મેકેન્લી, રે(મંડ) (જ. 30 માર્ચ 1926, બનક્રેના, આયર્લૅન્ડ; અ. 15 જૂન 1989, આયર્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. 1947થી તે ડબ્લિન ઍબી થિયેટરના સભ્ય હતા. ત્યાં રહીને 1963 સુધીમાં તેમણે 150 નાટ્યપ્રયોગોમાં ભાગ લીધો હતો. લંડનની રંગભૂમિ પર સૌપ્રથમ પ્રવેશ કર્યો 1962માં; વેસ્ટ એન્ડ ખાતે ભજવાયેલું તે પછીનું તેમની મહત્વની ભૂમિકા ધરાવતું એક નાટક તે ‘હૂ’ઝ અફ્રેડ ઑવ્ વર્જિનિયા વુલ્ફ’.

ચલચિત્રોમાં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તેમજ ‘ધ મિશન’ (1986) નામની ફિલ્મમાં પોપના એલચી તરીકેની ભૂમિકા બદલ તેમને ‘બ્રિટિશ ઍસોસિયેશન ઑવ્ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ’(BAFTA)નો ઍવૉર્ડ મળેલો. ‘માઇ લેફ્ટ ફુટ’ (1989)માં તેમનો અભિનય ખૂબ વખાણાયો અને તેમને ખૂબ પ્રતિષ્ઠા મળી. 500 ઉપરાંત ટેલિવિઝન કાર્યક્રમોમાં ભાગ લેવાથી તેમના અભિનયમાં પાકટતા, દક્ષતા અને સિદ્ધહસ્તતા ગૂંથાઈ આવ્યાં હતાં. ‘એ પર્ફેક્ટ સ્પાઈ’ (1988) તથા ‘એ વેરી બ્રિટિશ કૂપ’ ફિલ્મના અભિનય બદલ પણ તેમને ‘બાફટા’ ઍવૉર્ડ મળ્યા હતા.

મહેશ ચોકસી