મૅયોલ, ઍરિસ્ટાઇડ

February, 2002

મૅયોલ, ઍરિસ્ટાઇડ (Maillol, Eristide) (જ. 8 ડિસેમ્બર 1861, બેન્યુલ્સ-સર-મેર, ફ્રાન્સ; અ. 27 સપ્ટેમ્બર 1944) : પ્રતીકવાદી ફ્રેન્ચ શિલ્પી. તેમણે ‘ઇકૉલ દે બ્યા’ આર્ટ્ઝ ખાતે શિલ્પનો અભ્યાસ કર્યો. કારકિર્દીનો આરંભ પ્રતીકવાદી ચિત્રકાર તરીકે કર્યો. પ્રસિદ્ધ ફ્રેંચ શિલ્પી રોદ પાસે તેમણે શિલ્પકલાની તાલીમ લીધી. તેમની કલામાં ગ્રીક શિલ્પકલાની પ્રાથમિક જુનવાણી શૈલીની ભારોભાર અસર જોવા મળે છે. ગ્રીક કલા તથા સંસ્કૃતિ તેમ ઇતિહાસને લગતી પ્રશિષ્ટ શૈલી તરફનો તેમનો અણગમો તેમનાં શિલ્પ જોતાની સાથે જ દર્શક પામી જાય છે. મૅયોલનાં શિલ્પમાં પ્રાથમિક ગ્રીક શૈલીની માફક ગતિમયતા પર નહિ, પણ સ્થિરત્વ પર ભાર મુકાયો છે. ‘સીટેડ વુમન’ તેમનું પ્રખ્યાત શિલ્પ છે. ‘મેડિટરેનિયન’ (આ. 1901) નામનું તેમનું શિલ્પ ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક સિટી’ના કલાસંગ્રહમાં સ્થાન પામ્યું છે.

અમિતાભ મડિયા