેદ કે ઘેરાં બદામી રંગનાં, લીસાં અને છ ઊભી પાંખો ધરાવતાં હોય છે.
મૂળ પ્રકાંડના તલ પ્રદેશેથી 48 ગુચ્છામાં વિકસતાં હોય છે. તેઓ 2037.5 સેમી. લાંબાં અને 2.510.00 સેમી. વ્યાસ ધરાવે છે. અંદરનો સફેદ રંગનો ભાગ બટાટા કરતાં વધારે કઠણ હોય છે. અને વિપુલ પ્રમાણમાં સ્ટાર્ચ ધરાવે છે. તેઓ પાતળી, રતાશ પડતી બદામી રંગની રેસામય છાલ વડે ઈવરિત હોય છે. તેને છોલીને કાઢી શકાય છે.
કેતેવા દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી વનસ્પતિ છે અને આફ્રિકા, ભારત, અગ્નિ એશિયા અને પૅસિફિકના ટાપુઓમાં તેનો પ્રવેશ કરાવાયો છે. કંદિલ મૂળના સ્વાદને આધારે તેની કડવી અને મીઠી એમ બે જાત પાડવામાં આવી છે. કેરળમાં તેના 75 જેટલા પ્રકાર નોંધાયા છે. તે પૈકી એક પ્રકાર (M. esculenta var. variegata) બહુવર્ણી શોભન (ornamental) પર્ણસમૂહ ધરાવે છે.
ભારતમાં સંકરણ દ્વારા તેની સુધારણા માટે ઘણાં સંશોધનો થયાં છે. કેરળમાં સંકર 105, 96, 9/49 અને 20/50 જેવી આશાસ્પદ જાતો વિકસાવવામાં આવી છે. મેનીહૉટના બધા જ પ્રકારોમાં દ્વિગુણિત (diploid) રંગસૂત્રોની સંખ્યા 36ની હોય છે. કક્ષકલિકાઓને કૉલ્ચિસિનની સારવાર આપી ચતુર્ગુણિતો (tetraploids) ઉત્પન્ન કરવામાં આવે છે, જે શક્તિશાળી હોય છે; પરંતુ કંદનું ઉત્પાદન ઓછું આપે છે. દ્વિગુણિત અને ચતુર્ગુણિતના સંકરણ દ્વારા ત્રિગુણિત (triploid) પ્રકાર મેળવવામાં આવે છે, જે ચતુર્ગુણિત કરતાં કેટલાંક ચઢિયાતાં લક્ષણો ધરાવે છે.
દક્ષિણ અને મધ્ય અમેરિકા, મધ્ય અને પશ્ચિમ આફ્રિકા અને અગ્નિ એશિયાના ભેજવાળા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે. બ્રાઝિલ, કાગો, નાઇજીરિયા, વિષુવવૃત્તીય આફ્રિકાના અન્ય દેશો, ઇંડોનેશિયા અને ભારત તેના વાવેતરના મુખ્ય દેશો છે. દુનિયાભરમાં તેનું વાવેતર 1.7 કરોડ એકર ભૂમિમાં થાય છે; તે પૈકી અડધાથી વધારે વાવેતર ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં થાય છે. ભારતમાં કેરળમાં એક સદી કે વધારે સમયથી ગૌણ પાક તરીકે વાવવામાં આવે છે. કેરળમાં વવાતી મુખ્ય જાતોમાં ‘કાલીકલન’, ‘આર્યન’, ‘નેડુમંગડન’, ‘કટ્ટન’, ‘વેલ્લા’, ‘એલામુરૈન’, ‘થુલાવેલ્લા’, ‘વેલ્લારોટ્ટી’, ‘નેન્ટ્રન’, ‘સુંદરીવેલ્લા’, ‘સંકર-105’ અને ‘સંકર-96’ છે.
ઉત્પાદન સંબંધિત લક્ષણો પૈકી એક પર્ણક્ષેત્ર સૂચકાંક (leaf area index) છે. વિપુલ પ્રમાણમાં શાખાઓ ધરાવતી જાતોમાં પર્ણક્ષેત્ર સૂચકાંક મહત્તમ હોવાથી તેઓ ઊંચું ઉત્પાદન આપતી જાતો છે. ક્લોન ‘H 119’ તેના ઇષ્ટતમ (optimum) પર્ણક્ષેત્ર સૂચકાંક સાથે ઊંચું ઉત્પાદન આપે છે. બીજાં લક્ષણોમાં ગ્રંકંદલોની છોડ દીઠ સંખ્યા, ગ્રકંદલનું સરેરાશ વજન અને ગ્રંકંદની વધારે જાડાઈ જેવાં લક્ષણો છોડ દીઠ ગ્રંકંદલનાં ઉત્પાદનમાં મહત્ત્વનો ફાળો આપે છે. CI590 ટૂંકો ગાળો ધરાવતો વંશક્રમ(line) છે અને છોડ દીઠ સરેરાશ 8.31 ગ્રંથિલ ગ્રંકંદલની જાડાઈ 7.86 સેમી. તથા 5.93 ટન/હે. જેટલું ઊંચું ઉત્પાદન આપે છે. તે આંધ્રપ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાની ઉચ્ચભૂમિ (upland)ના વિસ્તારો માટે યોગ્ય જાત છે.
કૅસાવા લઘુબીજાણુઓ (microspores)ના અવિયોજન (non-disjunction), અપસામાન્ય પોષકસ્તર (tapetum) અને અસૂત્રયુગ્મન (asynapsis)ને કારણે સંપૂર્ણ નરવંધ્યતા (male sterlity) તથા ગૂઢ (cryptic) રચનાત્મક તફાવતોને કારણે આંશિક પરાગરજ-વંધ્યતા દર્શાવે છે.
‘CI700’નો માદા છોડ અને ‘CE380’નો નર છોડ તરીકે ઉપયોગ કરી સંકરજાતો પ્રાપ્ત કરવામાં આવે છે. આ સંકરજાતો સતત સારું ઉત્પાદન આપે છે, કારણકે પૈતૃક છોડની વધારે સારી સંયોગ ક્ષમતા (combining ability) હોય છે.
શુષ્કતાસહિષ્ણુ (drought tolerant) જનીનપ્રકારો (genotypes)માં ‘S 1315’, H648’, H 2304’, ‘H97’ અને ‘CI 167’નો સમાવેશ થાય છે.
કૃષિ : વિસ્તાર અને ઉત્પાદન : કૅસાવા કેરળ, તામિળનાડુ અને આંધ્રપ્રદેશનો મુખ્ય પાક છે. કેરળની મોટા ભાગની વસ્તીનો તે મુખ્ય આહાર છે; જ્યારે તામિળનાડુ અને આંધ્રપ્રદેશમાં આ પાક ઔદ્યોગિક હેતુઓ માટે વાવવામાં આવે છે. તેનો કર્ણાટક, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, પોંડિચેરી, નાગાલૅન્ડ, રાજસ્થાન, ત્રિપુરા, મિઝોરમ અને આંદામાન તથા નિકોબારના ટાપુઓમાં પણ ઉછેર થાય છે.
રોપણ(grafting) : ભારતમાં ઊંચું ઉત્પાદન આપતી ‘H165’ જાતનું ‘M4’ પ્રકંદ(rootstock) ઉપર રોપણ કરતાં ‘M4’ જાતનું ઉત્પાદન બે ગણું કરી શકાયું છે. કૅસાવાની જાતોનો પ્રકંદ તરીકે અને M. glazioviiની કલમો તરીકે ઉપયોગ કરતાં તેની પ્રતિક્રિયા(response)માં નોંધપાત્ર ભિન્નતા જોવા મળે છે. પ્રકંદ અને કલમની ચોખ્ખા સ્વાંગીકરણ (cassimilation) દર અને ગ્રંકંદલના ઉત્પાદન પર મહત્ત્વનો પ્રભાવ હોય છે. ગ્રંકંદલ પર શુષ્ક દ્રવ્ય શતમાન અને સ્ટાર્ચયુક્ત દ્રવ્યો ઉપર કલમની કોઈ અસર હોતી નથી. પરંતુ ગ્રંકંદલના હાઈડ્રોસાયનિક ઍસિડ ઉપર પ્રકંદ અને કલમ બંનેની નોંધપાત્ર અસર હોય છે.
તે હૂંફાળી, ભેજવાળી, ખુલ્લા સૂર્યપ્રકાશ અને પૂરતા વરસાદવાળી આબોહવામાં થાય છે. તે હિમ સામે ટકી શકતી નથી અને 900 મી.થી વધારે ઊંચાઈએ થતી નથી. ઓછા વરસાદથી કંદ કઠણ થાય છે. 150 સેમી. જેટલો વરસાદ સૌથી વધુ અનુકૂળ ગણાય છે. હલકી, સારી નિતારવાળી અને મધ્યમસરની ફળાઉ ભૂમિ તેના વાવેતર માટે પસંદ કરવામાં આવે છે.
મેનીહૉટ એક નિર્ભેળ પાક તરીકે સામાન્ય રીતે ઉગાડવામાં આવે છે, છતાં શાકભાજી, કેળાં, રતાળુ (yam) કે શક્કરિયાં સાથે મિશ્ર પાક તરીકે અથવા રબર કે નાળિયેરીના રોપણ (plantation) વચ્ચે ગૌણ પાક તરીકે વાવવામાં આવે છે. જોકે નાળિયેરી સાથે મેનીહૉટનું થતું વારંવાર વાવેતર મુખ્ય પાક માટે નુકસાનકારક છે, કારણ કે તેથી ભૂમિમાં પોટૅશિયમનું પ્રમાણ ઘટે છે અને ઉંદરોની વસ્તી વધી જાય છે.
આંતરપાક (intercrop) તરીકે તુવેર અથવા અડદનો પાક લઈ શકાય છે. ગુવાર અને ફણસીનો આંતરપાક પણ સારો ગણાય છે. છતાં કૅસાવા-મગફળીનો આંતરપાક આર્થિક ર્દષ્ટિએ મહત્તમ લાભ આપે છે. કેળા સાથે તેનો પાક લેવાથી શુષ્ક દ્રવ્ય ઉત્પાદન, N. P, K, Ca અને Mgના ગ્રહણ અને કંદના ઉત્પાદનમાં વધારો થાય છે.
લણણીનો સમય : કંદોનું મહત્તમ ઉત્પાદન અને તે સાથે ઇચ્છિત પ્રમાણમાં સ્ટાર્ચ દ્રવ્યની પ્રાપ્તિનો સમય લણણી માટેનો આદર્શ સમય છે. ‘H119’ જાત સાત કે આઠ મહિને કંદનું મહત્તમ વજન પ્રાપ્ત થાય છે. તે પછી ‘H-5/78’ અને ME‘120’ આવે છે. સાતમાસમાં ‘H119’, ‘C1590’ અને ‘5856’માં સ્ટાર્ચ દ્રવ્ય મહત્તમ થાય છે. H165’, ‘H1687’, ‘Co2’, ‘H5/78’, ‘H119’, ‘C1590’, ‘5856’, ‘Co1’, ‘H226’, ‘ME120’, ‘H2304’ અને ‘ME-70’નો લણણીનો ઇષ્ટતમ્ સમય વાવણી પછી સાત માસનો છે. જો સાબુદાણા કે સ્ટાર્ચ માટેની જરૂરિયાત હોય તો લણણી બીજા 2થી 4 મહિના સુધી લંબાવવામાં આવે છે. કંદોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવાનો હોય તો લણણી 6-8 મહિનામાં કરવામાં આવે છે.
તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા થાય છે. બીજ દ્વારા કરવામાં આવતું પ્રસર્જન મુખ્યત્વે પસંદગી (selection) અને સંકરણ માટે હોય છે. તેની લગભગ 30 સેમી. લાંબી ડાળીઓને એક એક મીટરને અંતરે અને બે હરોળ વચ્ચે 1.25 મી. અંતર રાખીને રોપવામાં આવે છે.
આ પાક જો સતત લેવામાં આવે તો ભૂમિની ફળદ્રૂપતા ઘટે છે; તેથી પાકની ફેરબદલી, લીલું ખાતર કે અકાર્બનિક કે કાર્બનિક ખાતરો આપવાં જરૂરી છે. સામાન્ય રીતે એકલું છાણિયું ખાતર અથવા લીલા ખાતર સાથે કે કેટલીક વાર ચૂનો અને કાષ્ઠ-ભસ્મ (woodash) ઉમેરવામાં આવે છે. માછલીનું ખાતર અને એમોનિયમ સલ્ફેટ કે એમોનિયમ ફૉસ્ફેટ અને પોટૅશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. ફાર્મયાર્ડ ખાતર વધારે માત્રામાં આપતાં તેનું ઉત્પાદન વધે છે; પરંતુ તેની અતિશય માત્રાથી મૂળ કડવાં બને છે.
ભારતમાં મેનીહૉટના પાક્ધો કોઈ ગંભીર રોગ લાગુ પડતો નથી. Cercospora henningsii Allesch. અને C. cassavnue દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે. તેનું નિયંત્રણ બોર્ડો મિશ્રણ દ્વારા થઈ શકે છે. Fomes lignosus klotzsch અને Phytomonas sp. દ્વારા કંદનો કોહવારો થાય છે.
‘મેનીહૉટ મોઝેક’ વાઇરસ દ્વારા થતો એક ગંભીર રોગ છે. રોગિષ્ઠ છોડોનો નાશ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. પૂર્વ આફ્રિકામાં મોઝેક-રોધક જાતો વિકસાવવામાં આવી છે.
Aonidomytilus albus ckll. નામનો શલ્કપંખ કીટક આ પાકના શરૂઆતના તબક્કામાં આક્રમણ કરે છે; જેથી પર્ણો ક્લૉરોફિલ ગુમાવે છે અને પર્ણો સુકાઈ જાય છે. તેનું ભારે આક્રમણ હોય ત્યારે પ્રકાંડ પણ સુકાય છે. પેરાથિયોન તેનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે.
લાલ ઇતરડી (Tetranychus telarius Z.) નીચેનાં પર્ણોની નીચેની સપાટીએ ઘણી વાર જોવા મળે છે અને પીળાં ટપકાં ઉત્પન્ન કરે છે. અસરગ્રસ્ત પર્ણો બાળી નાખવામાં આવે છે. ગંભીર આક્રમણ સમયે ચૂના અને સલ્ફરના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.
પ્રત્યેક છોડ 5થી 10 નળાકાર કંદ ઉત્પન્ન કરે છે. તે સામાન્ય રીતે 30 સેમી.થી 45 સેમી. લાંબા હોય છે. કેટલીક વાર તેની લંબાઈ 60 સેમી.થી 90 સેમી. જેટલી જોવા મળે છે. તેનું વજન લગભગ 0.9 કિગ્રા.થી 2.25 કિગ્રા. જેટલું હોય છે. કેરળમાં તેનું પ્રતિ એકરે 1થી 12 ટન જેટલું ઉત્પાદન થાય છે. જ્યાં સઘન વાવેતર થયું હોય ત્યાં પ્રતિ એકરે 20 ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. મલેશિયા અને બીજા દેશોમાં તેનું 25 ટન/એકર ઉત્પાદન થાય છે. જ્યારે કંદ સંપૂર્ણ પરિપક્વ બને છે ત્યારે સ્ટાર્ચ-દ્રવ્ય સૌથી વધુ હોય છે અને તેમાં પ્રતિ એકરે સ્ટાર્ચનું ઉત્પાદન ચોખા સહિતના કોઈ પણ અન્ય પાક કરતાં વધારે હોય છે.
લણણી પછી આ કંદ 4થી 5 દિવસ કરતાં વધારે દિવસ સારા રહી શકતા નથી. Penicillium, Rhizopus, Aspergillus Saccharomyces sp. અને Bacillus Sp. દ્વારા તેનો કોહવારો થાય છે. ફૂગનાશક મીણનું આવરણ ચઢાવવાથી તેને 16 દિવસ સુધી સંગ્રહી શકાય છે. ઇથિલિન ડાઇબ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ (1:1) અથવા ફૉર્મેલિન અને પાણી(1:33)ના મિશ્રણની સારવાર આપવાથી અનુક્રમે 19 અને 25 દિવસ સંગ્રહી શકાય છે. શીત-સંગ્રહ (cold storage) કરવાથી તેનો છ માસ સુધી સંગ્રહ કરી શકાય છે.
તાજા કંદના ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 59.4 %; પ્રોટીન 0.7 %; લિપિડ 0.2 %; કાર્બોદિતો 38.7 %; ખનિજ દ્રવ્ય 1.0 %; કૅલ્શિયમ 50 મિગ્રા.; ફૉસ્ફરસ 40 મિગ્રા.; લોહ 0.9 મિગ્રા. થાયેમિન 0.045 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.3 મિગ્રા.; અને રાઇબોફ્લેવિન 0.01 મિગ્રા./100 ગ્રા. કેરળમાં ઉગાડવામાં આવતા 27 જેટલા પ્રકારનો કંદનો ખાદ્ય ભાગ શુષ્ક વજનને આધારે 78.1 % થી 90.1 % જેટલો સ્ટાર્ચ ધરાવે છે. કંદમાં રહેલા અન્ય કાર્બોદિતોમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, ડેક્સ્ટ્રીન, પેન્ટોસન અને શ્લેષ્મ છે. સુપાચ્યતા(digestibility)ની ષ્ટિએ મેનીહૉટપ્રોટીનની ચોખાના પ્રોટીન સાથે તુલના કરવામાં આવે છે. કુલ પ્રોટીનનું જૈવવૈજ્ઞાનિક મૂલ્ય (biological value) 48 % છે. કંદ કૅલ્શિયમ અને ફૉસ્ફરસનો સારો સ્રોત ગણાય છે.
કંદ 0.13.0 મિગ્રા. / કિગ્રા. (તાજું વજન) B-કૅરોટીન અને 0.050.6 મિગ્રા. / કિગ્રા. (તાજું વજન) લ્યુટીન ધરાવે છે. અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવતાં કૅરોટીનૉઇડમાં a-, l- અને z- કૅરોટીન તથા b-ક્રીપ્ટોઝેન્થિનનો સમાવેશ થયા છે. પીળા કંદ સફેદ કંદ કરતાં ઘણું વધારે b-કૅરોટીન ધરાવે છે. કૅસાવા પૂર્વ-પ્રજીવક (pro-vitamin)A કૅરોટીનૉઇડોનો અન્ય મૂળ-પાકોની તુલનામાં સારો સ્રોત છે.
ટૅપિયોકાની કડવાશ સાયનોગ્લાયકોસાઈડ દ્રવ્ય પર આધારિત છે. તે અત્યંત કડવા કંદોમાં 3201100 માઇક્રોગ્રા. સાયનાઇડ/ગ્રા. અને કડવાશ – રહિત કંદોમાં તેનું પ્રમાણ 27.577.5 માઈક્રોગ્રા સાયનાઇડ/ગ્રા. હોય છે. 30 મિનિટ સુધી પાણીમાં ઉકાળવાથી અને કડવા કંદોને કચરીને છ કલાક સૂર્યના પ્રકાશમાં રાખવાથી કડવાશ અને સાયનોગ્લુકોસાઈડનું પ્રમાણ ઘટી જાય છે.
કૅસાવાની જાતોમાં ટેનિન તુલ્ય(equivalent) દ્રવ્ય 0.310.34 % અને સેપોનિન તુલ્ય દ્રવ્ય 0.180.29 % જેટલું હોય છે. અપાચનશીલ (indigestable) દ્રવ્યમાં રહેલાં ટેનિન પ્રોટીન સાથે સંયોજાઈ કૅસાવાના પર્ણોનો ચારા તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓમાં ઍમિનોઍસિડોની જરૂરિયાત વધારે છે. ઉપરાંત, ટેનિન સામાન્યત: કૅન્સરજનક (carcinogemic) અને વિકૃતિજનક (mutagenic) હોય છે.
મેનીહૉટની મીઠી જાતનાં તરુણ પર્ણો શાકભાજી તરીકે વપરાય છે. તે શુષ્ક વજનને આધારે 20.6 % થી 36.4 % જેટલું અશુદ્ધ પ્રોટીન ધરાવે છે. તેમાં પ્રજીવકો અને ખનિજોનું પ્રમાણ પણ પુષ્કળ હોય છે. તાજાં પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 81.9 %; નાઇટ્રોજન 1.183 %, લિપિડ 1.67 %; અશુદ્ધ રેસા 2.10 % અને ભસ્મ 1.46 %; કૅલ્શિયમ 124.3 મિગ્રા., ફૉસ્ફરસ 81.8 મિગ્રા; લોહ 5.64 મિગ્રા; કૅરોટિન 10.774 મિગ્રા.; થાયેમિન 0.270 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.342 મિગ્રા.; નાયેસિન 1.74 મિગ્રા. અને એસ્કૉર્બિક ઍસિડ 256.6 મિગ્રા./100 ગ્રા. તેની કેટલીક જાતોમાં હાઇડ્રોસાયનિક ઍસિડ 89 મિગ્રા./100 ગ્રા. જેટલું હોય છે. ઊકળતા પાણીમાં પલાળી રાખવાથી પર્ણોનો ખોરાક તરીકે સલામત રીતે ઉપયોગ કરી શકાય છે.
કૅસાવા પર્ણપ્રોટીન સલ્ફર ધરાવતા ઍમિનોઍસિડ સિવાય સારી રીતે સંતુલિત હોય છે. કૅસાવા પર્ણોના ચારામાં રહેલા ઍમિનોઍસિડોનું બંધારણ આ પ્રમાણે હોય છે: આર્જિનિન 5.3 ગ્રા., સિસ્ટિન 1.2 ગ્રા., હિસ્ટિડીન 2.3 ગ્રા., આઇસોલ્યુસિન 4.5 ગ્રા., લ્યુસિન 8.2 ગ્રા., લાયસિન 5.9 ગ્રા., મિથિયોસીન 1.7 ગ્રા., ફિનાઇલએલેનિન 5.4 ગ્રા., થ્રીઓનિન 4.4 ગ્રા., ટ્રીપ્ટોફેન 2.0 ગ્રા. અને વેલાઇન 5.6 ગ્રા./ 16 ગ્રા. N.
અશોધિત પર્ણ પ્રોટીન સાંદ્ર(concentrate)માં ટેનિન 2.2 % અને પ્રોટીન 47.0 % જેટલું તથા કાઇમોટ્રિપ્સિન અને ટ્રિપ્સિન પ્રતિરોધ વધારે પ્રમાણમાં હોય છે. સૂક્ષ્મગાળણ (Ultrafiltration) દ્વારા પ્રાપ્ત કરેલ પર્ણ-પ્રોટીન સાંદ્રમાં ઍસિડ ઉષ્માગંઠન (thermocoagulation) દ્વારા પ્રાપ્ત પ્રોટીન સાંદ્ર કરતાં વધારે કુલ કૅરોટિન (235 પી. પી. એમ.), પ્રાપ્ય (available) લાયસિન (5.05 ગ્રા./100 ગ્રા. પ્રોટીન), પાત્રે પાચ્યતા (digestibility) 85 % અને ઓછું કુલ સાયનાઇડ (12 પી.પી. એમ.) હોય છે. સૂક્ષ્મગાળણ દ્વારા પ્રાપ્ત પ્રોટીન સાંદ્રનો પ્રોટીન ક્ષમતા ગુણોત્તર (protein efficiency ratio, PER) (1.81) ઉષ્માગંઠન દ્વારા પ્રાપ્ત પ્રોટીન સાંદ્ર કરતાં (1.60) કરતાં વધારે હોય છે.
પર્ણોમાં લ્યુટીન 86-290 મિગ્રા. અને Bકૅરોટિન 1378 મિગ્રા./કિગ્રા. હોય છે.
પર્ણો પર પ્રક્રિયા કરવાથી કે રાંધવાથી તેમનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. રાંધવાથી પ્રોટીન, લિપિડ અને વિટામિનો તથા સૂર્ય પ્રકાશમાં સૂકવવાથી વિટામિન Aનો ઘટાડો થાય છે. માટીના પાત્રોમાં તેમનો સંગ્રહ કરવાથી વિટામિન A અને Cનો ઘટાડો થાય છે.
ઉપયોગ : કૅસાવાના પર્ણોનો મરઘાં-બતકા, ડુક્કર, સસલાં અને રોમન્થી (ruminants, વાગોળતાં પ્રાણીઓ) માટે આહારમાં ઉપયોગ થઈ શકે છે. આહારમાં આપતાં પહેલાં પર્ણોને સૂકવવાથી સારાં પરિણામ પ્રાપ્ત થાય છે. પર્ણોને સૂકવવાથી સાયનાઇડ વિષાળુતા(toxicity)માં અને મુક્ત ટેનિનના સ્તરમાં ઘટાડો થાય છે તથા પ્રાણીઓની સ્વીકાર્યતા (acceptability)માં સુધારણા કરે છે. પર્ણ-પ્રોટીન સાંદ્રમાં બહુ ઓછો સાયનાઇડ હોય છે, કેમકે લુગદીકરણ (pulping) અને દાબન (pressing)ની પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત થાય છે. છતાં રહી ગયેલો મોટાભાગનો સાયનાઇડ પર્ણોની સૂકવણી દરમિયાન નીકળી જાય છે. જોકે પર્ણ-પ્રોટીન સાંદ્રની પાચ્યતા ઓછી હોય છે.
મધ્ય અને દક્ષિણ અમેરિકા, મધ્ય અને પશ્ચિમ આફ્રિકા, ઇંડોનેશિયા અને પૉલિનેશિયાઈ ટાપુઓની ગરીબ વસ્તીનો તે મુખ્ય ખોરાક છે. શક્કરિયાની જેમ તે કંદ કાતળી, લોટ અને સાબુદાણા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કેરળમાં કામદારવર્ગ માછલીની સાથે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બટાટાની જેમ તેને ભૂંજીને કે બાફીને ખાવામાં આવે છે. તાજા કંદ લાંબો સમય સુધી સારા રહેતા નથી, તેથી તેને કાપીને પતીકાં પાડી સૂકવવામાં આવે છે. સૂકવેલાં પતીકાં રાંધીને ખાઈ શકાય છે અથવા તેનો દળીને ચોખાના લોટની જેમ ઉપયોગ કરી શકાય છે. ફિલિપાઇન્સમાં કંદને છીણીને રસ કાઢી નાખ્યા પછી બાકી રહેલા અવશેષમાંથી નાની નાની ગોળીઓ બનાવાય છે, જેમને ‘કેસાવા ચોખા’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમનો ઉપયોગ ચોખા અને મકાઈની અવેજીમાં થાય છે. કંદનો સૌથી અગત્યનો ઉપયોગ સ્ટાર્ચ અને સાબુદાણાના ઉત્પાદન માટે થાય છે. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ, ડેક્સ્ટ્રીન અને આલ્કોહૉલ બનાવવામાં આવે છે. તેનો વસ્ત્ર-ઉદ્યોગમાં પણ ઉપયોગ થાય છે. ભારત સહિત ઘણા દેશોમાં તેનું ઉત્પાદન ઔદ્યોગિક પાયા ઉપર થાય છે. તેની કાતળી અને લોટનો ઉપયોગ ગુંદર અને આસંજકો(adhesives)ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. તેના લોટનો ઉપયોગ કાષ્ઠ પૃષ્ઠાવરણ (wood veneer) ઉદ્યોગ દ્વારા અને સ્ત્રીઓ માટેના ચાંદલાઓ બનાવવામાં થાય છે. ટેપિયોકા સોજી ઘઉંની સોજીની અવેજીમાં વપરાય છે. તેના સાબુદાણાનો ઉપયોગ નાનાં બાળકો અને રોગિષ્ઠ વ્યક્તિઓના ખોરાક તરીકે અને શીરો કે રાબ બનાવવામાં થાય છે. ટેપિયોકા સેવો (macaroni) નામની એક ખાદ્ય નીપજ ‘સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મૈસૂર’ દ્વારા વિકસાવવામાં આવી છે. તે ટેપિયોકાનો લોટ (60 %); ઓછા મેંદાવાળો મગફળીનો લોટ (15 %) અને ઘઉંના થૂલા(25 %)નું મિશ્રણ છે. તેના સૂકા દાણા બનાવી તેમની ફરતે કૅલ્શિયમ કૅસિનેટનું પડ ચઢાવવામાં આવે છે અને તેમનો ઉપયોગ ચોખાની જેમ કરવામાં આવે છે. તે ચોખા કરતાં બેગણું પ્રોટીન ધરાવે છે અને તેમાં ખનિજો અને પ્રજીવકો વધારે પ્રમાણમાં હોય છે.
પોષણરોધી (anti-nutritional) ઘટકો : કૅસાવાનાં મૂળ અને પર્ણો બે વિષાળુ સાયનોગ્લુકોસાઇડ ધરાવે છે : લિનેમેરિન અને લોટૉસ્ટ્રેલિન. મૂળ અને પર્ણોમાં રહેલો લિનોમૅરેઝ નામનો ઉત્સેચક તેનું જલવિઘટન કરી ગ્લુકોઝ અને સાયનોહાઇડ્રિન મુક્ત કરે છે. તાજાં પર્ણોમાં સાયનાઇડ દ્રવ્ય 2080 મિગ્રા. HCN/100 ગ્ર. જેટલું હોય છે. આહાર તરીકે તેનો ઉપયોગ કરતાં પહેલાં આ ગ્લુકોસાઇડો દૂર કરવા જરૂરી હોય છે; કારણ કે આ સંયોજનો ગલગંડ(goitre), ગલગ્રંથિ-વામનતા (cretinism), ઉષ્ણકટિબંધીય ગતિવિભ્રમ અવિષાળુ ચેતારુગ્ણતા (tropical ataxic neuropathy) અને ઉષ્ણકટિબંધીય મધુપ્રમેહ (diabetes) જેવા દીર્ઘકાલીન રોગો કરી શકે છે. ત્વક્ષણ (peeling) અને પ્રક્ષાલન (washing) દ્વારા કંદમાં રહેલા આ વિષાળુ ઘટકોને દૂર કરી શકાય છે. મૂળનું પેષણ(grating) કે ખીમાકરણ (mincing) કરતાં અંતર્જાલ લિનેમૅરેઝ મુક્ત થાય છે અને તે સાયનોગ્લુકોસાઇડોનું જલવિઘટન કરે છે. આ ઉત્સેચક નિરાવિષીકરણ (detoxification)ને ઝડપી કરે છે. કૅસાવા કંદ અને તેના છોલનું આથવણની ક્રિયા દ્વારા પણ નિરાવિષીકરણ થઈ શકે છે. તેની કાતળીઓને સૂર્યના તાપમાં રાખવાથી 75 % જેટલો ઍસિડ નાશ પામે છે અને ભૂંજવાથી કે રાંધવાથી મોટા ભાગનો મુક્ત સાયનાઇડ દૂર થાય છે.
સ્કોપોલેટિન, એક વિષાળુ ઘટક ‘ગારી’ (નાઇજેરિયામાં ઉપયોગમાં લેવાતો કૅસાવાનો આહાર)માં અને કૅસાવાના લોટમાં હોય છે. તેમાં સૂર્ય-તાપ, પ્રશીતન (refrigeration) અને સંચયની ચિકિત્સાઓથી કોઈ ફેરફાર થતો નથી. તે શક્તિશાળી અલ્પરક્તદાબી (hypotensive) અને અવિશિષ્ટ (non-specific) ઉદ્વેષ્ટહર (spasmolytic) પ્રક્રિયક છે. સંભવત: આ સ્કોપોલેટિન ધીમે ધીમે ઉષ્ણકટિબંધીય ચેતારુગ્ણતા (neuropathy) તરફ દોરી જાય છે. ષ્ટિચેતાશોષ (optic atrophy), ચેતા બધિરતા (never feafness) અને ગતિવિભ્રમ (ataxia) તેનાં ખાસ લક્ષણો છે અને તે મુખ્યત્વે કૅસાવાનાં આહાર પર આધાર રાખતી દક્ષિણ આફ્રિકાની વસ્તીઓમાં થાય છે.
મૂળમાં ઝિંક 1.103 મિગ્રા. અને કૉપર 0.590 મિગ્રા./100 ગ્રા. (તાજું વજન) હોય છે. તેને ફૂગનો ચેપ લાગવાથી કે કાપવાથી તેની પેશીઓને હાનિ થાય છે અને તેઓ 22 ડાઈટર્પીનિક અને સ્ટેરૉઇડીય તણાવ ચયાપચયકો (stress metabolites) ધરાવે છે; જેઓ ચાર વર્ગના છે : એન્ટ-બેયરેન, એન્ટ-પિમેરેન, એન્ટ-એન્ટિસેન અને એન્ટ-કાઉરેન.
ઔષધીય ગુણધર્મો : મોટે ભાગે કૅસાવાના પર્ણો અને મૂળનો ઉપયોગ થાય છે. નાઇજેરિયામાં તેનો ઉપયોગ દાદર, અર્બુદ (tumor), નેત્રશ્લેષ્મલાશોથ (conjunctivitis), વ્રણદાહ (sores) અને વિદધિ (abscesses)માં કરવામાં આવે છે. પર્ણોનો આમવાત (rheumatism), તાવ, શિરદર્દ, અતિસાર (diarrhoea), અને અરુચિ જેવા ઘણા વિકારોમાં ઉપયોગ થાય છે. ઉંદરોને પર્ણોનો જલીય નિષ્કર્ષ મુખ દ્વારા આપતાં તેઓ શોથરોધી (anti-inflammatory) અને વેદનાહર (analgesis) અસરો દર્શાવે છે. પર્ણો અર્શરોધી (anti-hemorrhoid), શોથરોધી અને સૂક્ષ્મજીવરોધી (antimicrobial) સક્રિયતા પ્રદર્શિત કરે છે. ફ્લેવોનૉઇડ અંશ અને બાષ્પશીલ ફ્લેવોનૉઇડ સંયોજનો શોથરોધી અને વેદનાહર ગુણધર્મો માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. કૅસાવાનો મિથેનૉલીય નિષ્કર્ષ સૌથી પ્રબળ કૃમિહર (anthelminatic) સક્રિયતા દર્શાવે છે. લિપિડ પેરૉક્સિકરણ (peroxidation)ના મૉડલ આધારિત એક અભ્યાસ મુજબ, કૅસાવાનો નિષ્કર્ષ પ્રતિ-ઉપચાયી (antioxidant) અને મૂલકરોધી (antiradical) ગુણધર્મો ધરાવે છે. આ વનસ્પતિના ઝેરી રસને ઉકાળી શરબત બનાવી તે મૃદુવિરેચક(aperient) તરીકે આપી શકાય છે. વ્રણદાહ ઉપર તેની ગાંઠામૂળીની પોટીસ બનાવી લગાડાય છે. લોટને ગ્રીઝમાં શેકીને, પર્ણોને બાફી તેની લુગદી બનાવીને અને મૂળનો ક્વાથ બનાવીને તેનો પ્રક્ષાલક (wash) તરીકે અર્બુદોની સારવારમાં લોકો ઉપયોગ કરે છે. તે જંતુઘ્ન(antiseptic), સાયનોજનીય(cyanogenic), શામક (demulcent), મૂત્રલ (diuretic) અને વિષાળુ છે. લોકો ગડગુમડ, ફ્લુ, સારણગાંઠ (hernia), શોથ (inflammation) બાલક્ષય (maramus), પુર:સ્થશોથ (prostatitis), સર્પદંશ, તાણ, શુક્રપિંડોનું વિવર્ધન (enlargement), શરદી વગેરેના ઉપચારમાં કૅસાવાનો ઉપયોગ કરે છે. પર્ણો રક્તસ્તંભક (styptic) છે. તેના પર્ણોનો નિષ્કર્ષ જીવાણુરોધી (antibacterial) સક્રિયતાનો વિસ્તૃત પટ (broad spectrum) દર્શાવે છે; પરંતુ તેમાંથી કોઈ વિશિષ્ટ જીવાણુરોધી પ્રક્રિયકો અલગ કરાયા નથી. તેનો ઉપયોગ વંધ્ય સ્ત્રીની ચિકિત્સામાં પણ કરવામાં આવે છે.
M. esculenta var. variegataના છોડ લગભગ 1.5 મી. જેટલા ઊંચા હોય છે. તેનાં પર્ણોમાં પાણિવત્ છેદન થયેલું હોય છે અને તે લીલા રંગનાં પણ વચ્ચે વચ્ચે સફેદ-પીળા રંગનાં ધાબાવાળાં હોય છે. તેથી તેઓ બહુવર્ણી અને આકર્ષક બને છે. પીળાશ પડતા પ્રકાંડ ઉપર આછા લાલ રંગની વીંટી આકારની ગાંઠો આવેલી હોય છે. આ છોડને મોટા કૂંડામાં ઉછેરી શકાય છે. તેને આછો છાંયડો વધારે અનુકૂળ હોય છે. કંદના કટકા કરીને અથવા દાબ-કલમથી તેનું પ્રસર્જન કરવામાં આવે છે. આ જાતને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
M. glaziovii muell.ને સીએરા રબર કહે છે. M. dichotoma Ule અને M. piauhyensis Uleની જાતિઓ M. glaziovii સાથે ગાઢ રીતે સંબંધિત છે અને તે કૉલકાતા અને બૅંગાલુરુના વનસ્પતિ-ઉદ્યાનોમાં ઉગાડવામાં આવી છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ