મેઇજી યુગ : જાપાનમાં સમ્રાટ મુત્સુહિટોનો રાજ્યકાલ(1867–1912). મુત્સુહિટોનો જન્મ ક્યોટોમાં ઈ. સ. 1852માં થયો હતો. 1853માં અમેરિકન નૌકાદળના અધિકારી કૉમોડૉર મેથ્યુ પેરીએ પશ્ચિમના દેશો માટે જાપાનનાં દ્વાર ખોલ્યાં; એ પછી જાપાનમાં પશ્ચિમની અસર વધતી ગઈ હતી.
ઈ. સ. 1867માં મુત્સુહિટો જાપાનનો સમ્રાટ બન્યો ત્યારે જાપાન એક નબળું અને અવ્યવસ્થિત રાજ્ય હતું. સેંકડો વર્ષોથી એનો વહીવટ ‘શોગુન’ નામના અમીરો વંશપરંપરાગત રીતે કરતા હતા. જાપાનના અમીરોએ ‘શોગુન’ને રાજીનામું આપવા અને રાજ્યસત્તા સમ્રાટને પાછી સોંપવા સમજાવતાં શોગુને 1867માં પોતાના પદનું રાજીનામું આપ્યું અને મુત્સુહિટો જાપાનનો સાચો રાજ્યકર્તા બન્યો. તેણે ‘મેઇજી’ (enlightened) ખિતાબ અપનાવ્યો હતો. એ પોતે પણ પછી ‘મેઇજી સમ્રાટ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
મુત્સુહિટોએ પશ્ચિમના દેશોની હરીફાઈ અને એમનો પ્રતિકાર કરવા માટે એમનું જ અનુકરણ કરવાનું નક્કી કર્યું. એણે જાપાનમાં વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા. બધા લોકો માટે ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા કરી અને આધુનિક તાલીમ તથા શસ્ત્રોવાળાં મજબૂત લશ્કરી દળોની રચના કરી. લશ્કરમાં અને પ્રજામાં કડક શિસ્ત તથા રાષ્ટ્રભાવના ઉત્પન્ન કરી. પરિણામે થોડાં વર્ષોમાં જાપાને સાર્વત્રિક વિકાસ સાધ્યો અને એ ઔદ્યોગિક તથા લશ્કરી ર્દષ્ટિએ શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું.
આંતરિક વિકાસ સિદ્ધ કર્યા પછી જાપાને આક્રમક વિદેશનીતિ અપનાવી. એણે 1895માં ચીન જેવા એશિયાના મોટા દેશને હરાવ્યો. 1902માં એણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ કરી. 1905માં રશિયા જેવા યુરોપના મોટા દેશને હરાવ્યો. 1910માં એણે કોરિયા ઉપર આક્રમણ કરી એ જીતી લીધું. જાપાન હવે વિશ્વસત્તા બન્યું અને વિશ્વના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવવા લાગ્યું. થોડા સમયમાં એની અદભુત પ્રગતિ જોઈ વિશ્વના દેશો અંજાઈ ગયા. 1912માં મુત્સુહિટોનું અવસાન થયા પછી જાપાનમાં દેવ તરીકે તેની પ્રતિષ્ઠા થઈ. 45 વર્ષના શાસનકાળ દરમિયાન એણે જાપાનને એક સામાન્ય રાષ્ટ્રમાંથી વિશ્વનું મહાન અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું. એના અવસાન પછી પણ જાપાન વિકાસ અને વિસ્તાર સાધતું રહ્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી