મેનિન્જાઇટિસ (તાનિકાશોથ)

February, 2002

મેનિન્જાઇટિસ (તાનિકાશોથ) : મગજ અને કરોડરજ્જુનાં આવરણોમાં ચેપ. મગજ અને કરોડરજ્જુનાં આવરણોને તાનિકાઓ (meningies) કહે છે અને તેથી તેમાં ચેપને કારણે પીડાકારક સોજાવાળા વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં ફેલાતા કે લાગતા ચેપમાં મગજ, કરોડરજ્જુ તથા તેનાં આવરણો(તાનિકાઓ)ના ચેપનો સમાવેશ થાય છે. મગજના ચેપજન્ય વિકારને મસ્તિષ્કશોથ (encephalitis) તથા કરોડરજ્જુના ચેપને મેરુરજ્જુશોથ (myelitis) કહે છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો કેન્દ્રીય ચેતાતંત્રના ચેપ ફેલાવે છે; દા.ત., જીવાણુઓ (bacteria), ક્ષયજીવાણુઓ (mycobacteria), ફૂગ (fungus), સૂક્ષ્મસર્પિલાણુ (spirochetes), પ્રજીવો (protozoa), કૃમિઓ તથા વિષાણુઓ (viruses) : આ બધા જ પ્રકારના ચેપમાં કેટલાંક લક્ષણો અને ચિહનો સમાન હોય છે; જેમ કે, તાવ, સભાનતામાં આવતી વિષમતા, ડોક અને પીઠની અક્કડતા, કર્નિગ અને બ્રુડિઝસ્કીનાં ચિહનો તથા મગજ અને કરોડરજ્જુની આસપાસના મેરુ-મસ્તિષ્ક-તરલ(cerebreospinal fluid, CSF)માં ઉદભવતી વિષમતાઓ. આ બધી જ તકલીફો બધામાં હોતી નથી; પરંતુ કોઈ એક પણ લક્ષણ કે ચિહન હોય તો તે તાનિકાશોથની સંભાવના સૂચવે છે.

કેન્દ્રીય ચેતાતંત્રના ચેપજન્ય વિકારો સંકટકાલીન સ્થિતિ સર્જે છે; તેથી જરૂરી સ્થિતિ–સંભાળલક્ષી સારવાર ઉપરાંત મૂળ કારણ જાણવા માટેની તપાસ પણ તુરત શરૂ કરાય છે. નિદાન માટે નિદાનીય વૃત્તાંત (clinical history), શારીરિક તપાસ, લોહીના કોષો તથા તેમાંનાં રસાયણોનું સ્તર દર્શાવતી કસોટીઓ કરાય છે. છાતીનું ઍક્સ-રે-ચિત્રણ મેળવી લેવાય છે. કમરમાં છિદ્ર પાડીને મેરુ-મસ્તિષ્ક-તરલ મેળવાય છે અને તેની રાસાયણિક અને સૂક્ષ્મદર્શકીય તપાસ કરાય છે. આ રીતની મેરુ-મસ્તિષ્ક-તરલ મેળવવા માટે કમરમાં કાણું પાડીને સોય પરોવવાની ક્રિયાને કટિછિદ્રણ (lumbar-puncture) કહે છે. લોહી તથા મેરુ-મસ્તિષ્ક-તરલમાંના સૂક્ષ્મજીવ(જીવાણુ)ને યોગ્ય માધ્યમમાં ઉછેરીને તેમની ઓળખ મેળવાય છે તથા તેમના ઉછેર માધ્યમમાં ઍન્ટિબાયૉટિક ઉમેરીને તેમની ઍન્ટિબાયૉટિક-વશ્યતા જાણી લેવાય છે. આ કસોટીને સંવર્ધન અને વશ્યતા કસોટી (culture and sensitivity test) કહે છે. મેરુ-મસ્તિષ્ક-તરલમાંના કોષોનાં પ્રકાર અને સંખ્યાને તથા તેમાંના ગ્લુકોઝ અને પ્રોટીનના પ્રમાણને જાણી લેવાય છે. કાચની તકતી પર તેને ફેલાવીને (લીંપણ કરીને) તેનું અભિરંજન (staining) કરાય છે. તે વડે તેમાંના જીવાણુઓની ઓળખ મેળવી શકાય છે. જીવાણુઓને ઓળખવા માટે ગ્રામઅભિરંજન (Gram staining) તથા ઝીલ-નેલ્સનનું અભિરંજન કરાય છે. ઝીલ-નેલ્સનના અભિરંજન વડે ઍસિડ (અમ્લ) સામે ટકી રહેતા ક્ષયજીવાણુઓને ઓળખી શકાય છે. ક્ષયજીવાણુઓ અમ્લતા સામે ટકી રહે છે માટે તેમને અમ્લાચલ (acid fast) જીવાણુઓ પણ કહે છે. પરુ કરતા જીવાણુઓ, ક્ષયજીવાણુઓ તથા ફૂગનું સંવર્ધન પણ કરી શકાય છે. પ્રતિરક્ષી-પ્રતિ વીજચલન (counter-immuno electrophoresis) તથા લેટેક્સ ગુંફીકરણ (latex agglutination) કસોટીઓ વડે એસ. ન્યુમોનિ, એચ. ઇન્ફલુએન્ઝા, એન. મેનિન્જાઇટિડીસ તથા ક્રિપ્ટોકોકસ નિયોફૉર્મામ્સ જેવા સંપુટિત (encapsulated) સૂક્ષ્મજીવની હાજરી જાણી શકાય છે. જો દર્દીને ઍન્ટિબાયૉટિક ઔષધ અપાયું હોય અને તેથી સંવર્ધન કસોટી નિષ્ફળ ગઈ હોય, તો આ પ્રકારની કસોટીઓ ઉપયોગી રહે છે.

કટિછિદ્રણ કરીને મગજની આસપાસનું પ્રવાહી કાઢવાની ક્રિયામાં એક મહત્વનું જોખમ રહેલું છે. જો ખોપરીમાં દબાણ વધેલું હોય તો મગજનો થોડો ભાગ કરોડસ્તંભમાંના પોલાણમાં ઊતરી પડે. તેને અપસરણ (hermination) કહે છે. તેવું થતું રોકવા માટે આંખના ગોળાની અંદર નેત્રાંત-દર્શક (fundoscope) વડે તપાસ કરીને કે સી.એ.ટી. સ્કેનનાં ચિત્રો મેળવીને મગજ પરના સોજા અને ખોપરીમાંનાં દબાણ અંગે અંદાજ મેળવાય છે. કટિછિદ્રણ વખતે પણ સાવચેતી રાખીને બહાર નીકળતા પ્રવાહીના દરને નિયંત્રિત કરાય છે.

તાનિકાશોથના પ્રકારો : પૂયકારી તાનિકાશોથ (purulent meningitis), દીર્ઘકાલી તાનિકાશોથ (chronic meningitis) તથા અપૂયકારી તાનિકાશોથ (aseptic meningitis) તેઓને મસ્તિષ્ક-મેરુ-તરલ(CSF)ની તપાસ–ચકાસણી કરીને એકબીજાથી અલગ પાડી શકાય છે.

જીવાણુઓના ચેપના કારણે થતા તાનિકાશોથને પૂયકારી તાનિકાશોથ કહે છે. તેના દર્દીને ચેપ લાગ્યાના થોડાક કલાકો કે 1-2 દિવસમાં તીવ્ર તકલીફો થાય છે. દર્દીની ઉંમર પરથી તેને લાગેલા સંભવિત ચેપ વિશે અંદાજ લગાવી શકાય છે (સારણી 1).

સારણી 1 : પૂયકારી તાનિકાશોથ કરતા જીવાણુઓ અને તેમને માટેની પ્રારંભિક ઍન્ટિબાયૉટિક

વયજૂથ કે અન્ય કારક ઘટક સામાન્ય રીતે જોવા મળતા જીવાણુઓ પ્રારંભિક પ્રમાણિત સારવાર
18–50 વર્ષ એસ. ન્યુમોનિ, એન. મેનિન્જાઇટિડિસ સિફોટેડિઝમ અથવા સેફ્ટિ-એક્ઝોન પેનિસિલિન સાથે. એસ. ન્યુમોનિ માટે વેન્કોસિન પણ ઉમેરી શકાય.
50 વર્ષથી વધુ એસ. ન્યુમોનિ, એન. મેનિન્જાઇટિડિસ, એલ. મૉનોસાઇક્લોજિન્સ, ગ્રામઅનભિરંજિત દંડાણુઓ (gram negative bacilli) એમ્પિસિલિન, સિફોટેકિઝમ, સિફટ્ટાયેકઝોન
કોષીય પ્રતિરક્ષામાં વિષમતા (impaired cellular immunity) શસ્ત્રક્રિયા કે ઈજા બાદ એલ. મૉનોસાઇક્લો-જિન્સ, ગ્રામઅન-ભિરંજિત દંડાણુઓ એસ. ઑરિયસ, એસ. ન્યુમોનિ, ગ્રામ અન-ભિરંજિત દંડાણુઓ એમ્પિસિલિન અને સિફટાઝિડિમ વેન્કોમાયસિન અને સિફ્ટાઝિડિમ

નોંધ : દરેક ઍન્ટિબાયૉટિકને તેમની ભારે માત્રામાં અપાય છે.

કટિછિદ્રણ દ્વારા મેળવેલા પ્રવાહીને કાચની તકતી પર પાથરીને (લીંપણ, smear) ગ્રામ અભિરંજનક્રિયા બાદ સૂક્ષ્મદર્શક વડે અવલોકવામાં આવે છે અથવા યોગ્ય માધ્યમ પર તેમાંના જીવાણુઓને ઉછેરવામાં (સંવર્ધન) આવે છે. આ ક્રિયાઓ વડે અનુક્રમે 60 %થી 80 % અને 90 % કિસ્સાઓમાં જીવાણુને ઓળખીને નિદાન કરાય છે.

દીર્ઘકાલી તાનિકાશોથના દર્દીને તકલીફો થોડાંક અઠવાડિયાં કે મહિનાઓથી હોય છે. તેમાં મુખ્ય કારણરૂપ વિવિધ સૂક્ષ્મજીવો હોય છે. જેમ કે ક્ષયરોગ કરતા ક્ષયજીવાણુ (દા.ત, એમ. ટ્યુબરક્યુલોસિસ), અનાદર્શ ક્ષયજીવાણુ (atypical mycobacteria), ફૂગ (દા.ત., ક્રિપ્ટોકોકસ, કોક્સિડિયોઇડ્ઝ, હિસ્ટોપ્લાઝમા વગેરે) તથા સૂક્ષ્મ સર્પિલાણુ (spirochetes) જેમ કે ઉપદંશ(syphilis)નો રોગ કરતા ટ્રિપેનોમા પેલિડિયમ અને લાઇમ રોગ કરતા બોરેલિયા બુર્ઝોર્ફેરી. મગજની આસપાસના પ્રવાહીની રાસાયણિક તપાસ, ગ્રામ-અભિરંજનની તપાસ તથા સંવર્ધન (culture) ક્રિયા વડે તથા ક્યારેક રુધિરરસીય કસોટીઓ (serological tests) દ્વારા નિદાન કરાય છે. ફૂગ અને સૂક્ષ્મ સર્પિલાણુઓના ચેપના નિદાનમાં રુધિરરસીય કસોટીઓ ઉપયોગી છે.

અપૂયકારી તાનિકાશોથ મુખ્યત્વે વિવિધ પ્રકારના વિષાણુઓ (viruses) વડે થાય છે. જેમ કે ગાલપચોળિયું અથવા તાપોડિયું (mumps) કરતો વિષાણુ, હર્પિસ વિષાણુ તથા કોકસેકી વિષાણુ અને ઇકો-વિષાણુ જેવાં આંત્રીય વિષાણુઓ (enteroviruses). ચેપી (સંક્રામક) એકનાલકોષિતા (infectious mononucelosis)ના રોગમાં દ્વૈતીયિક ઉપદંશ (secondary syphilis)માં તથા લાઈમના રોગના બીજા તબક્કામાં પણ ક્યારેક અપૂયકારી તાનિકાશોથ થાય છે. આ વિકારોમાં મુખ્યત્વે લસિકાકોષો(lymphocytes)વાળી પ્રતિક્રિયા થતી હોવાથી પૂયકારી તાનિકાશોથની માફક પરુવાળું મસ્તિષ્ક-મેરુ-તરલ (CSF) થતું જોવા મળતું નથી. તનુસર્પિલાણુજન્ય (leptospiral) ચેપમાં પણ લસિકાકોષીય અને પરુ વગરનો તાનિકાશોથ થાય છે. ક્યારેક પૂયકારી (પરુ કરતા) તાનિકાશોથમાં અપૂરતી ઍન્ટિબાયૉટિક દવા અપાયેલી હોય, તો તેમાં પણ CSFની તપાસ કરવામાં આવે ત્યારે પરુની ગેરહાજરી જોવા મળે છે.

મગજમાં ગૂમડું (સપૂયગડ, abscess), કર્ણમૂલાસ્થિ(mastroid)માં ચેપ, કરોડસ્તંભના મણકામાં ચેપ, ચહેરાનાં હાડકાંનાં પોલાણોમાં ચેપ (વિવરશોથ, sinusitis) કે મગજની ર્દઢતાનિકા(duramater)ની નીચે પરુનો ભરાવો થાય ત્યારે ક્યારેક મસ્તિષ્કી-મેરુ-તરલ(CSF)માં પણ શોથકારી કોષો તથા પ્રોટીનનો ભરાવો થાય છે, તેને સમીપસ્થાની પ્રતિક્રિયા (neighbourhood reaction) કહે છે. હર્પિસ વિષાણુ કે આર્બો વિષાણુઓથી મગજ(મસ્તિષ્ક)માં ચેપ લાગે તો મસ્તિષ્કશોથ (encephalitis)નો રોગ થાય છે. તેમાં દર્દી સભાનતા ગુમાવે છે, તેને ખેંચ (આંચકી) આવે છે તથા અન્ય લક્ષણો પણ થાય છે. આવા સમયે મસ્તિષ્ક-મેરુ-તરલ કાં તો સામાન્ય સ્વરૂપનું હોય છે અથવા તેમાં થોડા લસિકાકોષોનો ભરાવો થાય છે.

ક્યારેક ન્યુમોનિયા કે શિગેલોસિસ જેવા અનુક્રમે ફેફસાં અને આંતરડાંના ચેપજન્ય રોગોમાં ડોકની અક્કડતા અને કનિંગનું ચિહન જેવા તાનિકાક્ષોભન (meningeal irritation)નાં ચિહનો અને લક્ષણો થઈ આવે છે. તેને તાનિકાવિષમતા (menigism) કહે છે. તેમાં મસ્તિષ્ક-મેરુ-તરલ સામાન્ય હોય છે અને મગજ, તાનિકા કે CSFમાં કોઈ ચેપ ફેલાયેલો હોતો નથી. જોકે કૅન્સરગ્રસ્ત તાનિકારુગ્ણતા (carcinomatous meningitis), વ્યાપક રક્તકોષ-ભક્ષિતા (systemic lupus erythematoses, SLE) તાનિકાઓનું રસાયણો અને દવાઓ વડે ક્ષોભન (irritation) થાય અને તેથી ઉદભવતો રાસાયણિક તાનિકાશોથ (chemical meningitis) દુખાવો અને શોથ ઓછો કરતી દવાઓ, કો-ટ્રાઇમેકઝઝોલ વગેરે ઔષધો પણ તાનિકાઓનું ક્ષોભન કરે છે. તેને અસંક્રામક તાનિકા-ક્ષોભન (non infectious meningeal irritation) કહે છે. આ કિસ્સાઓમાં CSFમાં પ્રોટીન વધે છે. ગ્લુકોઝ સામાન્ય સ્તરે રહે કે ઘટે છે તથા કોષોની સંખ્યા વધે છે. કોષોની સંખ્યા વધે તેને બહુકોષિતા (pleocytosis) કહે છે. સારણી 2માં વિવિધ પ્રકારના તાનિકાશોથમાં મસ્તિષ્ક મેરુ તરલ(CSF)માં થતા ફેરફારો દર્શાવ્યા છે.

સારણી 2 : વિવિધ પ્રકારના કેન્દ્રીય ચેતાતંત્રના ચેપમાં મસ્તિષ્કમેરુતરલમાં થતા ફેરફારો.

નિદાન કોષસંખ્યા/માઇક્રોલિટર ગ્લુકોઝ (મિગ્રા./ ડેસી.લિટર) પ્રોટીન (મિગ્રા./ ડેસી.લિટર) દબાણ
1 સામાન્ય સ્થિતિ 0–5 લસિકાકોષો 45–85 લોહીમાંના ગ્લુકોઝ કરતાં 20–30 મિગ્રા. ઓછું આશરે 50 %થી 70 % જેટલું 15-45 70–180 મિમી. પાણી
2 પૂયકારી તાનિકાશોથ 200–20,000 તટસ્થ કોષો (neutrophils) < 45 (ઓછું) > 50 (વધુ) ખૂબ વધેલું
3 દીર્ઘકાલી તાનિકાશોથ 100–1,000 મુખ્યત્વે લસિકાકોષો < 45 (ઓછું) > 50 (વધુ) મધ્યમ સ્તરે વધેલું
4 અપૂયકારી તાનિકાશોથ 100–1,000 મુખ્યત્વે લસિકાકોષો સામાન્ય થોડું વધુ સામાન્ય કે થોડું વધેલું
5 સૂક્ષ્મસર્પિ-લાણુજન્ય 25–2,000 મુખ્યત્વે લસિકાકોષો સામાન્ય કે ઓછું > 50 વધુ થોડું વધેલું
6 સમીપસ્થાની પ્રતિક્રિયા અનિશ્ચિત સામાન્ય સામાન્ય કે થોડું વધુ અનિશ્ચિત

સારવાર : જે તે પ્રકારના કારણરૂપ સૂક્ષ્મજીવ પર અસર કરતા ઔષધ વડે ચેપને નિયંત્રણમાં લેવાય છે. તે સમયે ખોપરીમાં વધેલા દબાણને ઘટાડવા માટે અતિશ્વસન (hyperventilation) અને/અથવા નસ વાટે મેનિટોલ અપાય છે. ડેક્સામિથેઝોનની મદદથી પણ તે ઘટાડી શકાય છે. જ્યાં સુધી જીવાણુ ઓળખી શકાયા ન હોય ત્યાં સુધી સારણી 1 પ્રમાણે ઍન્ટિબાયૉટિક આપી ને પૂયકારી તાનિકાશોથની સારવાર કરાય છે. ત્યારબાદ જે તે પ્રકારના જીવાણુને અનુરૂપ દવા અપાય છે. એચ. ઇન્ફલ્યુએન્ઝાના ચેપમાં 7 દિવસ, એન. મેનિન્જાઇટિસના ચેપમાં 7 દિવસ, એસ. ન્યુમોનિના ચેપમાં 10–14 દિવસ, એલ. મોનોસાટોજિન્સના ચેપમાં 14થી 21 દિવસ અને ગ્રામઅનભિરંજિત દંડાણુના ચેપમાં 21 દિવસ માટે ઍન્ટિબાયૉટિક ઔષધો અપાય છે. જો મગજમાં ગૂમડું થયું હોય તો પરુ કાઢીને સારવાર થાય છે તથા સાથે સાથે મેટ્રોનિડેઝોલ, સેફ્ટીઝોકઝાઇમ કે સેફ્ટીએક્ઝોન અપાય છે. હર્પિસ વિષાણુનો ચેપ કે સંક્રમણ એકનાભકોષિતાનો રોગ થયો હોય તો નસ વાટે એસાઇક્લોપિર અપાય છે. ઉપદંશની સારવારમાં પેનિસિલિન તથા ક્ષયરોગની સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિન રિફામ્પીન, પારીઝિનેમાઇડ વગેરે ઔષધો વપરાય છે. તનુસર્પિલાણુ (lepospiral) ચેપમાં પેનિસિલિન અને ટ્રેટાસાઇક્લિન ઉપયોગી છે. લાઇમરોગમાં પણ ટ્રેટાસાઇક્લિન ઉપયોગી ઔષધ છે.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી