મૅકવર્ટર, નૉરિસ (જ. 12 ઑગસ્ટ 1925, Enfield, યુ.કે.; અ. 19 એપ્રિલ 2004, Kington Langlcy યુ.કે.) : બ્રિટનના પ્રકાશક, લેખક, પત્રકાર અને પ્રસારણકર્તા. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1955થી ’86 દરમિયાન કૌટુંબિક વ્યવસાયના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. પોતાના જોડિયા ભાઈ રૉસ મૅકવર્ટર(1925–75)ના સહયોગમાં તેમણે 1950માં માહિતી-સેવા(information service)ની શરૂઆત કરી અને તેનું નામ આપ્યું – મૅકવર્ટર ટ્વિન્સ લિમિટેડ. ગિનિસ બ્રૂઅરિઝ તરફથી વિવિધ વિક્રમોને લગતું એક પુસ્તક સંપાદિત કરવા માટે તેમને આમંત્રણ મળ્યું અને આ રીતે ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકર્ડ્ઝની 1954માં પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ.
નૉરિસ 1954થી ’86 સુધી તેના સંપાદક રહ્યા પછી ગિનિસ પબ્લિકૅશન્સ લિમિટેડના ડિરેક્ટર છે. 1951–67 દરમિયાન તેમણે રમતગમતના ક્ષેત્રે પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી અને 1960–72 દરમિયાન રમતગમતના પ્રસારણ-સમીક્ષક પણ રહ્યા હતા.
‘ધ રેકર્ડ બ્રેકર્સ’ નામની શ્રેણીના તેઓ સહપ્રસ્તુતકર્તા હતા (1972–94).
મહેશ ચોકસી