મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ
(જ. 28 ઑગસ્ટ 1896, ચોટીલા, સૌરાષ્ટ્ર; અ. 9 માર્ચ 1947, બોટાદ, સૌરાષ્ટ્ર) : ગુજરાતના સમર્થ લોકવિદ્યાવિદ, સાહિત્યકાર, પત્રકાર. ઉપનામો : ‘વિલાપી’, ‘તંત્રી’, ‘વિરાટ’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’, ‘દ.સ.ણી.’. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી (1864–1926) દશા શ્રીમાળી વણિક, એજન્સી પોલીસમાં નાની પાયરી પર અમલદાર. એમનાં ત્રીજી વારનાં પત્ની ધોળીમાનું બીજું સંતાન તે ઝવેરચંદ. ઝવેરને ઘરમાંથી મળ્યાં પિતાનાં સાહસ-ટેક, માતાનું મધુર ગળું. ટાંચાં સાધનોવાળા બહોળા કુટુંબમાં રહેવાનું હોઈ કરકસર ને સ્વાશ્રય-સાદાઈના સંસ્કારો. પિતાની વારંવાર થતી બદલીઓને કારણે સૌરાષ્ટ્રની ધિંગી ધરતીનો પરિચય. જુદે જુદે સ્થળે ભણવાનું થયું. ઝવેરચંદ 1912માં અમરેલીથી મૅટ્રિક અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1917માં અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ.. દરમિયાન શિખરિણીમાં એક કાવ્યરચના કરેલી. કપિલભાઈ ઠક્કરની મૈત્રી.
મેઘાણી બી.એ. થયા તે જ સાલ(1917)ના મે માસમાં ‘લોકસાહિત્યના મુર્શિદ’ વાજસુર વાળાનો નિકટનો પરિચય થયો અને રાસ-ભજન-લોકગીત-ગાન-લોકકથાના એમના ચિત્તે પ્રથમ સંસ્કાર ઝીલ્યા. પછી તુરત, ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે જોડાયા અને બ્રાહ્મણ બૉર્ડિંગમાં ગૃહપતિકાર્ય પણ સ્વીકાર્યું. 1918ના મેના અરસામાં કૉલકાતામાં.
ત્યાં ગાંધીપ્રેમી સખાવતી જીવણલાલ મોતીચંદ શાહનો સંપર્ક થતાં તેમના ઍલ્યુમિનિયમના કારખાનામાં તેઓ જોડાયા (1918). ત્યાં રવીન્દ્ર–દ્વિજેન્દ્રનાં ગીતો–નાટકો; મિત્ર, મજુમદાર ને સેનનાં લોકસાહિત્યનાં પુસ્તકો વગેરેનાં વાચન–અધ્યયનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ.
સાડા ત્રણેક વર્ષના કૉલકાતાવાસ પછી માદરેવતનના અગમ્ય આકર્ષણથી પાછા બગસરા આવ્યા (નવેમ્બર, 1921). ત્યાં બંગાળીમાં વાંચેલી બાલકથાઓનું રસાયણ કરી ‘ડોશીમાની વાતો’ની અને રવીન્દ્રકૃત ‘કથા ઓ કાહિની’ની પદ્યકથાઓના ગદ્યરૂપાંતરની હસ્તપ્રતો, તાજા શરૂ થયેલ ‘બાલમિત્ર’માં મોકલી. અંગ્રેજીમાંથી કરેલ રૂપાન્તરિત કથાઓ અને બે રચનાઓ ‘મા ઘેલો બાળ’ અને ‘દાદાજીના દેશમાં’, એમ લેખનકાર્ય ચાલ્યું. રૂપાંતરની હથોટી બેઠી. દરમિયાનમાં દમયંતીબહેન સાથે લગ્ન (જૂન, 1922) થયાં. અમૃતલાલ શેઠે શરૂ કરેલા ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં જોડાતાં રાણપુર ગયા (જુલાઈ, 1922).
ત્યાં સોમથી ગુરુ મેઘાણી સાપ્તાહિકના કામમાં રહે ને પછી ફાજલ પડેલા શુક્ર, શનિ, રવિમાં લોકસાહિત્યની ખેપે ઊપડે અને જે મળે તે લખીને ‘સૌરાષ્ટ્ર’ને પાને મૂકે. આ કામમાં જોડાયા કે છ માસમાં પ્રસિદ્ધ થયું ‘કુરબાનીની કથાઓ’ (1922). રવીન્દ્રનાથે ભારતીય સંસ્કૃતિની ત્યાગસ્વાર્પણની જે 34 ગીતકથાઓ ‘કથા ઓ કાહિની’ નામે લખેલી (1910), તેમાંથી 18 અને એમની ‘નાટ્યકવિતા’ માંથી બે – એમ કુલ વીસનું ‘સ્વતંત્ર રંગપૂરણી’ સાથે અહીં ગદ્યકથામાં રૂપાંતર છે.
પ્રત્યેક સપ્તાહે એક વિષય પર એક કે વધારે પુસ્તકોને આધારે એક દીર્ઘ સ્વાધ્યાયલેખ આપવાના ઉપક્રમમાં પણ એમણે આપ્યું કોરિયા પરનું પુસ્તક ‘એશિયાનું કલંક’ (18–2–1923). આ જ યોજનામાં ‘મરણિયું આયર્લૅન્ડ’ (1923) પણ પ્રગટ થયું.
1922–27ના ગાળામાં ત્રણ મહત્વના નાટ્યાનુવાદો : ‘રાણો પ્રતાપ’ (1923), ‘રાજારાણી’ (1924) અને ‘શાહજહાં’ (1927) પ્રગટ થયા.
લેખનની સમાંતરે જીવનભર લોકસાહિત્યની કામગીરી ચાલી. એનો આરંભ અનાયાસ 1922માં ‘સૌરાષ્ટ્ર’માં આપેલી, ‘દરિયાપીરની દીકરી’, ‘આહીરની ઉદારતા’ વગેરે પાંચેક વાતોથી થયો. એની લોકપ્રિયતા જોઈને અમૃતલાલ શેઠે જ, અગાઉથી ‘સૌરાષ્ટ્રની રસધાર’ એવું નામ પણ પોતે જ આપીને, એવી કથાઓનો સંગ્રહ ભેટપુસ્તક રૂપે આપવાની જાહેરાત કરી દેતાં, ઝડપથી કામ કરવું પડ્યું. 1923થી 1927 સુધી પ્રત્યેક વર્ષે એક – એમ પાંચ વરસમાં ‘રસધાર’ના પાંચ ભાગોમાં 98 કથાઓ અપાઈ. (એમાં બે અન્યની બાદ કરતાં, હાલ 1997ની સંકલિત આવૃત્તિમાં 96 મળે છે.)
આ ‘રસધાર’ એ મેઘાણીના લોકસાહિત્યનું જ નહિ, એમના સમગ્ર સાહિત્યનું પ્રવેશદ્વાર છે. એમાં લોકકથાની સાથે લોકમાનસનુંયે પ્રત્યક્ષીકરણ થાય છે.
‘રસધારે’ ગુજરાતી જીવન અને સાહિત્યમાં શૌર્ય-સાહસયુક્ત કૌતુકરંગી કથાઓની ખોટ પૂરી. ‘રસધાર’ના છેલ્લા ભાગની સાથે ‘સોરઠી બહારવટિયા’ 1–2–3 (1927–28–29) પ્રગટે છે. એની શૈલી ‘રસધારી’ છે ને સામગ્રી લોકજીવનની છે; પણ કલ્પિત નથી, સ્થાનિક ઇતિહાસની છે. હવે તો બધી જ (તેર) બહારવટિયાકથાઓ એક ગ્રંથમાં (સંકલિત આવૃત્તિ 1997; સં. જયંત મેઘાણી) મળે છે.
1925–26ના અરસામાં રાણપુર છોડી ભાવનગર. ત્યાં દાણી દંપતી, પિંગળશીભાઈ, દુલા કાગ વગેરેના સંપર્કે નવી દિશાઓ ઊઘડી, તેમ જૂનીમાં નવી કેડીઓ સાંપડી. વ્રતકથાઓના બે સંગ્રહો ‘કંકાવટી–1’ (1927) અને ‘કંકાવટી–2’ (1936) થયા. એમાં 46 વ્રતની વાતો છે, કથાઓ 25, બાકી વ્રતપરિચય. કથાઓમાં અસલ ડોશી-શૈલી / બોલી. એ ર્દષ્ટિએ આ લોકવિદ્યાપરિચયનો શાસ્ત્રીય નમૂનો છે.
1927માં ‘શારદા’માં લેખ, પછી ’28માં ‘સોરઠનો ભક્તિપ્રવાહ’ એ અભ્યાસલેખ સાથે ‘સોરઠી સંતો’ પ્રગટ્યું; તે પછી પણ કામ ચાલુ રહ્યું ને ‘પુરાતન જ્યોત’ (1938) પ્રસિદ્ધ થયું. બંને સંગ્રહોમાં, અંધશ્રદ્ધા – ચમત્કાર ન આવે એની તકેદારી સાથે (જોકે પછીથી આ અભિગમ સુધારીને) માનવઘડતરનાં ઉદાત્ત તત્વો ઊપસે એ રીતે, સંતોની રહેણી ને કહેણી બંને પોતાની રીતે આલેખે છે.
ભાવનગરવાસ દરમિયાન ‘લોકગીતના સંશોધનનું મંગળાચરણ’ થયું. ‘રઢિયાળી રાત’ના ચાર ખંડો (1925, 1926, 1927 અને 1942) થયા. (એ બધી જ સામગ્રી 1973માં બે ભાગમાં ઉપલબ્ધ.) લગ્નગીતો ‘ચૂંદડી’ એ નામે બે ભાગમાં (1928–1929) પ્રસિદ્ધ થયાં. ‘રઢિયાળી રાત’માં કુલ 17 વિષયવિભાગોમાં 410 ગીતો છે. આમાં ‘હાલરડાં’ (1928) સંગ્રહનાં 26 અને ‘સોરઠને તીરે તીરે’(1933)માંનાં ‘નાવિકોનાં લોકગીતો’ 16 ઉમેરાય છે. આરંભે એ ઉત્સાહી સંગ્રાહક હતા, પણ પછી મૂળના આગ્રહી સંપાદક થયા. ગીત ગાનાર, ગાન, સામાજિક પરિવેશ, સાહિત્યિક ગુણો, તુલના વગેરેથી એમનું ગીતવિવેચન સમૃદ્ધ છે. ક્યારેક તો એ જગતના તત્કાલીન પ્રવાહો સાથે તાલ મિલાવતા લાગે ! રાસડાને સંદર્ભે ગ્રીસ–જાપાનની આવી – ગોળ ફરતાં તાળી સાથે ગાવાની – પરંપરા તરફ એ ધ્યાન દોરે છે. લોકવિદ્યા(folklore)માં એ માત્ર અગ્રયાયી (pioneer) જ નહિ, ત્યારે તો છેલ્લી વાતના જાણતલ (up-to-date) પણ હતા.
‘ચૂંદડી’(ભાગ 1–2 : 1928, 1929)ના પહેલા ભાગમાં 96 ગીતો છે. બીજામાં જુદા જુદા સમાજનાં 81 લગ્નગીતો છે અને છેલ્લે 36 ખાંયણાં.
એમની (અન્યથા માંડ સાત-આઠ વર્ષની) કલમયાત્રાને પ્રથમ વારના (1928ના) રણજિતરામ સુવર્ણચંદ્રકથી ગુજરાત સાહિત્ય સભાએ નવાજી તેય આ લોકસાહિત્યકાર્યનો જ પ્રભાવ.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘વેણીનાં ફૂલ’ (1928). પછી તો કાવ્યયાત્રા 1944 સુધી ચાલી. [સંગ્રહો : ‘કિલ્લોલ’, 1929; ‘સિંધુડો’, 1930; ‘કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો’, 1931; ‘પીડિતોનાં ગીતો’, 1933; ‘યુગવન્દના’, 1935; ‘એકતારો’, 1940; ‘બાપુનાં પારણાં’, 1943 અને ‘રવીન્દ્રવીણા’, 1944. એકસામટાં બધાં જ કાવ્યોનું જયન્ત મેઘાણીકૃત સંપાદન ‘સોનાનાવડી’ (1997)]. તેમાં કાવ્યબાની ને ઢાળ લોકનાં, પણ બાલમાનસ-અનુરૂપ રમત-મસ્તી-ક્રિયા-કલ્પના-ભાવ. 41માંથી મોટાભાગની (25) રચનાઓ નિસર્ગલક્ષી. આ જ ભાવ-અભિગમ ‘કિલ્લોલ’(1929)માં. પછી તો, સ્વાતંત્ર્યલડતમાં ‘સૌરાષ્ટ્ર’ પત્રે આગેવાની કરી (1930), એટલે મેઘાણીની કવિતા રણહાક બની : અમૃતલાલ શેઠે ધોલેરામાંથી સત્યાગ્રહમાં ઝંપલાવ્યું તે જ દિવસે (6–4–1930) મેઘાણીનો પંદર શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ તરઘાયો. સરકારને મેઘાણીની વાણીનો ડર એવો લાગ્યો કે, જે ભાષણ એમણે ક્યાંય–ક્યારેય આપ્યું નહોતું તેનું આળ ચડાવીને, સાબરમતી જેલે પૂર્યા ! (27–3–1930થી 8–3–1931) તો ત્યાં પ્રગટ્યાં ‘કોઈનો લાડકવાયો’ ને ‘સૂના સમદરની પાળે’ જેવાં મૌલિક રૂપાન્તરો (અને એ અનુભવમાંથી ‘જેલઑફિસની બારી’ : 1934); પણ મહત્વની જેલપ્રેરક પ્રાપ્તિ તો ‘સોરઠી ગીતકથાઓ’ની (1931). મેઘાણીનાં લોકસાહિત્યનાં બધાં જ સંપાદનોમાં આ અનોખું શાસ્ત્રીય સંપાદન. ગીત-કથાઓ તેર. તેમાં મારુ સિવાયની બધી જ કરુણ !
1930ની લડતમાં બંધ પડેલ ‘સૌરાષ્ટ્ર’ ચાલુ થયું. ગાંધીજીએ ગોળમેજીમાં લંડન જવાનું ઠરાવતાં, 2981931ની સાંજે ગુરુવારે ‘સૌરાષ્ટ્ર’ને પ્રથમ પાને ગાંધીજીને શુભેચ્છા પાઠવવા ‘છેલ્લો કટોરો’ મેઘાણીએ લખ્યું. ‘સિંધુડો’ પછી માત્ર દસ જ કાવ્યોવાળા ‘કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો’(1931)નું પ્રકાશન થયું.
રાજકીય પત્ર જોખમી લાગવાથી 1932ના ફેબ્રુઆરીમાં કકલભાઈ કોઠારીએ ‘ફૂલછાબ’ શરૂ કર્યું. પછી એનું સંપાદન મેઘાણીને સોંપ્યું. દરમિયાનમાં ‘સિંધુડો’ની દસ અને અન્ય સામયિકોમાંની સત્તર એમ 27નો ‘પીડિતોનાં ગીતો’ (1933) સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ‘ફૂલછાબ’માં સાહિત્યિક સામગ્રી વધુ ઇષ્ટ હોવાથી, લખાઈ નવલિકાઓ (‘ચિતાના અંગારા’, 1932), ચરિત્ર-ઇતિહાસ-કથા (‘દરિયાપારના બહારવટિયા’, 1932)’ અને ‘વર્તમાન યુગના બહારવટિયા’ (1932), નવલકથા (‘સત્યની શોધમાં’, 1932). એમ એમની સર્જકતા વિસ્તરી.
લોકસાહિત્યને અનુસંધાને યાદ કરવી પડે એવી બે પ્રવાસિકાઓ પણ પ્રસિદ્ધ થઈ : ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) અને ‘સોરઠને તીરે તીરે’ (1933). બંનેમાં, વાતો-ગીતો કઢાવવાની મેઘાણીની સૂઝ, સજ્જતા, ક્ષેત્રકાર્યરીતિ જોવા મળે છે.
એ જ વર્ષે (1933ના એપ્રિલની સાતમીએ) કથળેલા સ્વાસ્થ્યવાળાં એમનાં પત્ની દમયન્તીબહેનનું અગ્નિસ્નાન ! ક્ષોભ સાથે બોટાદ છોડી મેઘાણી મુંબઈ ગયા. એ મુંબઈવાસમાં આરંભની વરસેક દીની (તા. 23–4–1933થી 8–6–1934) મહત્વની ઘટનાઓ : એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં સઘન વાચન, મિત્રોએ બતાવેલાં શિષ્ટ અંગ્રેજી ચલચિત્રોની સાગ્રહ લખાવેલ કથાઓ (‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’), 1933ના વર્ષાન્તે થયેલી ટાગોર સાથેની મુલાકાત અને સ્નેહી શ્રી દુર્લભજી ઉમેદચંદ પરીખને ત્યાં શ્રીમતી વિજયાબહેનનાં જેલસાથી–સત્યાગ્રહી, (24ની વયનાં) નેપાળી બાળવિધવા ચિત્રાદેવીનો પરિચય.
તા. 9–6–’34થી અમૃતલાલ શેઠે દૈનિક ‘જન્મભૂમિ’ શરૂ કર્યું. પહેલા જ દિવસથી એમાં એ જોડાયા. અન્ય જે લખે તે; પણ મુખ્ય સંભાળવાનું સાહિત્યનું પાનું ‘કલમ અને કિતાબ’. જોડાયાના મહિના બાદ ચિત્રાદેવી સાથે લગ્ન.
‘ફૂલછાબ’ના ભેટપુસ્તક રૂપે ‘પ્રતિમાઓ’ (1–1–1934) પ્રસિદ્ધ થયું. રજતપટના અત્યંત વેગીલા ચાક્ષુષ ચિત્રઝબકારોનું શબ્દરૂપમાં અનુસર્જન ! એવી નવ કથાઓ ‘પ્રતિમાઓ’માં અને છ ‘પલકારા’(1935)માં છે.
10–6–1934થી ‘કલમ અને કિતાબ’ : તે કટાર એવી વૈવિધ્યસભર અને રસભર બની કે સામાન્ય વાચકો પણ એ પાનું વાંચતા થયા ને મેઘાણીને પણ આ પાનું એવું વળગ્યું કે ‘જન્મભૂમિ’–મુંબઈ છોડ્યાં (1936માં) તોય વળગેલું રહ્યું છેક 1941 સુધી બોટાદમાંય તે ! એમણે સાહિત્યવિચારનોંધ 1925થી 1928 ‘ફૂલછાબ’માં કરેલી; પછી 1934થી ’41 ‘જન્મભૂમિ’ (‘કલમ અને કિતાબ’); વચમાં થોડો સમય 1936માં ‘બે ઘડી મોજ’માં (‘સાહિત્યના સૂર’). તેના સંગ્રહ રૂપે ‘પરિભ્રમણ’નો પહેલો ભાગ (1944) પોતે આપ્યો; એ જ ધોરણે બીજો–ત્રીજો (બંને 1947માં) મહેન્દ્રભાઈએ સંપાદિત કરી આપ્યા. ક્યાંક પ્રસંગ, વ્યક્તિઓળખ, ક્યાંક કાવ્ય-કથા-સંક્ષેપ, ક્યાંક પુસ્તકપરિચય, ક્રાન્તિકાર-કલાકાર-ચિત્રપટ-સંગીત-સાહિત્ય – એમ વિવિધ ક્ષેત્રના ચિત્તવિહારના પડછંદ છે. એમાં સચ્ચાઈનો રણકો છે.
‘વેરાનમાં’માં (1935) પણ ‘સૌરાષ્ટ્ર’, ‘જન્મભૂમિ’માં આવી ચૂકેલી સાહિત્ય-જીવન-ઇતિહાસની વાચનસામગ્રી છે.
‘જેલઑફિસની બારી’ (1934)માં જેલના અનુભવમાંથી નીપજેલ, ‘ફૂલછાબ’માં આવી ગયેલાં ચિત્રો – તેવીસ પ્રસંગચિત્રો છે.
‘વંઠેલાં………’ (1934) ત્રણ મૌલિક નાટિકાઓનો સંગ્રહ છે : લખ્યાક્રમે ‘યશોધરા’ (1929), ‘જયમનનું રસજીવન’ (1933) અને ‘વંઠેલાં’ (1934). ત્રણેયમાં સ્ત્રીઉદ્ધારપ્રચાર.
‘યુગવન્દના’ (1935) : આ ગાળાના ગુજરાતી કાવ્યસંગ્રહોમાં કદાચ સૌથી વધુ આવૃત્તિઓ પામેલો સંગ્રહ. મેઘાણીની કવિતાનાં બધાં લક્ષણોવાળો, ‘વેણીનાં ફૂલ’ ને ‘કિલ્લોલ’ સિવાયનાં આગલાં બધાં કાવ્યો – 78 – સમાવતો, એમની કવિતાનો પ્રતિનિધિ-સંગ્રહ. આમાં અડધોઅડધ રચનાઓ (37) તો રમણીય પ્રતિનિર્માણો છે. લોકગીતોના ઢાળો, ચારણી છંદો ને ઢબ, બંગાળી ગીતપરસ્તી, સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોમાંથી થોડાંક, પણ પરંપરાગત ‘દેશી પિંગળ’ના માત્રામેળ છંદો ઝાઝા, પુનરુક્તિપ્રાસ, બોલચાલના લહેકા ને તળપદી બાનીથી તથા યુગસંદર્ભે ઊભી થતી નિકટતા ને સહજતા, ભાવ ને અભિવ્યક્તિ બંનેની સરળતા, ગાન-લય-તાલ-લલકારવાળી રચના; આ બધાંને કારણે બળવંતરાય ક. ઠાકોરની અર્થૈકલક્ષી કવિતાના ચલણના જમાનામાં જ એથી જુદી પડતી આ વધુ લોકપ્રચલિત બની.
‘સોરઠ, તારાં વહેતાં પાણી’ એના આકાર-પ્રકારમાં ગુજરાતી નવલકથાની એક અત્યંત વિલક્ષણ કૃતિ છે. એ ઇતિહાસકથા છે, તો સ્વાનુભવકથા પણ; ને સૌરાષ્ટ્રની પ્રાદેશિક કથા છે, તો સપારણ જેવાં અમર પાત્રથી પ્રેમશૌર્યની રોમાંચક કથા પણ. ભારતીય નવલકથામાં પ્રાદેશિક રંગની નવલકથા તરીકે તે અનોખી છે.
‘પ્રભુ પધાર્યા’ (1943), ‘આવો દેવ’ એવું બર્મી આવકારસૂત્ર પડઘાવતી, બર્માનાં રિવાજો, બોલી, પાત્રો, ઉત્સવો, માન્યતાઓ, ગુજરાતી-બર્મી પ્રણયપ્રસંગો, 1942ના વખતની આઝાદ હિંદ ફોજ ને એ કાળની હિન્દી હિજરતનું નિરૂપણ છે. તે આકાર-પ્રકારે પ્રાદેશિક રંગની ઠરે. તો ‘કાળચક્ર’ (1947) પણ, તત્કાલીન સૌરાષ્ટ્રી પ્રજાજીવનની એક કથામાળા છે. આ કૃતિ લેખકના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી.
ઐતિહાસિક નવલો : એમની ‘ગુજરાતનો જય’ને બે ગણીએ તો ચાર ઐતિહાસિક નવલોમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ ‘સમરાંગણ’ (1938). લોકસાહિત્યની સામગ્રી આકર્ષતી ત્રિભંગી કથા : – નાગડાની, બીજી જામસતાની ને ત્રીજી ગુજરાતના મુઝફ્ફર નહનૂની. ભૂચર મોરીને રણાંગણે ત્રણેનો સંગમ ! કથા રસિક; પણ બહુકેન્દ્રી. પ્રાબલ્ય લોકકથાનું ને વાતાવરણ વહી ગયેલા લોકજીવનનું. એવું જ ‘‘રા’ગંગાજળિયો’’ની કથા(1939)નું. તે આકર્ષે છે તે એમાંની લોકસાહિત્યગત સામગ્રીથી, ઇતિહાસથી નહિ. પંદરમી સદીની નરસિંહકાળની કથામાં પાર્શ્વભૂમાં સુલતાન મહમ્મદનું વૃત્તાન્ત છે, પણ મુખ્યત્વે રા’માંડળિકના અધ:પતનની એ કથા છે. ‘ગુજરાતનો જય’ (ભાગ–1 : 1940; ભાગ–2 : 1942) બારમી સદીની વસ્તુપાળ–તેજપાળની પ્રબંધાદિથી પ્રેરાયેલી છતાં મુનશી-ધૂમકેતુની પરિપાટીની લાગે તેવી, કેટલાંક પ્રેમનાં તો કેટલાંક ચમત્કારનાં પ્રસંગો–પાત્રોથી રસપ્રદ શિથિલબંધી નવલકથા છે.
સામાજિક નવલો : ‘લાંબી વાર્તાનો કસબ શીખવાની સૌપહેલી તાલીમ’ જેનાથી મળ્યાનું પોતે જણાવે છે, તે અપ્ટન સિંકલેરની ‘સૅમ્યુઅલ ધ સીકર’પ્રેરિત ‘સત્યની શોધમાં’ (1932). બીજી નવલ તે પછી ચાર વર્ષે ‘જન્મભૂમિ’માંની ‘નિરંજન’ (1936). ‘વસુંધરાનાં વહાલાં દવલાં’ (1937) આરંભે હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ના મદારી – હોઠકટ્ટો – અંધીનાં ત્રણ પાત્રોથી પ્રેરિત, પણ પછી સ્વતંત્ર થઈ, સોરઠી છૂંદણાં છૂંદનારી તેજલ ને પ્રતાપ શેઠના અવૈધ મિલને થયેલી હોઠકટ્ટા બાળની કરુણ વાસ્તવકથા છે. હૉલ કેઇનના ‘ધ માસ્ટર ઑવ્ મૅન’થી પ્રેરિત ‘અપરાધી’ (1937) અવૈધ બાળની હત્યામાં રામભાઈ નહિ, એ બાળજન્મદાતા – પોતે હોવાથી પોતે દંડાવા જોઈએ, એવું, એ ખટલાના ન્યાયાધીશ શિવરાજને અંત:કરણે જાગતાં, એ અપ્રગટ કથા પ્રગટ કરે છે. ‘બીડેલાં દ્વાર’ (1939) અપ્ટન સિંકલેરની ‘લવ્ઝ પિલ્ગ્રિમેજ’ પ્રેરિત કથા. જાણે પૂર્વાર્ધ-ઉત્તરાર્ધે વિભાજિત. સર્જનોર્મિ, સર્જનપ્રક્રિયા અને સામાજિકતા – એ ત્રણ વચ્ચેના સંઘર્ષની આ કથા છે. પણ મેઘાણીની સામાજિક નવલોમાં શ્રેષ્ઠ તો ‘વેવિશાળ’ અને ‘તુલસીક્યારો’ છે.
‘વેવિશાળ’ (1939) સમાજકથા છે; પ્રણયકથા નથી. કથાબંધ ઘટનાકેન્દ્રી છે.
‘તુલસીક્યારો’ (1940) નામથી સૂચવાય છે તેમ સમાજપરિવર્તન દરમિયાન ઊખડી જતા પરંપરાગત સુસંસ્કારોને ફરીથી ચોંપવાની વાત રજૂ કરે છે. અહીં પ્રશ્ન, તજ્જન્ય સંઘર્ષ અને સહજ ઉકેલ ત્રણેય કથાત્મક રીતે રજૂ થયાનું જણાય છે.
મેઘાણી અંતરથી પરમની સાધના તરફ ઢળતા હતા એનો સાક્ષી છે ‘એકતારો’, 47 કાવ્યોનો સંગ્રહ (1940). તેમાં વીસેક ભજનો છે.
‘કલમ અને કિતાબ’ પાનું કાયમ માટે છોડીને (1941ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી) આરામ માટે ત્રણ માસ ભાવનગર જઈને રહ્યા. આ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીનાં 1943માં અપાનારાં વ્યાખ્યાનો ને ‘શાંતિનિકેતન’નાં વ્યાખ્યાનોની તૈયારી કરી. ‘શાંતિનિકેતન’માં જઈને (માર્ચ, 1941) અંગ્રેજીમાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. પાછી ‘ફૂલછાબ’ની જવાબદારી ! તેમાં આ તંત્રી તો કવિતા ને કલમની કળા ઉપરાંત જરૂર પડ્યે કાર્ટૂન પણ કરે ! એ રીતે ‘મુખડા ક્યા દેખો દર્પન મેં ?’ કાર્ટૂન માટે સરકાર તરફથી તવાઈ પણ આવેલી. 1942માં લોકસાહિત્યનાં ઘણાં પાસાં આવરી લેતું એક સુદીર્ઘ વ્યાખ્યાન સૂરતમાં આપ્યું તેનું પુસ્તક થયું : ‘લોકસાહિત્ય : પગદંડીનો પંથ’ (1942). તેમાં વ્યાખ્યાન ઉપરાંત ગંગાસતી, એલ્વિન સંપાદિત આદિવાસી કૌલનાં કાશ્મીરી ને મધુભાઈ સંપાદિત દક્ષિણ ગુજરાતનાં ગીતો વિશે લેખો છે. ‘બેંતાળીસ’ જેવા ક્રાંતિના વર્ષમાં સાર્વજનિક રસની પાક્ષિક પુસ્તિકાઓ ચલાવી : ‘મરેલાંનાં રુધિર’, ‘અકબરની યાદમાં’, ‘પાંચ વરસનાં પંખીડાં’, ‘આપણું ઘર પૃથ્વી’ અને ‘બે દેશદીપક’ (1942). છયેનું આયોજન સમાન : મેઘાણી સાથે લેખક મગનલાલ સતીકુમાર. આરંભે નિવેદનમાં અભિગમ ને સંદર્ભગ્રંથો, પછી ભારતીય સમાજજીવનનાં મહત્વનાં પાસાંવાળું મોટેભાગે ચરિત્રચિત્રો ને પ્રસંગચિત્રોવાળું લખાણ. આ પુસ્તિકાઓની સફળતાથી પ્રેરાઈને ત્રણ માસ પછી ફરીથી ‘ફૂલછાબ’ શરૂ થયું તે પછી પણ દર માસે એકને હિસાબે બીજી છ પુસ્તિકાઓ મળી : ‘આપણો મહાવીર પડોશી’, ‘ધ્વજમિલાપ’, ‘બાપુનાં પારણાં’, ‘સાંબેલાં’, ‘અજબ દુનિયા’ અને ‘તણખલાં’. પોતાના ચાર આગલા નવલિકાસંગ્રહો ‘ચિતાના અંગારા’ 1–2 (1931, 1932), ‘આપણા ઉંબરમાં’ (1932) અને ‘ધૂપછાયા’ (1935) તપાસી જઈ; ‘ધૂપછાયા’ની છમાં બીજી ચૌદ ઉમેરી વીસનો એક સંગ્રહ ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ–1 (8–3–1942) પ્રસિદ્ધ કરેલો; પણ માંદગી અસહ્ય બનતાં અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ઇન્ડૉર પેશન્ટ તરીકે જે સવા માસ ગાળ્યો (તેની પરોક્ષ પ્રાપ્તિમાં ‘વેવિશાળ’નું લીના પાત્ર) તેમાં વીસનો બીજો ખંડ થયો, જે ઑગસ્ટમાં પ્રસિદ્ધ થયો ને ચારેક વર્ષ પછી ‘વિલોપન અને બીજી વાતો’ (1946).
મેઘાણીની મન-અંતરની છબિ એમના જ શબ્દોમાં સંકલિત થઈને મળે છે (અલબત્ત, મરણોત્તર) બે સંપાદનોમાં : ‘લિ. હું આવું છું’ (636 પત્રો; 1988) અને ‘અંતર-છબિ’(સંપા. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી, ગૂર્જર, અમદાવાદ, 1998)માં. કલાપી અને ગાંધીજી પછી આટલી વિપુલ પત્રસામગ્રી મેઘાણી પાસેથી મળે છે.
1942માં અમદાવાદમાં (ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં) આપેલ વ્યાખ્યાન વિશેષ અભ્યાસ-ઉપયોગી પરિશિષ્ટો સાથે તેર પ્રકરણોમાં એક ‘મૉનોગ્રાફ’ રૂપે ગ્રંથસ્થ થયું : ‘ચારણો અને ચારણી સાહિત્ય’ (1943).
આની પૂર્તિ જેવો લોકસાહિત્યનો, પોતાની ઢબનો, રસિક છતાં વિગત-ચર્ચા-ઉદાહરણ-અભ્યાસ-ખચિત, રીતસરનો બૃહત્-શોધનિબંધ તે મુંબઈ યુનિવર્સિટીમાં 1943માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો ‘લોકસાહિત્યનું સમાલોચન’ (1946). આ અભ્યાસગ્રંથમાં પાંચ મોટાં પ્રકરણો છે, જે લોકસાહિત્યની પાંચ પુસ્તિકાઓ જેવાં છે. પહેલું પ્રકરણ (‘કથ્ય ભાષાના સાહિત્ય-સીમાડા’) વિષયનાં વ્યાપ અને મહત્વને પ્રસ્થાપિત કરે છે. બીજું લોકસાહિત્યનાં સંસ્કારબળો – આંતરલગ્નો ને જાતિમિશ્રણો, સંતાદિની ઉદાર ધર્મર્દષ્ટિ, ગૃહસંસ્કારો ને કેટલાક સમાજસંસ્કારો દર્શાવે છે. ત્રીજું મહત્વનું છે (‘કેડી પાડનારાઓ’) લોકસાહિત્યને ક્ષેત્રે કામ કરી ગયેલ પૂર્વસૂરિઓનાં કાર્યોનાં સ્મરણનું. એમાં ફાર્બસથી કાલેલકર સુધીનાને સંભાર્યા છે. ચોથામાં પ્રેમાનંદ, શામળ ને અન્યનાં આખ્યાનકથા – પદાદિને સંદર્ભે આ લોકસાહિત્યસ્રોત કેવો સમાન્તર–સ્વતંત્ર ને સજીવન વહ્યો–રહ્યો તેનું સર્દષ્ટાન્ત વિવરણ છે ને છેલ્લા પાંચમામાં કહેવતો – ઉખાણાં – દુહા – ગીતો – ગરબા – પ્રશસ્તિ – મરસિયા –નર-નારીનાં આગવાં શબ્દરૂપોથી માંડીને વ્રતાદિની ને અન્ય જૂજવા પ્રકારની કથાઓ સુધીનાં લોકસાહિત્યનાં સ્વરૂપોની વાત છે.
અગાઉ છેક 1925થી એમના જુદા જુદા લોકસાહિત્યના સંગ્રહોની પ્રસ્તાવનાઓ નિમિત્તે જે અભ્યાસ-ચિંતન થતાં રહેલાં તે વિવેચન-લેખોના બે સંગ્રહો મળેલા : ‘લોકસાહિત્ય ભાગ 1લો’(1939) ને ‘ધરતીનું ધાવણ’ (લોકસાહિત્ય ખંડ બીજો) (1944). 1માં મુખ્યત્વે ગીતચર્ચા, ને 2માં કથાની; પણ એમના જન્મશતાબ્દીવર્ષ(1997)માં એમની સમગ્ર લોકસાહિત્યવિવેચના બે ગ્રંથોમાં સંકલિત રૂપે મળે છે : ‘લોકસાહિત્ય – ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો’.
પોતાની ‘તેત્રીસની….. વિકલ સંતૃપ્ત દશા’માં એક સ્નેહી-દીધી રવીન્દ્રનાથે કરેલી પોતાનાં બંગાળી કાવ્યોની ‘સંચયિતા’ ‘નૉળવેલ જેવી’ ‘નિત્યસંગિની’ બની રહી હતી. તેમાંનાં ઘણાં (ને અન્ય સ્થળેથી થોડાં) રવીન્દ્રકાવ્યોનું ગુજરાતીમાં અનુરણન તે ‘રવીન્દ્રવીણા’ (1944), જે અનુસર્જન છે, ‘ટ્રાન્સફ્યૂઝન’ છે. મૂળ બંગાળી રવીન્દ્રયોજિત છંદ/ઢાળ લયબદ્ધ પઠનાનુરૂપ છે; એને અનુરૂપ ગુજરાતી છંદે મેઘાણી ઢાળે છે. આમ રવીન્દ્રથી આરંભાયેલ કાવ્યયાત્રા ‘રવીન્દ્રવીણા’થી પૂરી થાય છે ! તેય પોતીકા નાદરવ સાથે !
‘રંગ છે બારોટ’ (1945) બાર લોકકથાઓનો, એમના કુલ સોળ લોકકથાસંગ્રહમાંનો છેલ્લો, પણ સૌથી વધુ શાસ્ત્રીય સંપાદનવાળો સંગ્રહ. આ સાશ્ચર્ય આનંદ થાય એવી વાત તો ‘મોટિફ’ની ચર્ચા, કદાચ ભારતમાં પહેલી અહીં !
‘ઊર્મિ-નવરચના’માં હપતે હપતે આવતી, કાલેલકર જેવાએ જેને ‘સંસ્કૃતિસુધાર-દસ્તાવેજ’ કહી છે તેવી, મહારાજે પોતે જ પોતાના ગુનેગાર કોમ સાથેના પાત્ર-પ્રસંગોની સ્વાનુભવકથા રૂપે કહેલી, આ લોકોમાંની માણસાઈની, પણ જે હકીકતે મહારાજને પ્રભાવે જ થયેલા સંસ્કારપરિવર્તનની કથા પણ છે તે, કથાનાયક મહારાજ ન બને કે એમની સ્તુતિકથા આ ન બને છતાં એમની જ કથનબોલી જળવાય એમ, શૌર્ય-સ્વાર્પણ-ત્યાગ-સેવાનાં મહારાજદીધાં-કીધાં 23 સ્મરણાંકનોવાળી કથા તે ‘માણસાઈના દીવા’ (1945).
ગુજરાતમાંથી વિશ્વસાહિત્યમાં મૂકવા જેવી ગણતર કૃતિઓમાંની આ એક સત્યકથા. એ વર્ષની શ્રેષ્ઠ કૃતિ ઠરી ત્યારે પારિતોષિકની રકમ, પોતે તો માત્ર વાણી ઝીલી કહીને લેખકે લેવા ના પાડી તો ‘આ તો ઝીલનારની જ ખૂબીનું પરિણામ’ કહીને મહારાજે – કથા કહેનારે ના પાડી, એ પણ ગુજરાતના સાહિત્ય-ઇતિહાસની એક અવિસ્મરણીય ઘટના છે.
1946માં ‘પરકમ્મા’ (1946) નામે પોતાની અંગત ક્ષેત્રકાર્યનોંધનો સંગ્રહ પ્રસિદ્ધ કર્યો જેને અનુસંધાને પછી ‘છેલ્લું પ્રયાણ’ (1947, મૃત્યુ બાદ) મળ્યું. ગુજરાતના ડાયરી-સાહિત્યમાં પણ તે અનોખું છે.
‘કાળચક્ર’ અધૂરું રહ્યું ! ‘સોરઠી સંતવાણી’(1947)નો પ્રવેશક તપાસતાં તપાસતાં આ દીવો પણ અનંતના તેજમાં ભળી ગયો.
કનુભાઈ જાની