મેન્ડેસ, ફ્રાન્સ પિયરે (જ. 11 જૂન 1907, પૅરિસ; અ. 18 ઑક્ટોબર 1982, પૅરિસ) : ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ધારાશાસ્ત્રી. યહૂદી વાંશિકતા ધરાવનાર આ નેતા તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. 18 વર્ષની નાની વયે તેમણે ડૉક્ટરેટ મેળવી, 21 વર્ષે સૌથી નાની વયના ધારાશાસ્ત્રી અને 25મા વર્ષે સૌથી નાની વયના સાંસદ (ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ, ફ્રાન્સની ધારાસભાનું નીચલું ગૃહ) બન્યા. 1932માં સાંસદ ચૂંટાયા ત્યારે તેઓ ઉદ્દામ સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં તેમણે ફ્રી ફ્રેન્ચ દળોમાં પાઇલટ તરીકે કામગીરી બજાવી હતી. 1945માં ચાર્લ્સ દ’ ગોલની સરકારમાં તેઓ રાષ્ટ્રીય અર્થતંત્રના મંત્રી હતા.

ફ્રાન્સ પિયરે મેન્ડેસ

1947માં વિશ્વબકમાં સભ્ય હોવા ઉપરાંત  1947થી 1950 દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની આર્થિક-સામાજિક સમિતિમાં ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોકશાહી નેતા તરીકે તેઓ લોકપ્રિય હતા અને 1954માં ફ્રાન્સના પ્રીમિયર (વડાપ્રધાનપદ-સમકક્ષનો હોદ્દો) તરીકે પસંદ થયા. આ જ વર્ષે જિનીવા પરિષદ દ્વારા હિંદી-ચીન વિસ્તારના યુદ્ધવિરામમાં સક્રિય કામગીરી બજાવી અને યુદ્ધનો અંત આણ્યો. આ સાથે ટ્યૂનિશિયાની સ્વતંત્રતાનો માર્ગ પણ તેમણે તૈયાર કર્યો. તેમણે વેસ્ટર્ન યુરોપિયન યુનિયનની રચનામાં મદદ કરી અને દૂરગામી આર્થિક સુધારાઓની ભલામણ કરી. 1954–55માં પ્રીમિયર અને વિદેશમંત્રી તરીકેની કામગીરી બજાવી ત્યારે તેમના પ્રધાનમંડળે ઉત્તર આફ્રિકામાં ઉદારમતવાદી નીતિ સ્વીકારી, જે ફ્રેન્ચ સંસદે માન્ય ન રાખી અને તેમની સરકારનું પતન થયું. ઉદ્દામ સમાજવાદી તરીકે અત્યાગ્રહી રૂઢિચુસ્તો સાથે સંઘર્ષ થતાં પક્ષમાં ભાગલા પડ્યા અને 1957માં પક્ષના નેતાપદેથી તેમણે રાજીનામું આપ્યું. 1958ની પુન: ચૂંટણીમાં તેઓ પરાજિત થયા. આ ચૂંટણીમાં ચાર્લ્સ દ’ ગોલનો વિરોધ કરી તેમણે યુનિયન ઑવ્ ડેમૉક્રૅટિક ફૉર્સિઝનું નેતૃત્વ કર્યું હતું. 1959માં દ’ ગોલસૂચિત ફ્રાન્સના પાંચમા પ્રજાસત્તાક બંધારણનો તેમણે વિરોધ કર્યો, જેને કારણે રેડિકલ સોશિયાલિસ્ટ પક્ષમાંથી તેમને દૂર કરવામાં આવ્યા. 1967માં દ’ ગોલ-વિરોધી નેતા તરીકે તેઓ સત્તા પર આવ્યા, પરંતુ 1968માં જ ચૂંટણી હાર્યા અને તેમણે રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું.

રાજકારણની વ્યસ્ત પ્રવૃત્તિ છતાં તેમણે પોતાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. ‘ઇકૉનૉમિક્સ ઍન્ડ ઍક્શન’ (1955), ‘ધ પર્સ્યૂટ ઑવ્ ફ્રીડમ’ (1956) અને ‘ધ મૉડર્ન ફ્રેન્ચ રિપબ્લિક’ (1963) તેમના જાણીતા ગ્રંથો હતા, જે ફ્રેન્ચ ભાષામાં રચાયા હતા અને પાછળથી અંગ્રેજી ભાષામાં અનૂદિત થયા હતા.

રક્ષા મ. વ્યાસ