મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ

February, 2002

મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ (જ. 6 સપ્ટેમ્બર 1876, પર્થશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 માર્ચ 1935, ઍબર્ડીન) : સન 1923ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના સર ફ્રેડ્રિક ગ્રાન્ટ બેન્ટિંગ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા.

જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિઑડ

તેમને ઇન્સ્યુલિનની શોધ માટે આ સન્માન એનાયત થયું હતું. કૅનેડિયન રાષ્ટ્રીયતા ધરાવતા આ વિદ્વાન ઍબર્ડીન ખાતે તબીબી વિદ્યા ભણી 1898માં સ્નાતકની પદવી મેળવીને યુરોપ તથા અમેરિકાના વ્યાપક પ્રવાસે ગયેલા. તેમણે ઓહાયો રાજ્યના ક્લીવલૅન્ડ ખાતે વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીની લંડન હૉસ્પિટલ ખાતે દેહધર્મવિદ્યા તથા જૈવરસાયણ વિભાગોમાં કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી ઑવ્ ટૉરૉન્ટોમાં જોડાયા અને છેલ્લે ફિઝિયોલૉજિકલ લૅબોરેટરીના નિયામક બન્યા. ઑન્ટેરિયો યુનિવર્સિટીના અધ્યક્ષપદે તેઓ હતા ત્યારે તેમની સાથે સર ફ્રેડ્રિક ગ્રાન્ટ બૅન્ટિંગ અને બેસ્ટ જોડાયા હતા. બૅન્ટિંગે ઇન્સ્યુલિન(મધુઅલ્પક)નામના અંત:સ્રાવને અલગ તારવી બતાવ્યું અને તેના વડે મધુપ્રમેહના દર્દીઓમાં ગ્લુકોઝની સપાટી ઘટાડી બતાવી. તેમની શોધ પછી મધુપ્રમેહ મૃત્યુકારક રોગ ન રહ્યો. જ્યારે મૅક્લિઑડ, સપ્તવાર્ષિક (sabbatic) રજા પર હતા ત્યારે બેન્ટિંગ અને બેસ્ટ દ્વારા આ સંશોધન થયું. તેમણે કૉલિય નામના એક રસાયણવિદની મદદથી ઇન્સ્યુલિનનું શુદ્ધ સ્વરૂપ મેળવ્યું.

સન 1923ના નોબેલ પારિતોષિકમાં બૅન્ટિંગ સાથે બેસ્ટ તથા કૉલિયને બદલે મૅક્લિઑડનું નામ વિજેતા તરીકે આવ્યું તેથી મોટો વિવાદ સર્જાયો. મૅક્લિઑડનું આ સંશોધનમાં ખાસ પ્રદાન ન હતું, પણ તેઓ તે સમયે ખૂબ જાણીતા વૈજ્ઞાનિક અને સંશોધનકાર ગણાતા હતા. બૅન્ટિંગે આ કારણસર પોતાનું અર્ધું પારિતોષિક બેસ્ટને આપ્યું તથા મૅક્લિઑડે પણ પોતાનામાંથી કૉલિયને અર્ધો ભાગ આપ્યો. ત્યારબાદ સન 1926માં ઇન્સ્યુલિન શુદ્ધ સ્વરૂપે મેળવાયું અને સન 1966માં શેન્ગરે તેનું રાસાયણિક બંધારણ ઓળખી બતાવ્યું. મૅક્લિઑડે પોતે પ્યુરિન બેઝ, કાર્બામેટ્સ, ક્ષયના જીવાણુ, વીજળીથી લાગતો આઘાત તથા વાતવ્યાધિ (air sickness) વિશે સંશોધન કર્યું હતું. તેઓ સમર્થ શિક્ષક, સંશોધક તથા લેખક તરીકે પણ જાણીતા હતા. બૅન્ટિંગ સાથે બેસ્ટને જોડનાર પણ મૅક્લિઑડ હતા.

શિલીન નં. શુક્લ