મેટાફિઝિકલ કવિતા : સત્તરમી સદીનો આંગ્લ કવિતાનો એક પ્રવાહ. સત્તરમી સદીના કેટલાક આંગ્લ કવિઓની કવિતાને આ નામ આપવામાં આવ્યું હતું. આ કવિઓના આ કાવ્યપ્રવાહના પ્રણેતા મનાતા જૉન ડન ઉપરાંત જ્યૉર્જ હર્બટ, એન્ડ્રુ માર્વેલ, ક્લિવલૅન્ડ, કાઉલી, હેન્રી વૉન, રિચર્ડ ક્રૅશો તથા ટૉમસ ત્રેહરનનો સમાવેશ થાય છે. આ શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ વિલિયમ ડ્રમૉન્ડે આર્થર જૉન્સ્ટનને આશરે 1630માં લખેલા પત્રમાં કર્યો છે. આ પછી ડ્રાયડન ઉપરાંત ‘લાઇવ્ઝ ઑવ્ પોએટ્સ’(1779–’81)માં જૉન્સને આનો વિશદ રીતે ઉલ્લેખ કર્યો છે.

ધ્યાનાકર્ષક અને મૌલિક કલ્પનો તથા ઉત્પ્રેક્ષા, બૌદ્ધિકતા, કલ્પકતા, બોલચાલની ભાષાનો કુશળતાપૂર્વક ઉપયોગ, લય અને છંદમાં ખાસ્સી મોકળાશ, સંકુલ વિષયો, વિરોધાભાસી અને તર્કશુદ્ધ અભિગમ માટે લગાવ, મર્મભેદક હાસ્યશક્તિ, પ્રત્યક્ષ નિરૂપણરીતિ, મર્ત્યપણા વિશે તીવ્ર સભાનતા તેમજ પ્રચ્છન્ન વિચારશ્રેણી અને સંક્ષિપ્ત તેમજ જોશીલી અભિવ્યક્તિ માટેની વિલક્ષણ શક્તિ જેવી જ શૈલીવિશેષતા આ કવિઓમાં ઓછાવત્તા અંશે જોવા મળતી. તેમના બૌદ્ધિક જુસ્સા છતાં આ મેટાફિઝિકલ કવિઓ સૂક્ષ્મ અને નાજુક સંવેદનશીલતા, સુંદર અને સંસ્કારી તેમજ ઊંડી લાગણીઓ, ઉત્કટ ભાવનાઓ તથા સમજશક્તિ આલેખવામાં કુશળ હતા. મારવેલ-રચિત ‘ધ ડેફિનિશન ઑવ્ લવ’ આનું સુંદર લાક્ષણિક ર્દષ્ટાંત છે.

ધર્મ તથા પ્રણય – એમ બંને વિષયની આ કવિતામાં જટિલ બૌદ્ધિક લાક્ષણિકતા ઊભરી આવે છે, તે માટે કાવ્યોમાંના ધ્વનિગર્ભ સંકેતાર્થો કારણભૂત મનાય છે. આ કવિતામાં મુખ્યત્વે વક્રોક્તિ તથા વિરોધિતાનો વિશેષ આશરો લેવાયો છે. તાત્વિક રીતે ભિન્ન હોય તેવા વિચારો કે પદાર્થો વચ્ચે સામ્ય જોવા-તારવવા આ કવિઓએ ઉત્પ્રેક્ષા તથા રૂપકનો ઉપયોગ કર્યો છે. આ વિશેષણ તદ્દન સુસંગત તો નથી જ, કારણ કે આમાંના એક પણ કવિએ તત્વમીમાંસા કે અધ્યાત્મવિદ્યામાં ગંભીરતાપૂર્વક રસ લીધો નથી તેમજ એ બધા કવિઓ વચ્ચે કોઈ સમાન તત્વ પણ નથી. ‘રેસ્ટરેશન’ પછી જ્યારે અસંદિગ્ધતા વિશે નવો અભિગમ તથા રુચિ પ્રગટ્યાં અને રૂપકાત્મક કે પ્રતીકાત્મક ભાષા તેમ લખાવટ વિશે અણગમો જાગ્યો ત્યારે આ કાવ્યવહેણની ખ્યાતિ ઓસરવા લાગી. છેક પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેનું નાટ્યાત્મક પુનરુજ્જીવન થયું. વીસમી સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ ફરીથી લખાવાનું શરૂ થયું ત્યારે આ કવિઓની કવિતાનું નવેસર મૂલ્યાંકન કરવાનો યોગ ગોઠવાયો. ટી. એસ. એલિયેટ તથા એફ. આર લેવિસે પણ તેની વિવેચનાત્મક સમીક્ષા દ્વારા આ પ્રક્રિયામાં વેગ પૂર્યો. આ કવિઓ તેમના નિતાંત બૌદ્ધિક અભિગમ સાથે તેમની સંસ્કારસંપન્ન નજાકત, તેમનું લાલિત્ય તથા તેમના ગહન ભાવો આલેખી શકવાની સબળ પ્રતીતિ તેમનાં કાવ્યોમાં કરાવી શક્યા છે.

મહેશ ચોકસી