મેનન, વી. કે. કૃષ્ણ (જ. 3 મે 1897, કાલિકટ/કોઝિકોડે, કેરળ; અ. 6 ઑક્ટોબર 1974, નવી દિલ્હી) : ભારતના અગ્રણી મુત્સદ્દી, વિદેશમાં ભારતની સ્વતંત્રતાના પ્રખર પુરસ્કર્તા અને પૂર્વ સંરક્ષણપ્રધાન. પિતા કોમથ કૃષ્ણ કરૂપ કાલિકટ ખાતે વકીલાત કરતા. માતા લક્ષ્મી કુટ્ટી વિદુષી હોવા ઉપરાંત સંગીતકાર હતાં. ‘વી. કે.’ના હુલામણા નામથી પરિવારજનો અને મિત્રવર્તુળમાં જાણીતા બનેલા કૃષ્ણ મેનનના વિચારો પર નાનપણમાં પિતાનો વિશેષ પ્રભાવ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ સ્કૂલ, તેલિચેરી અને કોઝિકોડે ખાતે. સોળમા વર્ષે 1913માં નેટિવ હાઈસ્કૂલ, કાલિકટમાંથી મૅટ્રિક, તે જ નગરની ઝામોરિન કૉલેજમાંથી 1915માં ઇન્ટરમીડિયેટ, પ્રેસિડેન્સી કૉલેજ, મદ્રાસ(હવે ચેન્નાઈ)થી. 1918માં બી.એ. થયા બાદ 1919–22ના ગાળામાં અડયાર ખાતે અધ્યાપન કર્યું અને ત્યારબાદ ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં એક વર્ષ ઇતિહાસના અધ્યાપક તરીકે હાર્ટફૉર્ડશાયરની શાળામાં સેવાઓ આપી. 1925માં લંડન યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન-એજ્યુકેશન અને 1927માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ તે જ યુનિવર્સિટીની બી.એસસી. ઑનર્સ (અર્થશાસ્ત્ર) પ્રથમ વર્ગમાં અને એમ.એસસી. (અર્થશાસ્ત્ર) (1934)ની પદવીઓ ક્રમશ: પ્રાપ્ત કરી. 1934માં જ બૅરિસ્ટરની પદવી પણ મેળવી.

સમાજકાર્યનું ભાથું તેમને પરિવારમાંથી જ પ્રાપ્ત થયું હતું. પરદેશ ગયા પછી ત્યાંના નિવાસ દરમિયાન તે વિશેષ રીતે અભિવ્યક્ત થયું. ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડના વસવાટ દરમિયાન 1927–47 દરમિયાન ભારતની સ્વતંત્રતા માટેની ઝુંબેશમાં સક્રિય રહ્યા. 1929માં ઇન્ડિયા લીગની સ્થાપનામાં અગ્ર ભૂમિકા ભજવી. 1929–47ના ગાળામાં ઇન્ડિયા લીગના મંત્રી, 1934–47 દરમિયાન લંડનના સેન્ટ પાર્કન્સ વિસ્તારમાંથી કાઉન્સિલર, સ્કૉટલૅન્ડના ડેન્ડી મતદાર વિસ્તારમાંથી લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે આમસભાની ચૂંટણી લડ્યા, લંડનની આર્ટ્સ કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળ્યું તથા 1946–47ના ગાળામાં ઇંગ્લૅન્ડમાં ભારતના ખાસ પ્રતિનિધિ તરીકે કામગીરી કરી. આઝાદી પૂર્વે ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસ વતી ભારતની સ્વતંત્રતાના પ્રચાર માટે યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ ખેડ્યો તથા અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. આઝાદી મળ્યેથી ઇંગ્લૅન્ડમાં ભારતના પ્રથમ ઉચ્ચાયુક્ત (High Commissioner) નિમાયા. 1952–62ના ગાળામાં રાષ્ટ્રસંઘ ખાતે ભારતના મુખ્ય પ્રતિનિધિ તરીકે કામગીરી કરી. તે દરમિયાન કાશ્મીરના પ્રશ્ન પર રાષ્ટ્રસંઘની મહાસભામાં સતત ચાર દિવસ કરેલા ભાષણનો ઉલ્લેખ ‘ધ ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝ’માં કરવામાં આવ્યો છે.

1957 અને 1962ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વતી પૂર્વ મુંબઈના મતદાર મંડળમાંથી ઉમેદવારી કરી વિજય મેળવ્યો. 1956–57 દરમિયાન કેન્દ્રસરકારમાં ખાતા વિનાના પ્રધાન, 1957–61ના ગાળામાં વિદેશપ્રધાન અને 1961–62 દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાનપદે કામ કર્યું. ભારતના લશ્કર માટે જીપગાડીઓ ખરીદવાના કહેવાતા કૌભાંડમાં તેમને સંડોવવામાં આવ્યા હતા. 1962માં ચીને ભારત પર અણધાર્યું આક્રમણ કર્યું ત્યારે સંરક્ષણ પ્રધાન તરીકે તેઓ ખૂબ જ ટીકાપાત્ર બન્યા હતા, જેને લીધે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું અને તેને લીધે તેમની રાજકીય કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. થોડાક સમય બાદ તેમણે કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વ્યક્તિગત ધોરણે તેમણે ડાબેરી વિચારસરણીનો પ્રસાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઉપર દર્શાવેલ રાજકીય હોદ્દા ઉપરાંત તેમણે અન્ય કેટલાક હોદ્દાઓ પર કામ કર્યું હતું; દા. ત., ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઇન્ટરનેશનલ લૉ ઍન્ડ ડિપ્લૉમસી’ના પ્રમુખ, પેલિકન બુક્સ તથા ટ્વેન્ટિએથ સેન્ચુરી લાઇબ્રેરીના તંત્રી, મલબાર-કોચી વિસ્તારના બૉય સ્કાઉટ્સના કમિશનર વગેરે. ભારતની સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

આજીવન અપરિણીત રહેલા આ મુત્સદ્દીના વિચારો પર યુવા-અવસ્થામાં ઍની બેસંટ અને ત્યારબાદ હેરલ્ડ લાસ્કી અને પંડિત જવાહરલાલ નહેરુ જેવા મહાનુભાવોનો પ્રભાવ પડ્યો હતો. તેઓ ડાબેરી વિચારસરણી ધરાવતા હોવા છતાં રાજકીય ઉદ્દેશો સિદ્ધ કરવા માટે બંધારણીય ઉપાયો અને રીતરસમોનો જ ઉપયોગ થવો જોઈએ એના તેઓ ટેકેદાર હતા અને એટલા માટે જ 1946માં જ્યારે રાજકીય વાટાઘાટો કરવા ભારતમાં કૅબિનેટ મિશન આવેલું ત્યારે તેની દરખાસ્તો ભારતના રાજકીય પક્ષોએ સ્વીકારી લેવી જોઈએ એવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, નહેરુની તટસ્થતાની નીતિના પણ તેઓ પ્રખર સમર્થક હતા.

એક ઉત્તમ વક્તા તરીકે છાપ ધરાવતા આ રાજકારણીએ લખેલાં પુસ્તકોમાં ‘બ્રિટન ઍન્ડ ફ્રીડમ’, ‘વ્હાય મસ્ટ ઇન્ડિયા ફાઇટ’, ‘બ્રિટન્સ પ્રિઝનર’, ‘યુનિટી વિથ ઇન્ડિયા’ અને ‘અગેન્સ્ટ ફાસિઝમ’ વિશેષ ઉલ્લેખનીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે