મેગૅસ્થેનીઝ : ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. સ. પૂ. 322 – ઈ. સ. પૂ. 298)ના રાજદરબારમાં ગ્રીક રાજા સેલ્યુકસે મોકલેલો રાજદૂત. તે ભારતમાં પાંચ વર્ષ રહ્યો હતો અને ભારત વિશે એણે ‘ઇન્ડિકા’ નામે વૃત્તાંત–ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથની મૂળ પ્રત લુપ્ત થઈ ગઈ છે, પણ પછીના લેખકોએ તેનાં લખાણોમાંથી અવતરણો ટાંકેલાં હોવાથી એ ગ્રંથ વિશે ખ્યાલ મળે છે.

ભારતની પ્રાકૃતિક સ્થિતિનું અને ઋતુઓનું વર્ણન કર્યા પછી તે લખે છે કે ભારતીય સમાજ સાત વિભાગોમાં વહેંચાયેલો છે : (1) તત્વજ્ઞાનીઓ, (2) સભાસદો, (3) વહીવટી કર્મચારીઓ, (4) સૈનિકો, (5) ખેડૂતો, (6) વેપારીઓ તથા શ્રમિકો અને (7) શિકારીઓ. ખેડૂતો સૌથી વધુ સંખ્યા ધરાવે છે ને જમીનના મોટાભાગમાં સિંચાઈનો પ્રબંધ થયેલો છે; જેથી વર્ષમાં બે પાક લેવાય છે. ભોજનની બાબતમાં ભારતવાસીઓ મિતવ્યયી હોવાનું મેગૅસ્થેનીઝ નોંધે છે. તેઓ નીતિમય જીવન ગાળે છે અને સત્યના ચાહક છે. સમાજમાં ચોરી અને બીજા ગુનાઓનું પ્રમાણ જૂજ છે. લોકો તેમનાં ઘરનાં બારણાં ખુલ્લાં મૂકીને સૂઈ શકે છે. લોકો કીમતી પોશાક પહેરે છે. તેમનું જીવનધોરણ ઘણું ઊંચું છે. ધાર્મિક પ્રસંગોએ લોકો સોમરસ પીએ છે. લોકો દેખાવડા, તંદુરસ્ત અને કદાવર છે. સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો ઊંચો છે. શ્રીમંત પરિવારોમાં બહુપત્ની કરવાનો વ્યાપક રિવાજ છે. ધર્મસંપ્રદાયો પરત્વે તે જણાવે છે કે શૌરસેન(શૂરસેન પ્રદેશ–મથુરાવિસ્તાર)ના લોકો હરિ (વાસુદેવ કૃષ્ણ) તરફ ભારે આદરભાવ ધરાવે છે અને તેઓ હવે તેમને ભગવાન વિષ્ણુનો માનવ-અવતાર માને છે.

મેગૅસ્થેનીઝે ચંદ્રગુપ્તની રાજધાની પાટલિપુત્રનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ગંગા અને શોણ નદીઓના સંગમ પર વસેલ આ નગર 11 કિમી. લાંબું અને 4 કિમી. પહોળું છે. એના રક્ષણ માટે ફરતી 18.3 મીટર (60 ફૂટ) ઊંડી ખાઈ કરેલી છે. નગરને ફરતો લાકડાનો કોટ છે, જેમાં 64 દરવાજા અને 570 બુરજ છે. નગરના પ્રશાસન માટે 30 સભ્યોની નગરસભા છે, જેને પાંચ-પાંચ સભ્યોની 6 સમિતિઓમાં વહેંચેલી છે : (1) હુન્નર સમિતિ, (2) વિદેશી પ્રવાસી સમિતિ, (3) જનગણના સમિતિ, (4) વેપાર-વાણિજ્ય સમિતિ, (5) ઉત્પાદન સમિતિ, (6) વિક્રય-કર સમિતિ. નગરના વહીવટ માટે આ સમિતિઓ અને નગરસભા સંયુક્તપણે જવાબદાર હતી.

મેગૅસ્થેનીઝે તક્ષશિલા, ઉજ્જૈન, કૌશામ્બી જેવાં અન્ય નગરોનો પણ ઉલ્લેખ કર્યો છે. મેગૅસ્થેનીઝની ચંદ્રગુપ્ત વિશેની નોંધ રસપ્રદ છે. તે પરથી જણાય છે કે ચંદ્રગુપ્ત પોતે ઘણા ઠાઠમાઠથી રહેતો હતો. તેનું રક્ષણ કરવા માટે ગુપ્તચરોની જાળ બિછાવેલી હતી, જેમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. પોતાના જીવ પરનું જોખમ નિવારવા માટે ચંદ્રગુપ્ત એક જ ખંડમાં એક રાત્રિથી વધુ શયન કરતો નહોતો. મુકદ્દમાઓ સાંભળવા, શિકાર કરવો અને દેવની ઉપાસના કરવી – આ ત્રણ પ્રસંગો સિવાય તે પોતાના રાજપ્રાસાદમાંથી બહાર નીકળતો નહોતો.

ચંદ્રગુપ્તનો રાજપ્રાસાદ ઈરાનના શાહના પ્રાસાદ કરતાં ચડિયાતો હોવાનું મેગૅસ્થેનીઝે નોંધ્યું છે. એ પ્રાસાદમાં કરેલો ઉદ્યાન પાળેલાં મોર, ઢેલ અને બીજાં પક્ષીઓથી ગુંજતો હતો. વૃક્ષરાજિ ઘટાદાર સુગ્રથિત હતી. વૃક્ષોની ડાળીઓને લતાઓથી પરસ્પર સાંકળેલી હતી. વૃક્ષો હંમેશાં લીલાંછમ રહેતાં હતાં. કેટલાંક વૃક્ષો દેશી હતાં, તો કેટલાંક ખૂબ કાળજીપૂર્વક મંગાવેલાં પરદેશી વૃક્ષો પણ હતાં. આ બધાંથી પ્રાસાદની રોનક વધી ગઈ હતી. આ ઉપવનથી આકર્ષાઈને આવેલાં રંગબેરંગી પક્ષીઓએ અહીં માળા કર્યા હતા. રાજપ્રાસાદમાં એક મનોરમ જળાશય બનાવેલું હતું. નાના રાજપુત્રો સિવાય એમાંની માછલીઓનો શિકાર કરવાની કોઈને પરવાનગી નહોતી. બધા રાજપુત્રો નૌકા કેમ ચલાવવી તે જાણતા હતા.

ચંદ્રગુપ્તની રાજસભાની બાબતમાં મેગૅસ્થેનીઝ લખે છે કે સભાભવન ભવ્ય અને તમામ પ્રકારની સુખસગવડવાળું હતું. ચંદ્રગુપ્ત સભાભવનમાં ખૂબ ઠાઠમાઠથી આવતો હતો.

મેગૅસ્થેનીઝે પોતાના ભારતવાસ દરમિયાન જે કંઈ જોયું અને સાંભળ્યું તે આલેખ્યું છે. પણ બીજાઓએ કહેલું સાચું છે કે ખોટું તે તપાસવા જેટલી વિવેકબુદ્ધિ તેણે વાપરી નથી. આથી તેનાં વર્ણનોમાં ઘણી ખામીઓ રહેવા પામી છે; જેમ કે મીટર કરતાં પણ ઓછી ઊંચાઈ ધરાવતા લોકોની કેટલીક જાતિઓ ભારતમાં વસે છે; કેટલાક લોકોને કપાળમાં કેવળ એક જ આંખ હોય છે; બીજા કેટલાકને નસકોરાં હોતાં નથી ! આવી કેટલીક નોંધો રસપ્રદ હોવા છતાં બિલકુલ બિનપાયાદાર અને કાલ્પનિક છે. ભારતમાં ગુલામીપ્રથા અજ્ઞાત છે એવું તેનું વિધાન પણ યથાર્થ નથી, કારણ કે એ સમયમાં દાસપ્રથા અસ્તિત્વમાં હોવાના પુરાવા મોજૂદ છે. જોકે આવી બાબતોનું પ્રમાણ એકંદરે બહુ જૂજ છે. તેને બાદ કરતાં મેગૅસ્થેનીઝે જાતઅનુભવ અને જાતમાહિતી પરથી લખેલું ઘણું લખાણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં ઉપયોગી થયું છે, એ હકીકત છે.

પ્રવીણચંદ્ર પરીખ