મેનન, અંજોલિ ઇલા (જ. 17 જુલાઈ 1940, બંગાળ) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા કૉલકાતામાં ડૉક્ટર. તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યનાં સ્નાતક થયાં. આ દરમિયાન તેમની મુલાકાત મકબૂલ ફિદા હુસેન સાથે થઈ. હુસેન પાસેથી પ્રેરણા મેળવી મેનન માત્ર ચિત્રકલામાં તલ્લીન થઈ ગયાં. 1959માં મેનનનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન હુસેને મુંબઈમાં ગોઠવી આપ્યું. 1959થી 1961 સુધી 2 વરસ માટે ફ્રેંચ સરકારની ચિત્રકલા માટેની ફેલોશિપ મળવાથી મેનને ફ્રાંસ જઈ ત્યાં ચિત્રકલાનો તથા તેની એક શાખારૂપ ભીંતચિત્ર-આલેખનનો અભ્યાસ કર્યો. આ પછી ભારત પાછાં ફરી 1976માં મુંબઈમાં અને 1978માં દિલ્હીમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. 1978થી તેમની ગણતરી ભારતનાં ટોચનાં ચિત્રકારોમાં થવા માંડી. મેનન મોટેભાગે હાર્ડબૉર્ડ પર તૈલરંગો વડે ચિત્રકામ કરે છે. તેમનાં ચિત્રોમાં કાગડા, પોપટ, નાગ, બિલાડાં, પતંગ, ભમરડા, જૂની ખુરશીઓ, જૂનો કાટમાળ તથા ગરીબ નિરાધાર નાગાંપૂગાં બાળકો અને સ્ત્રીપુરુષો વારંવાર દેખાય છે.

1980 પછી તેઓ આંતરરાષ્ટ્રીય કીર્તિ પણ પામ્યાં. કલાકૃતિઓના વ્યાપાર-ક્ષેત્રે નામાંકિત લેખાતી સંસ્થાઓ ક્રિસ્ટી અને સથબીએ પણ તેમનાં ચિત્રોનું વેચાણ હાથ ધર્યું. 1980માં તેમણે ન્યૂયૉર્ક તથા વૉશિંગ્ટન ડી.સી.માં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. 1988માં તેમનાં ચિત્રોનું પશ્ચાદવર્તી (retrospective) પ્રદર્શન મુંબઈમાં યોજાયું. દિલ્હીની લલિત કલા અકાદમી અને દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના મકાનમાં તેમણે મ્યૂરલ કરેલ છે. તેમની ષષ્ટિપૂર્તિ નિમિતે 2000માં દિલ્હીના નિમરાણા ફૉર્ટ ખાતે તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું.

શાલેય અભ્યાસ નીલગિરિ પર્વતોમાં લવડેલ શાળામાં કર્યો. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ સાહિત્યના 1955માં સ્નાતક થયા. ફ્રેંચ સરકારની શિષ્યવૃત્તિની મદદથી ફ્રાંસની પૅરિસ ખાતે ઇકોલે દ બ્યુ આર્ટ કૉલેજમાં રોમનેસ્ક અને બાયઝેન્ટાઇન કલાઓનો અભ્યાસ 1961માં પૂરો કર્યો. ઇટાલી, રશિયા, જર્મની, યુક્રેન, જ્યોર્જિયાના પ્રવાસ કર્યો.

2000માં ભારત સરકારે મેનનને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા. 2013માં દિલ્હીનીરાજ્ય સરકારે મેનનને ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ’ આપીને બહુમાન કર્યું.

2010માં લેખિકા ઇસાના મૂર્તિએ લખેલી મેનનની જીવનકથા પ્રગટ થઈ હતી. 2011માં મેનને આલેખેલું માત્ર ચોરસ ફીટ ક્ષેત્રફળ ધરાવતું ચિત્ર રૂ. 26,90,000/- કિંમતે વેચાયું હતું.

અમિતાભ મડિયા