મૅરી–1 (જ. 18 ફેબ્રુઆરી 1516, ગ્રિનિચ, લંડન; અ. 17 નવેમ્બર 1558, લંડન) : ઈ. સ. 1553થી 1558 સુધી ઇંગ્લૅન્ડ ઉપર રાજ્ય કરનાર પ્રથમ રાણી. એ ઇંગ્લૅન્ડના ટ્યૂડર વંશના પ્રસિદ્ધ રાજવી હેન્રી–8 અને ઍરેગોનની સ્પૅનિશ રાજકુમારી કૅથેરિનની પુત્રી હતી. એના ભાઈ એડ્વર્ડ–6ના અવસાન પછી લેડી જેન ગ્રેને ઇંગ્લૅન્ડની રાણી બનાવવામાં આવી હતી. પરંતુ પ્રજાનો વિરોધ થતાં 9 દિવસમાં જેનને દૂર કરી ટ્યૂડર વંશની મૅરી–1ને 1553માં ઇંગ્લૅન્ડની રાણી બનાવવામાં આવી.
મૅરી–1 રોમન કૅથલિક ચર્ચમાં અતિશય શ્રદ્ધા ધરાવતી હતી અને ઇંગ્લૅન્ડમાં એના પ્રચાર માટે એણે ઘનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. પ્રૉટેસ્ટન્ટ ધર્મને રાજ્યનો ધર્મ બનાવતા કાયદાને એણે રદ કર્યો. કૅથલિક ચર્ચમાં નહિ માનનારને સખત સજા કરતા કેટલાક કાયદાઓ એણે પુનર્જીવિત કર્યા. વળી એના સત્તાકાળ દરમિયાન રોમન કૅથલિક ચર્ચનો વિરોધ કરનાર 300 માણસોને જીવતા બાળી મૂકવામાં આવ્યા, જેમાં ટૉમસ ક્રેનમેર, નિકોલસ રિડલે અને હ્યુ લાટિમેરનો સમાવેશ થતો હતો. એ ઉપરાંત, ઘણા પ્રૉટેસ્ટન્ટપંથી પાદરીઓને ઇંગ્લૅન્ડમાંથી હદપાર કરવામાં આવ્યા હતા. મૅરીના આ ધાર્મિક જુલ્મોને લીધે ઇંગ્લૅન્ડમાં ‘લોહીતરસી મેરી’ (બ્લડી મેરી) તરીકે ઓળખાતી થઈ.
મૅરીએ સ્પેનના રાજા ફિલિપ–2 સાથે લગ્ન કર્યાં હતાં. ઇગ્લૅન્ડના લોકો સ્પેનને ઇંગ્લૅન્ડનું સૌથી મોટું દુશ્મન રાજ્ય ગણતા હતા. તેથી આ લગ્ન અળખામણાં બન્યાં. ફિલિપની ઇચ્છાથી મૅરીએ ફ્રાન્સ સામેના સ્પેનના યુદ્ધમાં ઇંગ્લૅન્ડને સ્પેનના પક્ષે સામેલ કર્યું; પરંતુ મૅરીનું અવસાન થતાં 1559માં આ યુદ્ધનો અંત આવ્યો અને તેમાં ફ્રાન્સનો વિજય થયો. મૅરી–1ને કોઈ સંતાન ન હતું તેથી તેના અવસાન પછી પ્રૉટેસ્ટન્ટધર્મી બહેન ઇલિઝાબેથ ઇંગ્લૅન્ડની રાણી બની, જે ઇલિઝાબેથ–1 તરીકે પ્રસિદ્ધ થઈ.
મુગટલાલ પોપટલાલ બાવીસી