મૅસત્રોયાની, મૅચેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્તાના લિરી, ઇટાલી; અ. 1996) : ઇટાલીના લોકલાડીલા અભિનેતા. સંવેદનશીલ અને પ્રેમાળ મુખમુદ્રા તેમજ એકાકી અને ત્રસ્ત માનવીના હૃદયસ્પર્શી અભિનય માટે તેઓ ઇટાલીના સિનેજગતમાં બેહદ ચાહના પામ્યા હતા. તેમણે હાસ્યરસિક ચિત્રોથી માંડીને ગંભીર નાટ્યાત્મક કૃતિઓના અભિનય દ્વારા ચિત્રજગતમાં પ્રારંભ કર્યો. યુદ્ધસમયના નાઝીવાદી વેઠશિબિરોમાંથી તેઓ જીવતા ઊગરી શક્યા હતા. તેમણે રોમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ અવૈતનિક નાટ્યજૂથો સાથે સંકળાયેલા હતા.
યુનિવર્સિટીના પ્રોત્સાહનથી તેઓ એક થિયેટ્રિકલ વૃંદમાં જોડાયા. 1947માં તેમણે ચલચિત્રમાં સૌપ્રથમ વાર અભિનય આપ્યો અને 1960માં ફેડેરિકો ફેલિનીના ‘લ ડૉલ્ચે વિતા’થી તો તેઓ આંતરરાષ્ટ્રીય તારક બની ગયા. એમાં પત્રકાર તરીકેના તેમના અભિનયથી તેઓ વિશ્વભરમાં પ્રતિષ્ઠા પામ્યા. તેમણે અનેક ચિત્રોમાં સોફિયા લૉરેન જેવી નામી અભિનેત્રી સાથે અભિનય કર્યો અને ‘ડાઇવૉર્સ, ઇટાલિયન સ્ટાઇલ’ (1962) અને ‘ડાર્ક આઇઝ’(1987)ના સંદર્ભમાં ઑસ્કર ઍવૉર્ડ માટે તેમનું નામાંકન (nomination) થયું હતું, જ્યારે એક ત્રસ્ત સમલિંગકામી વ્યક્તિ તરીકેના ‘એ સ્પેશલ ડે’ (1977)માંના તેમના અભિનય માટે ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. તેમનું છેલ્લું ચલચિત્ર ‘થ્રી લાઇવ્ઝ ઍન્ડ ઓન્લી વન ડેથ’ (1996) હતું.
મહેશ ચોકસી