મૅન્ડ્રિલ (Mandril) : લેથકાર્યમાં દાગીનાને પકડવાનું સાધન. લેથકાર્યમાં દાગીનાને પકડવા માટે અનેક જાતનાં ચક, ફેઇસ-પ્લેટ તેમજ મૅન્ડ્રિલનો ઉપયોગ થાય છે. જે દાગીનો પોલાણવાળો હોય અને પોલાણવાળા ભાગ(અંદરના ભાગ)નું ટર્નિંગ (બોરિંગ) થઈ ગયું હોય, પરંતુ બહારના ભાગનું ટર્નિંગ કરવાનું હોય તેવા દાગીનાને મૅન્ડ્રિલ પર પકડી રાખવામાં આવે છે. મૅન્ડ્રિલને લેથનાં બે સેન્ટરો વચ્ચે પકડી રખાય છે અને ત્યારબાદ તેના પર ચઢાવવામાં આવેલ દાગીનાનું બહારના ભાગે સહેલાઈથી ટર્નિંગ થઈ શકે છે.
ગિયર બ્લૅન્ક, પુલી, ફ્લેન્જ વગેરે મૅન્ડ્રિલ વડે ટર્નિંગ કરવાનાં સારાં ઉદાહરણો છે. મૅન્ડ્રિલના એક છેડે કૅરિયર (carrier) લગાડવામાં આવે છે અને સ્પિન્ડલ પર લગાવેલ કૅચ પ્લેટથી કૅરિયર ફરે છે અને કૅરિયરને લીધે મૅન્ડ્રિલ અને છેવટે તેના પર લગાવેલ દાગીનો ફરે છે.
સાદું મૅન્ડ્રિલ, ગૅંગ મૅન્ડ્રિલ, કોન મૅન્ડ્રિલ અને વિસ્તારી (expanding) મૅન્ડ્રિલ એમ મૅન્ડ્રિલના ચાર પ્રકારો છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ