મેકડૉનાલ્ડ, (જેમ્સ) રામસે (જ. 12 ઑક્ટોબર 1866, લૉસીમાઉથ, સ્કૉટલૅન્ડ; અ. 9 નવેમ્બર 1937, દક્ષિણ અમેરિકાના દરિયાઈ પ્રવાસ દરમિયાન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. એક અનૌરસ સંતાન તરીકે તેમણે 12 વર્ષની વયે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તે જ શાળામાં વિદ્યાર્થીશિક્ષક (pupil teacher) તરીકે છ વર્ષ કામ કર્યું.
1885માં તેઓ કામની શોધમાં બ્રિસ્ટલ ગયા જ્યાં સોશિયલ ડેમૉક્રૅટિક ફેડરેશનની પ્રવૃત્તિઓમાં જોડાતાં ડાબેરી વિચારોનો પરિચય થયો. 1886માં લંડન જઈને ફેબિયન સોસાયટીમાં જોડાયા. આ સોસાયટીના કાર્યાલયમાં કામ કરવા સાથે તેમણે ફાજલ સમયમાં વિજ્ઞાનની વિદ્યાશાખાનો અભ્યાસ શરૂ કર્યો. બેવડી કામગીરીના કારણે તેમની તબિયત કથળતાં અભ્યાસ અધૂરો છોડ્યો. 1894માં નવી સ્થપાયેલી ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(Independant Labour Party)માં જોડાયા. 1895માં આ પક્ષ વતી આમ સભા માટે ચૂંટણી લડ્યા, પણ પરાજિત થયા. 1900માં તેઓ મજૂર પક્ષની પુરોગામી સંસ્થા લેબર રેપ્રિઝેન્ટેટિવ કમિટીમાં જોડાયા અને તેના પ્રથમ મંત્રી બન્યા. આ સમિતિમાંથી થોડાં વર્ષો બાદ મજૂર પક્ષ અસ્તિત્વમાં આવ્યો. 1914માં (પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભે) ગ્રેટ બ્રિટને જર્મની પર આક્રમણ કરીને અયોગ્ય પગલું ભર્યું છે એમ જણાવવા બદલ તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવેલી. આ ર્દષ્ટિબિંદુથી બ્રિટનમાં તેમની લોકપ્રિયતામાં ઓટ આવી અને 1918ની પુન: થયેલી ચૂંટણીમાં તેઓ પરાજિત થયા.
1922માં તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા. મજૂર પક્ષ આમની સભામાં વિરોધપક્ષે હતો તેનું તેમણે નેતૃત્વ કર્યું. જાન્યુઆરી, 1924માં મજૂર પક્ષની પ્રથમ સરકારની રચના થતાં તેઓ વડાપ્રધાન અને વિદેશમંત્રી નિમાયા. તેમના નેતૃત્વ નીચે ગ્રેટ બ્રિટને સોવિયેત સંઘના સામ્યવાદી શાસનને માન્યતા આપી. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાં ફરજિયાત લવાદ નીમવા માટેની પ્રથા જે જિનીવા પ્રોટોકૉલ તરીકે જાણીતી બનેલી તેને તેમણે સમર્થન આપ્યું હતું. 1929ની ચૂંટણીમાં મજૂર પક્ષે વધુમાં વધુ બેઠકો મેળવી સરકાર રચી અને 5 જૂન, 1929ના રોજ તેઓ વડાપ્રધાન નિમાયા. 1929ની મહામંદીને કારણે બ્રિટન આર્થિક વમળોમાં ફસાયું, મજૂર પક્ષની સરકાર આ અંગે કોઈ નોંધપાત્ર પગલાં લઈ શકી નહિ. તેમને આ પરિસ્થિતિમાં 24 ઑગસ્ટ, 1931ના રોજ રાજીનામું આપવું પડ્યું. આ સ્થિતિમાં બ્રિટનમાં રાષ્ટ્રીય સરકાર(national government)ની રચના થઈ ત્યારે તેઓ આ રાષ્ટ્રીય સરકારના વડા નિમાયા હતા. 1935ની ચૂંટણીમાં તેમણે સંસદની બેઠક ગુમાવી, પણ ફેરચૂંટણીમાં ઉમેદવારી કરી વિજયી બન્યા.
તેઓ 1937માં દક્ષિણ અમેરિકાના પ્રવાસ દરમિયાન દરિયાઈ મુસાફરીમાં અચાનક અવસાન પામ્યા. ‘પાર્લમેન્ટ ઍન્ડ રેવોલ્યૂશન’ (1920) તથા ‘સોશિયાલિઝમ : ક્રિટિકલ ઍન્ડ કન્સ્ટ્રક્ટિવ’ (1924) તેમના ગ્રંથો છે. તેમની રાજકીય કારકિર્દીનો સમીક્ષાત્મક અભ્યાસ એલ. એમ. વેયરે કર્યો હતો, જેના આધારે તેમણે ‘ધ ટ્રૅજેડી ઑવ્ રામ્સે મેકડૉનાલ્ડ’ (1938) ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
રક્ષા મ. વ્યાસ