મૅગ્નસ અસર : વહન કરતા પ્રવાહીમાં ધૂર્ણન (rotation) કરતા નળાકાર ઉપર પ્રવાહને લંબ રૂપે લાગતું બળ.

મૅગ્નસ અસર

આકૃતિમાં તીરથી દર્શાવેલ રેખાઓ પ્રવાહી બતાવે છે. વર્તુળ નળાકારનો આડછેદ અને વક્ર તીરની ભ્રમણ દિશા સૂચવે છે. દબાણના તફાવતથી પેદા થતું બળ છે.

નળાકારના ધૂર્ણનને કારણે નળાકારની એક તરફ પ્રવાહમાં ઘટાડો થાય છે, જ્યારે તેની વિરુદ્ધ બાજુએ પ્રવાહમાં વધારો થાય છે. આથી સ્થિત દબાવના તફાવતની સ્પષ્ટ અસર મળે છે. પરિણામે બાજુઓ તરફ પ્રવેગ પેદા થાય છે.

પદાર્થના બે જુદા જુદા છેડે આવેલી બાજુઓ ઉપર પ્રવાહ-વેગનું મૂલ્ય જુદું જુદું હોય તો પ્રવાહમાં ડુબાડેલા પદાર્થ ઉપર ઉત્પ્લાવક બળ (buoyancy force) લાગે છે. જે બાજુએ વેગ વધુ હોય ત્યાં ઓછું દબાણ (under pressure) અને જ્યાં વેગ ઓછો હોય ત્યાં વધુ દબાણ (over pressure) પ્રવર્તે છે.

પ્રવાહમાં પદાર્થને એવી રીતે રાખવામાં આવે જેથી ઉપરની બાજુએ પ્રવાહની ઝડપ ઓછી અને નીચેની બાજુએ વધુ હોય તો તે પાંખનું કાર્ય કરે છે. દબાણનો તફાવત પેદા થતો હોઈ પદાર્થ ગતિશીલ ઉત્પ્લાવક બળ(dynamic buoyancy force)નો અનુભવ કરે છે.

આશા પ્ર. પટેલ