મેકેન્ઝી પર્વતો : કૅનેડાના વાયવ્ય પ્રદેશના યૂકૉન અને મેકેન્ઝી જિલ્લામાં આવેલો રૉકીઝ પર્વતોનો ઉત્તર તરફનો ભાગ. અહીંથી તે વધુ વાયવ્ય તરફ બ્રિટિશ કોલંબિયાની સરહદથી 800 કિમી.ની લંબાઈમાં પીલ રિવર પ્લેટો અને પૉર્ક્યુપાઇન રિવર બેસિન સુધી વિસ્તરે છે. આ પર્વતો પૂર્વ તરફની મેકેન્ઝી નદી અને પશ્ચિમ તરફની યૂકૉન નદીના જળવિભાજક બની રહેલા છે. યૂકૉન નદીની ઉપરવાસમાં વહેતી પીલ નદી તેમાંથી નીકળે છે. મેકેન્ઝી નદીના પૂર્વ કાંઠાની સમાંતરે 480 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલા ફ્રૅન્કલિન પર્વતોને પણ મેકેન્ઝી પર્વતોના જ એક ભાગરૂપ ગણવામાં આવે છે. 2,762 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ સર જેમ્સ મેકબ્રાયન અહીંનું સર્વોચ્ચ શિખર છે. આ ઉપરાંત માઉન્ટ હન્ટ, માઉન્ટ સિડની ડૉડસન, ઈડા, કીલ અને ડોમ જેવાં શિખરો પણ 2,400 મીટરથી વધુ ઊંચાં છે.
આ પર્વતોનું નામ 1789માં મેકેન્ઝી નદીની ખોજ કરનાર અને તેને ખૂંદી વળનાર સર ઍલેક્ઝાન્ડર મેકેન્ઝી પરથી પડેલું છે. આ પર્વતો બીજા વિશ્વયુદ્ધ (1939–45) સુધી તો ખાસ જાણીતા ન હતા, પરંતુ મેકેન્ઝી નદી પરના નૉર્મન વેલ્સ ખાતે ખનિજતેલ ક્ષેત્ર શોધાયા પછી તે જાણીતા બન્યા છે. મેકેન્ઝી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં 1938માં ‘પશુ અભયારણ્ય’ વિકસાવવામાં આવ્યું છે, જ્યારે 1972માં અહીં નહાની નૅશનલ પાર્ક પણ સ્થાપવામાં આવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા