મૃદ્-ભાંડ : પુરાવશેષ તરીકે મહત્ત્વ  ધરાવતાં માટીનાં વાસણો. તે અંત્યપાષાણયુગથી માંડીને હડપ્પીય તેમજ તામ્રપાષાણયુગીય આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના ટિંબાઓમાંથી વિપુલ પ્રમાણમાં ઠીકરાં રૂપે કે ક્વચિત્ અખંડ રૂપે મળતાં રહ્યાં છે. સદીઓથી માટી નીચે દબાઈ રહેવા છતાં તે નાશ પામ્યાં નથી. આથી લિપિની ગેરહાજરીવાળી આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના અભ્યાસમાં તે પ્રથમદર્શી મહત્વના પુરાવા ગણાય છે.

વાસણોની બનાવટ, તેમાં વપરાતી ચીજવસ્તુઓ, તેમની ઉપરના રંગ તથા ઓપ અને વિવિધ રીતનાં ચિત્રિત, ઉત્ખનિત અને દબાવનાં સુશોભનો, તેમની વૃક્ષો, પશુ-પક્ષીઓ સમેતની વિવિધ આકૃતિઓ, તેમના ઘાટ તથા તેમને પકવવાની પદ્ધતિ ઉપરથી જે તે સંસ્કૃતિનો, તેના સમાજનો, તેનાં ખેતી, ખોરાક, પાણી, હવામાન ને પર્યાવરણનો, તેના અન્ય સંસ્કૃતિઓ સાથેના સંપર્કોનો અને તેમાં થતા ફેરફારોથી થયેલ ઉન્નતિ કે અવનતિના સંચારો વગેરેની જાણકારી મેળવી શકાય છે. રંગપુર–લીમડીમાંથી મળેલા હડપ્પીય વાસણ ઉપર દોરેલું મોરનું ચિત્ર ગુજરાતમાં 5,000 વર્ષથી મોર હોવાનું પ્રમાણ દર્શાવે છે !

મૃદ્-ભાંડ દ્વારા આદ્ય ઐતિહાસિક કાળની સંસ્કૃતિઓની થર્મોલ્યૂમિનિસન્સ (thermoluminescence – TL), પેટ્રૉગ્રાફી અને એક્સ-રે ડિફ્રૅક્ટૉમિટ્રી જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કાળગણતરીઓ કરવામાં આવે છે. થર્મોલ્યૂમિનિસન્સ પદ્ધતિ દ્વારા મૃદ્-ભાંડને તેના મૂળ તાપમાને તપાવી તેની અસલી ઝલક પુન: ઊભી કરી તે વાસણ ક્યારે પકાવ્યું તે જાણીને તેના આધારે તે સંસ્કૃતિનો સમય નક્કી કરવામાં આવે છે. જ્યારે પેટ્રૉગ્રાફીમાં ખાસ માઇક્રોસ્કોપ દ્વારા વાસણના છેદની અંદરના માટી તથા ખનિજોના ઘટકોને તપાસી તેને સ્થાનિક માટી તથા ખનિજ સાથે મેળવી તે વાસણ અને બનાવટ સ્થાનિક છે કે આયાતી તે નક્કી કરાય છે. એક્સ-રે ડિફ્રૅક્શનમાં ખાસ મશીન દ્વારા વાસણની અંદરના ઘટકોને તપાસીને તે સ્થાનિક છે કે આયાતી તે જોવામાં આવે છે. ઉપર્યુક્ત બંનેનાં પરિણામો કાળગણતરીમાં પણ ઉપયોગી થાય છે.

આમ, સંસ્કૃતિઓની કાળગણતરીઓ સહિત અનેક મહત્વની માહિતીઓ અને હકીકતો મેળવવામાં મૃદ્-ભાંડ પુરાવા તરીકે ખૂબ ઉપયોગી થાય છે.

સુમનબહેન પંડ્યા