મૅકેન્લી, હર્બ (જ. 10 જુલાઈ 1922, ક્લૅરન્ડન, જમૈકા; અ. 26 નવેમ્બર 2007, જમૈકા) : જમૈકાના દોડવીર. 400 મી. (1948–50) તથા 440 વાર(1947–56)ની સ્પર્ધાઓમાં તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

ઇલિનૉઇ યુનિવર્સિટી તરફથી સ્પર્ધામાં ભાગ લઈને તે 220 વાર(1947–48)ની સ્પર્ધા માટે ‘નૅશનલ કૉલેજિયેટ ઍથ્લેટિક ઍસોસિયેશન ચૅમ્પિયન’ બન્યા અને 440 વાર (1945; 1947–48)ની સ્પર્ધામાં ‘ઍમટર ઍથ્લેટિક યુનિયન ચૅમ્પિયન’ બન્યા. 1948માં 400 મી.ની દોડમાં તેમણે હાંસલ કરેલ વિશ્વવિક્રમ પેટે 45.9 સેકન્ડનો સમય લીધો હતો; જ્યારે 440 વારની સ્પર્ધામાં તેમણે 1948માં વિશ્વવિક્રમ માટે 46 સેકન્ડ જ લીધી હતી.

જમૈકા તરફથી તેમણે ઑલિમ્પિકની દોડ-સ્પર્ધામાં પણ ભાગ લીધો અને 1948માં લંડન ખાતેની આ રમતોમાં 400 મી. દોડની સ્પર્ધામાં રજત ચંદ્રકના વિજેતા બન્યા તેમજ હેલસિન્કી ખાતેની 1952ની રમતોમાં 400 મી. અને 100 મી.ની દોડમાં રજત ચંદ્રકોના વિજેતા બન્યા; વળી 4 × 400 મી.ની દોડની રિલે ટીમના દોડવીર તરીકે સુવર્ણ ચંદ્રકના વિજેતા નીવડ્યા; આ ટીમે આ દોડમાં 3 મિનિટ 3.9 સેકન્ડનો વિશ્વવિક્રમ સ્થાપ્યો અને તે 1960 સુધી અતૂટ રહ્યો. તેમણે જમૈકન નૅશનલ ટીમના કોચ તરીકે 1954થી 1973 સુધી કાર્ય કર્યું. જમૈકન એમેચ્યોર ઍથ્લેટિક ઍસોસિએશનના પ્રમુખ રહ્યા. તેમને 2004માં જમૈકા ઑર્ડર ઑફ મેરીટથી નવાજવામાં આવ્યા.

મહેશ ચોકસી