મેનન, શિવશંકર (જ. 5 જુલાઈ 1949, પૅરિસ, ફ્રાંસ) : ભારતના ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી. તેઓ 2003માં પાકિસ્તાન ખાતે ઉચ્ચાયુક્ત નિમાયેલા. તેઓ ભારતના રાજદ્વારી અધિકારીઓમાં નોખી ભાત પાડતું વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે. પિતા મેનન પારાપ્પિલ નારાયણ. મેનન કુટુંબ ત્રણ પેઢીથી ભારત સરકારની સેવામાં છે અને 75 વર્ષોથી દેશસેવાનાં કાર્યો સાથે સંકળાયેલું છે. તેમના પિતામહ કે. પી. એસ. મેનન આઇ.સી.એસ. 1957માં ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત થયા હતા, જેમણે 1943માં હિંદ સરકારના એજન્ટ તરીકે ચીનમાં કામગીરી બજાવેલી. દેશના સ્વાતંત્ર્ય બાદ તેઓ શ્રીલંકા અને ચીન જેવા પડોશી દેશોમાં રાજદૂત હતા. પિતા પી. એન. મેનન ભારત સરકારની વિદેશસેવામાં વિવિધ હોદ્દાઓ બાદ 1960માં શ્રીલંકા ખાતે ઉચ્ચાયુક્ત નિમાયા હતા.

શિવશંકર મેનન

તેમણે ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી, ભારતીય વિદેશ સેવા(IFS)ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેઓ 1972માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા. બાળપણ ફ્રાંસ, ચીન અને તિબેટ જેવા વિવિધ દેશોમાં વીત્યું હોવાને કારણે ચીની, જર્મન અને સ્પૅનિશ ભાષાના તેઓ જ્ઞાતા છે. પ્રારંભે તેમને ચીન ખાતે કામગીરી સોંપાતાં 1974થી ’77 અને પછી 1986થી ’89 સુધી ત્યાં સેવાઓ આપી. ચીનના અધિકારીઓ સાથે વિવિધ હોદ્દાઓ પર કામ કરી ચીની માનસની ઊંડી પહેચાન મેળવી. તેઓ માર્ચ, 1974માં છ માસ માટે અને ત્યારબાદ 1977થી ’79 અને 1992થી ’95 સુધી વિદેશ મંત્રાલય, દિલ્હી ખાતે કાર્યરત રહ્યા. 1979થી ’83 સુધી ઑસ્ટ્રિયા ખાતે અને 1989થી ’92 સુધી જાપાન ખાતે તેમણે સેવાઓ આપી. વચ્ચે 1983થી ’86 ઍટોમિક ઍનર્જી મંત્રાલયની મુંબઈ ખાતેની શાખામાં પણ સેવાઓ આપી તેમણે બહોળો અનુભવ મેળવ્યો.

1995થી ’97નાં વર્ષો તેમણે ઇઝરાયલ ખાતે ભારતના એલચી તરીકે કામગીરી બજાવી, જ્યાં તેમની અસાધારણ પ્રતિભા ઝળકી ઊઠી. ભારત સરકારે તેનાં થોડાં વર્ષ પૂર્વે જ ઇઝરાયલને રાજદ્વારી માન્યતા આપી હતી. આ નાજુક તબક્કે તેમણે તે દેશના પાટનગર તેલ અવીવ ખાતે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોની ઇમારત એવી ખૂબીથી રચી કે આરબ જગતના ભારતના પુરાણા મિત્રોને લેશમાત્ર નુકસાન ન પહોંચ્યું. ઇઝરાયલ સાથે કૃષિ સહાય અને લશ્કરી તાલીમ તથા આતંકવાદને અંકુશમાં લેવા માટેનાં ક્ષેત્રોમાં ર્દઢ સંબંધોની ભૂમિકા રચી. તેમની રાજદૂત તરીકેની આ કામગીરીથી ઇઝરાયલ–ભારત વચ્ચે ઉષ્માભર્યા સંબંધોની શરૂઆત થઈ.

1997માં તેમને શ્રીલંકા ખાતે રાજદૂત તરીકેની કામગીરી સોંપાઈ. શ્રીલંકા સાથેના સંબંધોનો એ તબક્કો નાજુક હતો. ભારતે શ્રીલંકા ખાતે મોકલેલાં શાંતિરક્ષક દળોને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ઓટ આવેલી હતી. વળી શ્રીલંકાનાં વડાંપ્રધાન ચંદ્રિકા કુમારતુંગા ભારતની રાષ્ટ્રીય ગઠબંધનની સરકાર અંગે સાશંક હતાં અને સંબંધોનું પુનર્ગઠન કરવા અંગે અવઢવમાં હતાં. સાર્ક પરિષદ વેળા કરેલા પ્રવચનમાં તેમણે ભારતનો ઊધડો લીધો હતો તે વાત જાણીતી હતી. આ તણાવભર્યા તબક્કે મેનન બંને સરકારો વચ્ચે સુમેળ સર્જવામાં સફળ રહ્યા. શ્રીલંકાનું ત્રિકોમાલી બંદર લશ્કરી હેતુઓ માટે પશ્ચિમની શક્તિશાળી સત્તા અમેરિકાને સોંપવાની વાટાઘાટો ચાલી ત્યારે મેનન પશ્ચિમની એ ચાલને બરાબર સૂંઘી શક્યા અને હિંદી મહાસાગરમાંના પશ્ચિમી સત્તાના આ લશ્કરી મથક બાબતે શ્રીલંકાને તેમણે લાલબત્તી ધરી. આ કામ તેમણે એટલી તો કુનેહપૂર્વક કર્યું કે શ્રીલંકાએ ઉપર્યુક્ત દરખાસ્ત મુત્સદ્દીગીરીપૂર્વક ખોરંભે પાડી. આથી ભારતનાં રાષ્ટ્રીય હિતોને સુરક્ષિતતા સાંપડી, તો એથી બીજી તરફ બંને દેશો વચ્ચેના સંબંધોમાંનો તણાવ દૂર થયો.

મુશ્કેલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવાની તેમની આ કુનેહને કારણે તેમને અધિકતમ મુશ્કેલ કામગીરી સોંપાઈ. 2000ના વર્ષમાં તેઓ ચીન ખાતેના રાજદૂત નિમાયા. વાસ્તવમાં આ કામગીરી તેમને માટે સરળ હતી, કારણ કે પિતા અને પિતામહ સાથે બાળપણનાં ઘણાં વર્ષો તેમણે ચીન અને તિબેટ ખાતે વિતાવ્યાં હતાં. ચિત્રલિપિ ધરાવતી અઘરી ચીની ભાષા સમજી શકવા ઉપરાંત બોલી શકવાની ક્ષમતા પણ તેઓ ધરાવે છે. ચીનના વસવાટના અને ચીની અધિકારીઓ સાથેના આ પૂર્વેના અનુભવો તેમને અહીં ઘણા ઉપયોગી નીવડ્યા. વિદેશ મંત્રાલયની કામગીરીના ભાગ રૂપે તેમણે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ચીનયાત્રા યોજી બે દેશો વચ્ચે તણાવ ઘટાડવાની શરૂઆત કરી હતી. ક્રમશ: 1994માં બંને દેશોનાં પ્રતિનિધિમંડળો મળ્યાં, જેમાં ભારતના પ્રતિનિધિમંડળમાં મહત્વના સભ્ય તરીકે શિવશંકર મેનન હતા. આ મંડળની વાટાઘાટોના પરિપાક રૂપે ચીન–ભારત સીમા પર બંને પક્ષે સૈન્યની જમાવટ ઘટાડવા અંગેના કરાર થઈ શક્યા. તેઓ વર્ષ 2000માં ચીન ખાતેના રાજદૂત નિયુક્ત થયા તે સાથે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોના નવા અધ્યાયનો આરંભ થયો. કર્મપા દલાઈ લામા હિંદમાં રાજ્યાશ્રય માટે આવ્યા ત્યારે આ કુનેહબાજ એલચીએ તેમને ભારતમાં આશ્રય અપાવ્યો, પણ તેમને તમામ રાજકીય પ્રવૃત્તિઓ માટે મનાઈ ફરમાવવામાં આવી. આમ એક અતિ સંવેદનશીલ રાજકીય ઘટનાનો તેમણે સરળ ઉકેલ લાવી આપ્યો. વધુમાં ચીની વડાપ્રધાન લી પેંગને 2001માં અને ઝૂ રોંગજીને 2002માં ભારતની મુલાકાતે આમંત્રિત કરી વિશ્વાસપૂર્ણ સંબંધોનો તખ્તો સજાવ્યો. ચીનના બંને નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા અને તેથી જૂની શત્રુતા ભૂલી કાર્ય-સહકાર સાધવાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં. વ્યાપાર અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી અંગે બંને દેશો વચ્ચે સહકારની શરૂઆત થઈ.

તેમણે 2002માં તિબેટ ખાતે એક પખવાડિયાનો મુકામ કરી – પિતા લહાસા ખાતે કૉન્સોલેટ જનરલ હતા ત્યારના જૂના સંબંધો તાજા કર્યા. પચાસના દાયકા પછીના પ્રથમ ભારતીય રાજદ્વારી સેવાના સભ્ય તરીકે તેઓ તિબેટની મુલાકાત લેતા હતા. પરિણામ સ્પષ્ટ હતું. વિવિધ મુલાકાતો દ્વારા તેઓ સિક્કિમ–તિબેટ–ચીન વ્યાપારમાર્ગ ખોલવામાં સફળ રહ્યા. મુલાકાતો ને સાથેની ધીરજભરી, સુદીર્ઘ, પૂર્વગ્રહરહિત કામગીરીથી તેમણે યશસ્વી પરિણામો પેદા કરવાનો ચમત્કાર સર્જ્યો. શત્રુઓને મિત્રોમાં પરિવર્તિત કરી આ સંબંધોને નવજીવન પૂરું પાડ્યું. પાકિસ્તાન ખાતેના ઉચ્ચાયુક્ત તરીકેની તેમની નિમણૂકે ઘણી આશાઓ અને અપેક્ષાઓ જન્માવી છે.

રક્ષા મ. વ્યાસ