મેં મેલે રા જનૂન (1976) : ડોગરી કવિ કેહારીસિંગ ‘મધુકર’(જ. 1930)નો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યોમાં ઊર્મિની તીવ્રતા તથા ઉત્કટતાની સાથોસાથ તાર્કિકતા તથા શાણપણનો સમન્વય છે. અનિશ્ચિતતાભર્યા ધૂંધળા વર્તમાનમાં પરિવર્તન લાવી આશાસ્પદ ભાવિ સ્થાપવાની ઝંખનામાં આદર્શવાદ સાથે વાસ્તવવાદનીયે ભૂમિકા જોવા મળે છે. માનવજાતના ઊજળા ભાવિ વિશેની તેમની શ્રદ્ધા તેમના અંગત વિષાદને લોપી શકે છે. લગભગ દરેક કાવ્યમાં એકાદ વિચાર કે સિદ્ધાંતનું સમર્થન કરવામાં આવ્યું છે, પરંતુ કાવ્યના આસ્વાદમાં તે બાધક બનતું નથી. ઊર્મિની ઉત્કટતાની સાથોસાથ છંદોવૈવિધ્યની નિપુણતા તથા તેની કલાત્મક માવજત કાવ્યબંધને વિશેષતા આપે છે. ‘ધ્રુવ તારે’, ‘ઇંતેજારી’, ‘મીત’, ‘કોરી કલ્પના’, ‘ચર્ચા’, ‘સચ’, ‘ફેરી’, ‘વાપસી’, ‘નામા ઇતિહાસ’, ‘આસ્થા’ તથા ‘હક’ જેવાં કાવ્યો કવિની જ નહિ, ડોગરી કવિતાની ઉત્તમ રચનાઓ છે.

મહેશ ચોકસી