મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ
February, 2002
મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ : બેઝિક અગ્નિકૃત ખડકોની પરિવર્તિત વિકૃતિજન્ય પેદાશો. અગ્નિકૃત ખડકોનાં નામમાં આવતો ‘મેટા’ પૂર્વગ, અગાઉના ખડક પર વિકૃતિ દ્વારા ખનિજીય અને રાસાયણિક બંધારણમાં થયેલા પરિવર્તનનો સંકેત કરે છે.
બેઝિક અગ્નિકૃત ખડકો પર થતી દાબઉષ્ણતા-વિકૃતિની અસરને પરિણામે સોસ્યુરાઇટીભવન, ક્લૉરાઇટીભવન, યુરેલાઇટીભવન જેવા ફેરફારો તેનાં ઉદાહરણો ગણાય. ઘણાખરા ખનિજીય ફેરફારો તો જૂના ખડકોમાં નવી કણરચના લદાઈ જાય તે અગાઉ વિકૃતિનાં પરિબળોની અસરની પ્રારંભિક કક્ષાએ જ ઉદભવે છે; જેમાં પરિવર્તન પામતા ખડકોને (જેમણે હજી તેમની મૂળ કણરચના જાળવી રાખી હોય તેમને) મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ અને મેટાબેસાલ્ટ કહેવાય છે. પછીની કક્ષાએ આ પ્રકારના ખડકો એપિડાયોરાઇટ બની રહે છે, તેમાં પાયરૉક્સિનનું યુરેલાઇટીભવન થાય છે અને ખડક ડાયોરાઇટ બંધારણવાળો બને છે.
પ્રારંભિક કક્ષાએ મેફિક ખનિજો તૂટીને ક્લૉરાઇટમાં પરિવર્તન પામે છે. આમ તો ઘનિષ્ઠ ખવાણથી પણ તે બનતું હોય છે. એવા ખડકો ડાયાબેઝ અને પ્રોપીલાઇટ કહેવાય છે. પાયરૉક્સિનમાંથી પરિવર્તિત થતા ક્લૉરાઇટ સહિત કૅલ્સાઇટ અને ક્વાર્ટ્ઝ પણ બને છે (ક્લૉરાઇટીભવન). વિકૃતિની પછીની કક્ષાએ પાયરૉક્સિનમાંથી હૉર્નબ્લેન્ડ તેમજ આડપેદાશ તરીકે એપિડોટ અથવા ઝૉઇસાઇટ અને ક્વાર્ટ્ઝ બને છે (યુરેલાઇટીભવન). આ હૉર્નબ્લેન્ડ ઑગાઇટનું પરિણામી છદ્મ સ્વરૂપ ગણાય, જેને યુરેલાઇટ કહેવાય છે. આ જ પ્રમાણે ડાયોપ્સાઇડમાંથી ટ્રેમૉલાઇટ અને ગ્લોકોફેન બને છે. પ્લેજિયોક્લેઝનું એનૉર્થાઇટ દાબવિકૃતિ હેઠળ અસ્થાયી હોવાથી ઝૉઇસાઇટ, એપિડોટ, પ્રેહનાઇટ વગેરેમાં છૂટું પડે છે, આલ્બાઇટ પણ મુક્ત થાય છે. નિમ્ન કક્ષાની વિકૃતિ હેઠળ ફેલ્સ્પાર તેમાંથી છૂટાં પડેલાં ઘટકોના ઘનિષ્ઠ મિશ્રણનું જૂથ બની રહે છે, જે સોસ્યુરાઇટ કહેવાય છે અને પરિવર્તન સોસ્યુરાઇટીભવન તરીકે ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા