મેકૉર્મિક, પેર્ટિસિયા

February, 2002

મેકૉર્મિક, પેર્ટિસિયા (જ. 12 મે 1930, સીલ બીચ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા તરવૈયા. તેઓ ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનાર સૌથી મહાન મહિલા તરણ-ખેલાડી મનાય છે. હેલસિન્કી (1952) અને મેલબૉર્ન (1956) એમ 2 ઑલિમ્પિક રમતોમાં પ્લૅટફૉર્મ પરથી (10 મી. ટાવર) તથા સ્પ્રિંગબૉર્ડ(3મી.)ની એમ બંને તરણસ્પર્ધામાં સુવર્ણચંદ્રકો મેળવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. પ્રારંભમાં 1948માં ઑલિમ્પિક સ્પર્ધાની લાયકાત મેળવવામાં તે કેવળ એક પૉઇન્ટથી હારી ગયાં હતાં. પાછળથી 1951 તથા 1955ની પાન અમેરિકન રમતોમાં સુવર્ણચંદ્રક તથા ‘ઍમેટર ઍથ્લેટિક યુનિયન’ની તરણ-સ્પર્ધામાં 25 તરણ વિજયપદકો (titles) અને ઑલિમ્પિક રમતમાં 2 સુવર્ણચંદ્રકનાં તે વિજેતા બન્યાં હતાં. 1956માં તે નિવૃત્ત થયાં. ‘ઇન્ટરનેશનલ સ્વિમિંગ હૉલ ઑવ્ ફેમ’નાં તે વિશિષ્ટ માનાર્હ સભ્ય છે.

મહેશ ચોકસી