મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની

February, 2002

મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની (જ. 7 જૂન 1868, ગ્લાસગો, પ. સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 10 ડિસેમ્બર 1928, લંડન, યુ.કે.) : જાણીતા સ્થપતિ, ડિઝાઇનકાર અને ચિત્રકાર. પ્રારંભમાં તેઓ ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે સાંજના વર્ગોમાં જોડાયા હતા. 1889માં હનીમૅન ઍન્ડ કૅપલ નામની વિખ્યાત પેઢીમાં જોડાયા. 1900માં તેમણે માર્ગારેટ મૅકિનટૉશ સાથે લગ્ન કર્યાં અને તે યુગલે ગાઢ સહકારથી સ્થાપત્યક્ષેત્રે કાર્ય કર્યું.

ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ (મૅક્ન્ટિૉશનું સ્કૉટિશ સ્થાપત્યકલાસર્જન)

તેઓ ‘ગ્લાસગો સ્ટાઇલ’ના પ્રણેતા અને અગ્રણી લેખાયા. મૂળ તો આ ઝુંબેશ અને શૈલી ‘આર્ટ નુવો’ સાથે સંકળાયેલ છે. યુરોપિયન ડિઝાઇન પરત્વે તેમાંની કામગીરી તથા શૈલીનો ભારે પ્રભાવ પડ્યો છે; તેમાં ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ તથા હૅલેન્સબર્ગ ખાતેના હિલહાઉસનો સમાવેશ થાય છે. તેમની ડિઝાઇનોમાં આંતરિક સુશોભન, કાપડ, ફર્નિચર અને ધાતુકામની ચીજવસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. 1900માં તેમણે વિયેના ખાતે પ્રદર્શન યોજ્યું હતું. ઉત્તરાર્ધનાં વર્ષોમાં તેઓ ચિત્રકામ તરફ વળ્યા અને 1923–27 દરમિયાન સંખ્યાબંધ જળરંગી ચિત્રો બનાવ્યાં. 1914માં તેઓ ગ્લાસગોથી લંડન જઈને વસ્યા.

સ્નેહલ શાહ