મેનન, કૃષ્ણ ટી. કે. (જ. 1869; અ. 1949) : જાણીતા મલયાળમ લેખક અને અનુવાદક. વિખ્યાત નાયર પરિવારમાં જન્મ. તેમણે વિવિધ વિદ્વાનો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એર્નાકુલમ્, કાલિકટ અને મદ્રાસમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1894માં બી.એ. થયા. કાયદાના સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ પદવી લઈ ન શક્યા છતાં કેટલીક જિલ્લા અદાલતોમાં તેમને વકીલાત કરવાની છૂટ મળી હતી.

તેઓ ભાષાપરિષદ સભા, કોચીન સાહિત્યસમાજમ્, કેરળ સાહિત્ય પરિષદ વગેરે જેવાં અનેક સાહિત્યિક મંડળોના સભ્ય હતા. રામ વર્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા એર્નાકુલમ્ સાહિત્યસંઘના તે સ્થાપક-સભ્ય હતા.

તેઓ પછાત કોમોના ઉત્કર્ષમાં ગંભીરપણે રસ ધરાવતા હતા. સામાન્ય રીતે તેઓ કોચીનના પ્રથમ નાગરિક ગણાતા અને રાજવીઓ તથા દીવાનો જેવી મોભાદાર વ્યક્તિઓ ઘણી વાર તેમની સલાહ લેતી. તેઓ મલયાળમનાં લોકપ્રિય લેખિકા ટી. સી. કલ્યાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તેમણે ‘પ્રાચીન આર્યાવર્તમ્’ (એન્શન્ટ ઇન્ડિયા); ‘ઇન્ડિયાઇલે મહાનમર’ (ધ ગ્રેટ મેન ઑવ્ ઇન્ડિયા), ‘ગ્રામપ્રવેશિકા’, ‘ચંદ્રહસન’, ‘સરોજનાલિનો’, ‘ભારતીય વનિતાદર્શમ્’, કેટલીક વિજ્ઞાન-પ્રવેશિકા શ્રેણીઓ જેવા અનુવાદ આપ્યા છે. અન્ય કૃતિઓમાં ‘દ્રાવિડિયન કલ્ચર ઍન્ડ ઇટ્સ ડિફ્યૂઝન’ (અંગ્રેજી), ‘ધ ડેઝ ધૅટ વેર – મેમ્વાર્સ’ (અંગ્રેજી), ‘ગીતામાહાત્મ્યમ્’ (ધ ગ્રેટનેસ ઑવ્ ગીતા); ‘ઍન્ટે તીર્થયાત્રા’ (માઇ પિલ્ગ્રિમેજ); ‘હિન્દુમતમ્ એનાલેન્ટુ’ (વૉટ ઇઝ હિંદુઇઝમ); ‘ભાષાકાવ્યપ્રવેશિકા’ (એ પ્રાઇમર ઑન મલયાળમ પોએટ્રી) અને ‘લેખન-માળા’ (કલેક્શન ઑવ્ એસેઝ) ઉલ્લેખનીય છે.

‘ધ ડેઝ ધૅટ વેર – મેમ્વાર્સ’ મધ્ય કેરળના સાંસ્કૃતિક જીવન (1880–1945) પર પ્રકાશ પાડતી બહુમૂલ્ય આત્મકથા છે. તેમણે તેમનો વિશાળ ગ્રંથસંગ્રહ જાહેર ઉપયોગ માટે ત્રિચુર મ્યુઝિયમને ભેટ આપ્યો હતો તે હાલ કૃષ્ણ-કલ્યાણી લાઇબ્રેરી તરીકે ઓળખાતા કેરળ સાહિત્ય અકાદમી ભવનમાં છે.

તેમની સાહિત્યસાધનાને લક્ષમાં લઈને કોચીનના મહારાજાએ ‘સાહિત્યકુશળ’નો ઇલકાબ આપી તેમનું બહુમાન કર્યું હતું.

બળદેવભાઈ કનીજિયા