મેનન, વ્યલોપિલ્લાઈ શ્રીધર (જ. 11 મે 1911, ત્રિપ્પુનીથુરા, ભૂતપૂર્વ કોચીન રાજ્ય; અ. 22 ડિસેમ્બર, 1985) : મલયાળમ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિદા’ (‘ફેરવેલ’) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો.
તેઓ વ્યલોપિલ્લાઈ શ્રીધર મેનન અથવા વ્યલોપિલ્લાઈ તરીકે ઓળખાતા. 1931માં તેઓ પ્રાકૃતિક વિજ્ઞાનના વિષયમાં સ્નાતક બન્યા. ત્યારબાદ હાઈસ્કૂલમાં 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યા પછી શાળાના આચાર્ય તરીકે 1966માં નિવૃત્ત થયા.
1947માં તેમણે 2 ઉત્તમ કાવ્યો સહિત 17 કાવ્યોનો બનેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કન્નીકોયથુ’ પ્રગટ કર્યો. ‘કુટિયોઝીક્કલ’ (1952) તેમનું એક શ્રેષ્ઠ કાવ્ય લેખાય છે. તે સ્વગતોક્તિ પ્રકારનું સુદીર્ઘ કાવ્ય છે. તેને માટે તેમને 1969માં સોવિયેત લૅન્ડ-નહેરુ ઍવૉર્ડ અપાયો હતો. બાકીના કાવ્યસંગ્રહોમાં ‘કલપાવલ્લરી’ (1963), ‘વિદા’ (1970) અને ‘મકરાક્કોયથુ’ (1979) નોંધપાત્ર છે. તેમણે 12 ઉત્તમ સૉનેટસંગ્રહો પણ આપ્યા છે. તે શેક્સસ્પિરિયન અને પૅટ્રાર્કન શૈલીથી ભિન્ન 8 અને 6 પંક્તિમાં લખાયેલ મલયાળમ શૈલીનાં સૉનેટો છે. તેમને તેમની વિપુલ સાહિત્યસેવા બદલ સંખ્યાબંધ પુરસ્કારો અને ઇનામો મળેલાં.
પારંપરિક શૈલીમાંથી પરિવર્તનવાંચ્છુ અને પ્રાકૃતિક સૌંદર્યના ચાહક એવા આ કવિની પુરસ્કૃત કૃતિ ‘વિદા’ 17 કાવ્યો ધરાવતો તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ છે. તેમાં તેમનું પરિપક્વ ર્દષ્ટિબિંદુ અને અભિવ્યક્તિનું પ્રભુત્વ પ્રતીતિજનક રીતે જોવા મળે છે. સુંદર ઉપમાઓનો અને ભાષાનો વિવેકપૂર્ણ ઉપયોગ જેવી વિશેષતા બદલ આ કૃતિ મલયાળમ સાહિત્યમાં મહત્વનું ઉમેરણ ગણાય છે. મદ્રાસ ગવર્નમેન્ટ ઍવૉર્ડ, એમ. પી. પૌલ પ્રાઇઝ, 1965માં કેરાલા સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ, 1971માં ઓડાકુઝ્ઝલ ઍવૉર્ડ, 1972માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1981માં વાયલાર ઍવૉર્ડ તેઓને પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા