મૅન્ગ્રોવ : સમુદ્રતટ ઉપર કળણભૂમિમાં થતો વનસ્પતિસમૂહ. તેને ચેરનાં કે ભરતીનાં જંગલો કહે છે. Rhizophora પ્રકારની વનસ્પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્ગલ’ (mangle) શબ્દનો ઉપયોગ અમેરિકનો, સ્પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્દનું પછી ‘મૅન્ગ્રોવ’(mangrove)માં રૂપાંતર થયું છે.
વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના 30થી વધારે દેશોનો લગભગ 99,300 ચોકિમી. વિસ્તાર રોકે છે. ભારતમાં અંદાજે 6,740 ચોકિમી. ચેર-વિસ્તાર છે. આંદામાન અને નિકોબારનો લગભગ 40 % દરિયાકિનારો 260 કિમી.ની ચેરની પટ્ટીથી ઢંકાયેલો છે. પશ્ચિમ બંગાળનું સુંદરવન ‘વૈશ્વિક વારસાના સ્થળ’ તરીકે પ્રસિદ્ધ છે, જે દુનિયાની નૈસર્ગિક અજાયબી ગણાય છે અને 2,123 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. સુંદરવનનાં ચેરનાં જંગલો ફળદ્રૂપ અને વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ઉભયજીવીઓ (amphibians), સરીસૃપો (reptiles), માછલીઓ અને ડૉલ્ફિન તથા શિશુમાર (પૉરપસ) જેવાં સસ્તનો અને હજારો જાતનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે. ગંગા, મહા નદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીના મુખત્રિકોણમાં અને આંદામાન-નિકોબારના ટાપુઓમાં જોવા મળતાં ચેરનાં જંગલોની દુનિયામાં સારામાં સારી જાતનાં ચેરનાં જંગલોમાં ગણના થાય છે.
સારણી 1 : ધ સ્ટેટ ઑવ્ ફૉરેસ્ટ રિપોર્ટ, 2001
ક્રમ | રાજ્યનું નામ | વિસ્તાર (ચોકિમી.માં) |
1. | આંદામાન અને નિકોબાર | 966 |
2. | આંધ્રપ્રદેશ | 383 |
3. | ગોવા | 006 |
4. | ગુજરાત | 1324.4 |
5. | કર્ણાટક | 005 |
6. | મહારાષ્ટ્ર | 124 |
7. | ઓરિસા | 211 |
8. | તામિલનાડુ | 2081 |
9. | પશ્ચિમ બંગાળ | 23 |
10. | પૉંડિચેરી (પુદુચેરી) | 001 |
કુલ | 5,124 |
સારણી 2 : ગુજરાતનો જાહેર કરેલ ચેર વનવિસ્તાર
ક્રમ | જિલ્લો | વિસ્તાર (ચોકિમી.) |
1. | જામનગર | 665.9 |
2. | કચ્છ | 529.5 |
3. | રાજકોટ | 77.7 |
કુલ | 1,324.4 |
દહેરાદૂનની 2001માં થયેલી મોજણી અનુસાર, ગુજરાતનો કુલ ચેર જંગલવિસ્તાર લગભગ 1,324.4 ચોકિમી. જેટલો છે.
સામાન્યત: ચેરનાં જંગલો જલાક્રાન્ત (water-logged) ભૂમિમાં થાય છે. આ ભૂમિ રેતાળ, કાદવવાળી અને લવણીય હોય છે; જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. સાપેક્ષ ભેજ ખૂબ વધારે હોય છે અને આખા વર્ષ દરમિયાન તાપમાનમાં ખાસ તફાવત પડતો નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અર્ધશુષ્ક અને શુષ્ક વિસ્તારો ગણાય છે. આ વિસ્તારોમાં બાષ્પીભવન(evaporation) અને બાષ્પોત્સર્જન(transpiration)ની પ્રક્રિયા નિતારણની પ્રક્રિયા કરતાં ઝડપી છે. બાષ્પીભવન અને સરેરાશ વાર્ષિક વરસાદ ઉપર જંગલો આધારિત હોવાથી આ વિસ્તારની આબોહવા ચેરનાં જંગલો માટે અનુકૂળ નથી.
ગીર ફાઉન્ડેશને 1999માં કરેલી એક મોજણી મુજબ ગુજરાતમાં ચેરનાં જંગલો કૉરીની ખાડી (કચ્છ), કચ્છના અખાતના જામનગર તેમજ કચ્છ બાજુના તટવર્તી પ્રદેશોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, ખંભાતના અખાતના તથા દક્ષિણ ગુજરાતની નર્મદા, કીમ, સેના, તાપી, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને વારોલી નદીઓના મુખત્રિકોણના પ્રદેશોમાં જોવા મળે છે.
75 % ચેરનાં જંગલો 25° ઉત્તર અક્ષાંશ અને 25° દક્ષિણ-અક્ષાંશ વચ્ચેના ઉષ્ણકટિબંધમાં દરિયાકિનારે જોવા મળે છે. ચેરના વિતરણને મર્યાદિત કરતાં અને તેના વ્યાપને નક્કી કરતાં પાંચ અગત્યનાં પરિબળોમાં (1) આબોહવા, (2) લવણતા (salinity), (3) ભરતીની વધઘટ, (4) માટી અને (5) પવનના વેગનો સમાવેશ થાય છે. વરસાદ અને તાપમાન ચેરની જાતોના મિશ્રણ અને ભૌગોલિક વિતરણ માટેનાં આબોહવાનાં પાયાનાં પરિબળો છે.
વાર્ષિક સરેરાશ વરસાદ (precipitation) અને બાષ્પીભવન-બાષ્પોત્સર્જન (etp) ગુણોત્તર પ્રમાણે ચેરનાં જંગલોનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે :
(i) ભેજવાળાં ચેરનાં જંગલ : આ પ્રકારનાં જંગલો ગરમ ભેજવાળા પ્રદેશોમાં, હૂંફાળા ગરમ શિયાળુ તાપમાનમાં અને 20° સે.થી વધારે સરેરાશવાળા તાપમાનમાં આવેલાં છે. દુનિયાનાં 90 % જંગલો, આંદામાન-નિકોબાર ટાપુનાં ભરતીનાં જંગલો અને પશ્ચિમ બંગાળનાં જંગલો વધુ વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે. તેનો P/etp = 0.75 છે.
(ii) આંશિક ભેજવાળા પ્રદેશનાં ચેરનાં જંગલ : આ પ્રદેશોમાં મધ્યમથી વધારે વરસાદ પડે છે. ગોદાવરી, ગોવા, તામિલનાડુ, ઓરિસા અને મહારાષ્ટ્રનાં ચેરનાં જંગલો આ પ્રકારમાં આવે છે. કેન્યા, ટાન્ઝાનિયા, વેસ્ટ ઇંડિઝ, ઑસ્ટ્રેલિયા, વેનેઝુએલા અને મેક્સિકોમાં પણ આ પ્રકારનાં ચેરનાં જંગલો જોવા મળે છે. તેનો p/etp = 0.5 છે.
(iii) અર્ધશુષ્ક પ્રદેશનાં ચેરનાં જંગલ : આ પ્રકારમાં ઉનાળો ખૂબ ગરમ અને શિયાળો ખૂબ ઠંડો અને વરસાદ ઓછો હોય છે. સૌરાષ્ટ્ર, કચ્છનો અખાત અને પાકિસ્તાનનો સિંધુ નદીનો મુખપ્રદેશ આ પ્રકારમાં આવે છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને વિષુવવૃત્તના કેટલાક ભાગોમાં આ પ્રકારનાં જંગલ જોવા મળે છે. તેનો p/etp = 0.3થી 0.5 છે.
(iv) શુષ્ક પ્રદેશનાં ચૅરનાં જંગલ : ઓછો વરસાદ, ઉનાળા અને શિયાળાના તાપમાનમાં મોટો તફાવત હોય તેવી પરાકાષ્ઠાવાળી આબોહવામાં આ પ્રકારનાં જંગલો થાય છે. રાતો સમુદ્ર, પર્શિયન અખાત અને કૅલિફૉર્નિયામાં આ પ્રકારનાં જંગલો થાય છે.
વૃક્ષની જાતિઓની સંખ્યા વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી સમશીતોષ્ણ પ્રદેશ તરફ જતાં ઓછી થતી જાય છે. 1983માં વૈશ્વિક કોલંચાંકની ગણતરી મુજબ વિશ્વમાં 16 કુળ હેઠળ ચેર-વિસ્તારની કુલ 60 ચેરની મુખ્ય જાતિઓ (core-species) નિર્ધારિત થયેલી છે. યુનેસ્કો (1986) દ્વારા 65 જાતિઓ સ્વીકૃત થયેલી છે, જ્યારે તમિલ્સન (1986) દ્વારા 48 જાતિઓ ઓળખાયેલ છે. એક નોંધ પ્રમાણે, એશિયા ખંડની 44 મુખ્ય જાતિઓ પૈકી ભારતમાં 32 જેટલી જાતિઓ ઉપલબ્ધ છે. ન્યૂ જિનીવામાં 37 મુખ્ય જાતિઓ(13 કુળ)નું વિતરણ થયેલું છે. એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળ અને આંદામાન-નિકોબારમાં 39 જેટલી જાતિઓ મળે છે.
ચેરનાં જંગલોમાં જોવા મળતી કેટલીક જાતિઓ આ પ્રમાણે છે : Avicennia alba; A. marina (Forsk.) Vierh. (મકાડ અને ભૂરાડી); A. officinale Linn. (તવરિયા, તીવાર); Rhizophora apiculata Blume (નવી કાંડેલ); R. mucronata Lam. (કરાડ, વાસ્તવિક ચેર); Ceriops roxburghiana Arn. (બારાગોરન); C. tagal (Perr.); C. B. Robbins (ગોરન, કનારી); Bruguiera; cylindrica (Linn.) Blume (કાકંડન); B. gymnorhiza Lam. (ચીતલેરી, સનવર); B. parviflora Wight & Arn. ex Griff. (વુરાડા); Sonneratia alba Sm. (ઉરાવા); S. apetala Buch–Ham. (કાંડેલ, કિયોરા); S. caseolaris Engl. (ઓર્ચા.); Aegiceras corniculatum Gaertn. (હાલ્સી, ચાવરિયો) અને Acanthus ilicifolius Linn (હરગોઝા, મરાન્ડી) છે.
ચેરની સાથે થતી કેટલીક સહચારી (associated) જાતિઓ આ પ્રમાણે છે : Arthrocnemum indicum (Willd.) Moq.; Pepidium maritimum (L. f.) Wettst.; Ipomoea pescaprae (Linn.) Sweet. (માજુવેલ); Pentatropis capensis (Linn. f.) Bullock. (શિંગ્રોતી); Clerodedrum inerme (Linn.) Gaertn. (વનજાઈ, વિલાયતી મેંદી); Suaeda maritima Dum. (લાનો.); S. fruiticosa Forsk. Ex. J. F. Gmel. S. nudiflora Moq. Sesuvium portulacastrum Linn. (મંજાર); Desmostachya bipinnata Stapf. (ડાભડો); Salvadora persica Linn. (ખારી પીલુ); Aeluropus lagopoides (ચાર); Porteresia coaractata (ચારો ઘાસ); Thespesia populnea Soland. Ex Correa (પારસપીપળો); Cyperus Spp. (આલ); Dichanthium aristatum (માવલ); Salicornia brachiata Roxb. (મુચુલ); Atriplex stocksil; Tamarix dioica Roxb. (લાલ-જવ); Alhagi pseudalhagi (Bieb.) Desv. Capparis decidua (Forsk.) Edgew. (કેરડો); Cassia italica (Mill.) Lam.; Cenchrus biflorus Roxb.; Chloris villosa (Desf.) Pers.; Corchorus depressus (L.) Stocks. : Cressa critica L.; Cyperus bulbosus Vahl.; Diplachne fersca (L.) Beauv.; Fimbristylis cymosa R. Br.; Indigofera oblongifolia Forsk.; Juncus maritimus L.; Malachra capitata L.; Lycium barbarum L.; Scirpus tuberosus Desf.; Sporobolus maderaspatenus Bor.; Trianthema triquerta Rottl. & Willd.; Urochondra setulosa (Trin.) C. R. Hubb.
ચેર(Avicennia officinalis)નું કાષ્ઠ બરડ અને મોટી સ્થૂલ-કણીય (coarse grained) હોવાથી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કાષ્ઠનાં વલયોની સંરચના આકર્ષક હોવાથી નાના કબાટ બનાવવામાં ઉપયોગી છે. કાષ્ઠમાં સેલ્યુલોસનું પ્રમાણ 54.7 % જેટલું હોય છે. કાષ્ઠની ભસ્મમાં આલ્કલીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેની છાલમાં 2.5 % જેટલું ટૅનિન અને ટૅનિન સિવાયનો પદાર્થ લગભગ 12 % જેટલો હોય છે. ફળનો અંદરનો ગર કડવો હોવા છતાં તે ખાવામાં વપરાય છે. તેનાં પર્ણો ઢોરોના ચારા માટે ઉપયોગી છે. તેના થડની છાલમાંથી નીકળતી રાળ (resin) લીલાશ પડતી કડવી અને સુગંધિત ગુંદર જેવી હોય છે અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે.
કાંટાળો (Acanthus ilicifolius) : સદાહરિત કાંટાળો ક્ષુપ છે. તેના ટુકડા કરી ઢોરોને ખવડાવી શકાય છે. તેનાં પાંદડાં આમવાત (rheumatism) અને તંત્રિકાબંધ(neuralgia)માં ઉપયોગી છે.
ચાવરિયા(Agiceras corniculata)ની છાલનો માછલી મારવાના ઝેર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. છાલમાં 7.8 % સૅપોનિન અને રાળ જેવો પદાર્થ હોય છે. ઉપરાંત તે 6.6 % ટૅનિન અને 15.9 % જલદ્રાવ્ય ટૅનિનરહિત પદાર્થો ધરાવે છે. જોકે છાલમાં ચર્મશોધનની ઓછી ગુણવત્તા હોય છે. ફળની છાલમાં સૅપોનિન હોતું નથી. પરંતુ અંદરના ગરમાં છાલ જેવું સૅપોનિન હોય છે. કાષ્ઠ રતાશ પડતું કે ઘેરા કથ્થાઈ રંગનું સખત અને 640 કિગ્રા./ઘમી. વજન ધરાવે છે. તેનો ઉપયોગ ઝૂંપડીઓ બનાવવા માટે અને બળતણ તરીકે થાય છે.
ચીતલેરી(Bruguiera gymnorhiza)ની છાલમાં ટૅનિન 28.0 %થી 32.2 % જેટલું હોય છે. તેનાં પર્ણોમાંથી પણ સીધેસીધું ટૅનિન કાઢી શકાય છે. તેના નાના વૃક્ષની શુષ્ક છાલમાં વધારેમાં વધારે 62 % સુધી ટૅનિન હોય છે. કાષ્ઠનો ઉપયોગ ઘરબાંધકામ, થાંભલીઓ, પાટ, બારી-બારણાં અને ફ્રેમ બનાવવામાં અને બળતણમાં થાય છે.
કરાડ(Rhizophora mucronata)નું રસકાષ્ઠ (sapwood) કાળા પટ્ટા ધરાવતું હોવાથી તે સુંદર દેખાય છે. તે બાંધકામ, પુલ, ખાણો, નાળાંઓ માટે પાટડા અને થાંભલીઓ બનાવવામાં ઉપયોગી છે. છાલ અને કાષ્ઠમાં કાપા મૂકી ટૅનિનનું નિષ્કર્ષણ કરી શકાય છે. તેની શાખાની શુષ્ક છાલમાં લગભગ 46.5 % જેટલું ટૅનિન હોય છે. તેની છાલ સ્નાયુસંકોચન અને રુધિર વહી જતું અટકાવે છે; તેથી રક્તસ્રાવ(haemorrhage)માં તેનો ઉપયોગ થાય છે. ફળ મીઠાં અને ખાદ્ય હોય છે. મંદ દારૂમાં તેનો રસ બનાવવામાં આવે છે. તાજી કલિકાઓ શાકભાજી તરીકે ઉપયોગી છે. તેનાં પુષ્પમાંથી એકત્રિત કરેલું મધ ઝેરી હોય છે.
કાંડેલ (Sonneratia apetala)નું કાષ્ઠ સુવેષ્ટન(packing)માં ઉપયોગી છે. તેનો ઉપયોગ ઘરબાંધકામ, વહાણવટા, રાચરચીલું અને બૉબિન બનાવવામાં થાય છે. થડની છાલમાં 11.0 %થી 16.0 % જેટલું ટૅનિન હોય છે.
કનારી(Ceriops tagal)ની છાલ ચાંદા(ulcer)માં ઉપયોગી છે. તેનું કાષ્ઠ ઘરબાંધકામ અને વહાણની નીચે ઘૂંટણીઓ બનાવવામાં ઉપયોગી છે. તે ઉચ્ચ કૅલરી ધરાવતું હોવાથી તેનો બળતણમાં અને કોલસા બનાવવામાં ઉપયોગ થાય છે.
ગુજરાતમાં ચેરનાં જંગલોના નાશ માટે તેનું ઉચ્છેદન અને ઊંટ-ચરિયાણ મૂળ કારણો છે. તેના સંરક્ષણ માટે આ વિસ્તારોમાં વિકાસ-પ્રવૃત્તિઓને અંકુશિત કરવી આવશ્યક છે. આ વિકાસ-પ્રવૃત્તિઓમાં બંદરોનો વિકાસ અને ગોદીઓ, પાઇપલાઇન તથા અન્ય બાંધકામોનો તેમજ મીઠાના અગરોના નિર્માણનો સમાવેશ થાય છે. ચેરનાં જંગલોમાં જ્યાં ખાલી જગાઓ હોય ત્યાં વનીકરણ જરૂરી છે. કરાડ, કનારી અને ચાવરિયો જેવી ભયાપન્ન (endangered) જાતિઓનું સંરક્ષણ અને સંવર્ધન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવું જોઈએ. ચેરનાં જંગલોના પ્રબંધ માટે માછીમારો તેમજ અન્ય કાંઠાવિસ્તારની પ્રજાનો સહયોગ અત્યંત આવશ્યક છે. દરિયાઈ પર્યાવરણ, દરિયાઈ જીવોની પર્યાવરણીય જરૂરિયાતો તેમજ એકબીજા વચ્ચેના સંબંધની સમજ ચેરનાં જંગલોના સંરક્ષણના કાર્યક્રમના અમલ માટે જરૂરી પરિબળ છે. તે માટે કર્મચારીઓને સંરચનાત્મક તાલીમ આપવાની તેમજ દરિયાકાંઠે વસતા લોકોને ચેરના વિનાશથી માછલીઓ ઉપરાંત અન્ય દરિયાઈ જીવો ઉપર વિપરીત અસર થાય છે તે સમજાવવાની જરૂરિયાત રહે છે. તેમને આ કાર્યક્રમ દ્વારા રોજગારીની તકો મળે તેવું અર્થપૂર્ણ શિક્ષણ અપાય એ જરૂરી છે. ચેરનાં જંગલોના પ્રબંધની સાથે તેમના સંરક્ષણ અને વિકાસ માટે સંશોધનના કાર્યક્રમને સંયોજિત કરવો આવશ્યક છે. ચેરની જાતો, દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાળાંઓ અને પક્ષીઓ તેમજ દરિયાકાંઠાના જલપ્લાવિત વિસ્તારને લગતા વિવિધ વિષયો બાબતે સંશોધનકાર્ય હાથ ધરાય એ જરૂરી છે. ગુજરાતમાં નવાબંદરથી પિરોટનની ખાડી અને અન્ય ટાપુઓના ચેરના વિસ્તારમાં પારિસ્થિતિક વિકાસ (eco-development) હેઠળ પ્રવાસન વિકસાવવામાં આવે એ ઇષ્ટ છે.
બળદેવભાઈ પટેલ