મેગેલન, ફર્ડિનાન્ડ (જ. આશરે 1480, પોન્ટી દા બાર્કા, ઉત્તર પોર્ટુગલ; અ. 27 એપ્રિલ 1521, મકતાન ટાપુ, ફિલિપાઇન્સ) : પોર્ટુગીઝ દરિયાઈ નૌકા કપ્તાન અને સાગરરસ્તે વિશ્વની પ્રદક્ષિણા કરનાર પ્રથમ નાવિક. જોકે એ પોતે પ્રદક્ષિણા પૂરી કરી શક્યો ન હતો; પરંતુ એનાં દીર્ઘષ્ટિ, આયોજન અને સાહસિક માર્ગદર્શન નીચે એની ટુકડીએ પ્રદક્ષિણા પૂરી કરી હતી. તેની આ વિશ્વપ્રદક્ષિણાને ઇતિહાસનું સૌથી મોટું દરિયાઈ પરાક્રમ ગણવામાં આવે છે.
એનાં માતાપિતા ખાનદાન કુટુંબનાં હતાં. એ 10 વર્ષનો થયો એ પૂર્વે એમનું અવસાન થયું હતું. 12 વર્ષની વયે પોર્ટુગલની રાણીની નોકરીમાં તે દાખલ થયો. ઇટાલીના ક્રિસ્ટૉફર કોલમ્બસ અને પોર્ટુગલના વાસ્કો દ ગામાની સાગરસફરો વિશે એણે જાણકારી મેળવીને નૌકાયાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એણે 1505માં હિંદની, 1506માં પૂર્વ આફ્રિકાની અને 1509માં મલાક્કા(મલયેશિયા)ની સાગરયાત્રા કરી. આ સમય દરમિયાન એના મિત્ર ફ્રાન્સિસ્કો સેરાઓએ તેજાના ટાપુઓ(Spice Islands)ની મુલાકાત લઈને એમની માહિતી તેને મોકલી. તેથી તે ટાપુઓની મુલાકાત લેવાની એના મનમાં ઝંખના જાગી. 1513માં પોર્ટુગલ આવ્યા પછી એણે લશ્કરી ટુકડીમાં સામેલ થઈને મોરોક્કોની મુલાકાત લીધી. મોરોક્કોના સંઘર્ષ દરમિયાન એને જે ઘા વાગ્યો તેને લીધે તેને જિંદગીપર્યંત ખોડંગાતા પગે ચાલવું પડ્યું હતું.
મોરોક્કોથી પોર્ટુગલ આવ્યા પછી તેજાના ટાપુઓની દરિયાઈ સફર માટે પોર્ટુગલના રાજા મૅન્યુઅલે નાણાકીય મદદ આપવાનો ઇનકાર કર્યો; તેથી તે સ્પેન ગયો અને ત્યાંના રાજા ચાર્લ્સ પહેલા પાસેથી દરેક પ્રકારની મદદ મેળવી. મેગેલનનો ખ્યાલ એવો હતો કે તેજાના ટાપુઓ સુધી જવા માટે પૂર્વના દરિયાઈ રસ્તા કરતાં પશ્ચિમનો દરિયાઈ રસ્તો નજીક પડે અને ઓછા સમયમાં ત્યાં પહોંચી શકાય.
પાંચ મોટાં વહાણો અને 241 માણસોના કાફલા સાથે સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા સનલુકર ડી બારામેડા નામના સ્થળેથી મેગેલને 20 સપ્ટેમ્બર, 1519ના રોજ મહાન દરિયાઈ સફર શરૂ કરી. એનો નૌકાકાફલો આટલાન્ટિક મહાસાગરમાં બ્રાઝિલ અને રિયો ડી જાનેરો પાર કરીને દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે આવી પહોંચ્યો. દરિયાઈ તોફાનમાં ‘સેન્ટિયાગો’ નામનું વહાણ નાશ પામ્યું. કેટલાક નાવિકોએ કરેલો બળવો કડકાઈથી શમાવી દેવામાં આવ્યો. સ્પેન અને પોર્ટુગલના નાગરિકો વચ્ચે પરસ્પર અલગતા અને વિરોધની લાગણી હતી. અહીં એક વહાણ ‘સાન એન્ટોનિયો’ના ખલાસીઓએ આગળ વધવાનો ઇનકાર કર્યો અને તેઓ એ વહાણ સાથે સ્પેન પાછા ફર્યા.
ત્રણ વહાણોનો કાફલો આટલાન્ટિકમાંથી પૅસિફિક મહાસાગરમાં પ્રવેશ્યો. અહીં જે સામુદ્રધુનીમાંથી તેઓ પસાર થયા એને ‘મેગેલનની સામુદ્રધુની’ નામ આપવામાં આવ્યું. નવો મહાસાગર શાંત હોવાથી મેગેલને તેને ‘પૅસિફિક (પ્રશાંત) મહાસાગર’ નામ આપ્યું. 98 દિવસ સુધી એમણે સતત પૅસિફિકમાં મુસાફરી કરી; પરંતુ જમીનનાં દર્શન થયાં નહિ. તેમને સખત ભૂખ અને તરસ વેઠવી પડી. અનેક જણ ખોરાકના અભાવે રોગના ભોગ બન્યા. ઉંદર, બળદનું ચામડું અને લાકડાનો ઝીણો વહેર (ભૂકો) ખાઈને ચલાવવું પડ્યું. કેટલાક માણસો મૃત્યુ પામ્યા. ગુઆમના લોકોનો વિરોધ હોવા છતાં ત્યાંથી ખોરાક અને પાણીનો સંગ્રહ કરી તેઓ ફિલિપાઇન્સ પહોંચ્યા. ત્યાં મેગેલને ઘણા લોકોને ખ્રિસ્તી બનાવ્યા.
એ પછી આગળ વધવા માટે ત્રણ વહાણો અને 110 ખલાસીઓ બાકી રહ્યાં. ખલાસીઓની સંખ્યા ઓછી હોવાથી એમણે ‘કન્સેપ્શન’ નામનું એક વહાણ છોડી દીધું. બે વહાણો તેજાના ટાપુઓ (Spice Islands) પહોંચ્યાં. એ વહાણોમાં એમણે ગરમ મસાલા–તેજાના ભર્યા. ત્યાંથી બંને વહાણોએ અલગ રસ્તે મુસાફરી કરવી એવું નક્કી કર્યું. ‘ટ્રિનિદાદ’ નામનું વહાણ પૅસિફિકમાં પૂર્વ તરફ આગળ વધ્યું; પરંતુ તોફાન નડતાં તે ઘણી ખુવારી વેઠી તેજાના ટાપુઓમાં પાછું આવ્યું. પાંચમા ‘વિક્ટોરિયા’ નામના વહાણે જુઆન સેબાસ્ટિયન ડેલ કેનોની આગેવાની નીચે પશ્ચિમ તરફની દરિયાઈ સફર ચાલુ રાખી. અનાજ અને પોષણના અભાવે ઘણા ખલાસીઓ મૃત્યુ પામ્યા. અંતે અનેક સંકટો વેઠીને ‘વિક્ટોરિયા’ નામનું જહાજ સતત ત્રણ વર્ષની મુસાફરી કરીને 1522ની 6ઠ્ઠી સપ્ટેમ્બરે સ્પેનના સનલુકર ડી બારામેડા બંદરે પહોંચ્યું ત્યારે કૅપ્ટન ડેલ કેનો અને બીજા માત્ર 17 નાવિકો જીવિત રહ્યા હતા.
આ વિશ્વપ્રવાસમાં ઇટાલીનો એન્ટોનિયો પિગાફેટ્ટા નામનો નાવિક સામેલ હતો. એણે આ પ્રવાસનો વિસ્તૃત અહેવાલ લખ્યો છે. એમાં એણે મેગેલનની હિંમત અને દરિયાઈ સફરની ચાતુરીની પ્રશંસા કરી જણાવ્યું કે કુલ 81,449 કિલોમીટરનો આ દરિયાઈ પ્રવાસ હતો. મેગેલનના આ અદભુત પ્રવાસને કારણે પૃથ્વી વિશેના જ્ઞાનમાં વધારો થયો, ‘મેગેલનની સામુદ્રધુની’ની શોધ થઈ અને પૅસિફિક મહાસાગરમાં વધારે શોધખોળો કરવાનું શક્ય બન્યું. આમ, મેગેલન દુનિયાના શ્રેષ્ઠ દરિયાઈ સંશોધક તથા સાહસિક પ્રવાસીઓમાં અગ્ર સ્થાનનો અધિકારી બની રહ્યો.
મુગટલાલ પોપટલાલ બાવીસી