મૅકવાન, જૉસેફ ઇગ્નાસ (જ. 9 ઑક્ટોબર 1936, ઓડ; અ. 28 માર્ચ 2010, આણંદ) : ગુજરાતી નવલકથાકાર. બાળપણ ગરીબીમાં વીત્યું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તુરત જ નોકરી સ્વીકારી. પ્રાથમિક શાળાના શિક્ષકની તાલીમ પણ મેળવી. હાઈસ્કૂલમાં કે કૉલેજમાં ગયા વગર બહારથી પરીક્ષા આપીને એમ.એ.; બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા પછી ડાકોરની કૉલેજમાં થોડા વખત માટે હિન્દી વિષયના અધ્યાપક તરીકે કામ કરી ફરી પાછા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં શિક્ષકની નોકરીની સાથે સાથે સામાજિક સુધારણાની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.

લેખનપ્રવૃત્તિનો પ્રારંભ 1956થી કર્યો. એમણે લખેલાં ચરિત્રનિબંધો ‘વ્યથાનાં વીતક’(1985)માં સંગૃહીત થયાં છે; જેમાં આજ સુધી અગોચર રહેલી દુનિયાની વાતોનું નિરૂપણ છે. આ કૃતિની છ આવૃત્તિઓ થઈ છે. ‘વહાલનાં વલખાં’ (1987) તેમનો ચરિત્રગ્રંથ છે.

‘જન્મભૂમિ પ્રવાસી’ના તેઓ કટારલેખક હતા. તેમણે નવલકથા, ચરિત્ર, નિબંધ અને વાર્તાસંગ્રહો આપેલાં છે. તેમની જાણીતી નવલકથા ‘આંગળિયાત’(1986)માં લેખકે બે કોમ વચ્ચેનો સંઘર્ષ નિરૂપ્યો છે. એક જાનપદી નવલકથા તરીકે તેનું મૂલ્ય છે. આ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમી – દિલ્હીનું ’89નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. નવલકથાની સ્પર્ધામાં આ નવલકથાને પ્રથમ પારિતોષિક મળેલું છે. તેમની અન્ય નવલકથાઓ ‘મારી પરણેતર’ (1988), ‘મનખાની મિરાત’ (1991), ‘બીજ-ત્રીજનાં તેજ’ (1995) અને ‘કમાવત’ (1996) છે. તેમની એક નવલકથા ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (1986) આત્મકથાત્મક શૈલીમાં લખાયેલી છે. નારીવાદના અવાજને ઉઠાવતી ‘માવતર’ અને ‘દાદાનો દેશ’ પણ ઉલ્લેખનીય છે. તેમની આ નવલકથાઓમાં નારીજીવનની દયનીય સ્થિતિનું ચિત્રણ છે.

જૉસેફ મૅકવાને રેખાચિત્રો પણ આપ્યાં છે. ‘વ્યથાનાં વીતક’ ઉપરાંત ‘મારી ભિલ્લુ’, ‘જનમજલાં’, ‘માણસ હોવાની યંત્રણા’ અને ‘ન યે ચાંદ હોગા’ ચરિત્રસાહિત્યમાં માનભર્યું સ્થાન પામે તેવા ચરિત્રસંગ્રહો છે.

‘સાધનાની આરાધના’, ‘આગળો’ (1990) અને ‘પન્નાભાભી’ (1993) તેમના વાર્તાસંગ્રહો તો ‘પગલાં પ્રભુનાં’ (1993) અને ‘વ્યતીતની વાટે’ (1992) તેમના નિબંધસંગ્રહો છે. ‘ભાલનાં ભોમભીતર’ ગોલાણાના નિર્મમ હત્યાકાંડનો દસ્તાવેજી ચિતાર આપતું પુસ્તક છે. ‘વહેલી પરોઢનું વલોણું’, ‘અનામતની આંધી’ અને ‘અમર સંવેદન કથાઓ’ તેમના સંપાદિત ગ્રંથો છે. તેમાં એમની સામાજિક નિષ્ઠા છતી થાય છે.

જૉસેફ મૅકવાનની કૃતિઓને વિવિધ પુરસ્કારો મળેલા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો પણ મળેલા છે. સંસ્કાર ઍવૉર્ડ, જૈન સમાજનો સુવર્ણચંદ્રક પણ તેમને મળ્યા છે. 1990ની સાલનો ગુજરાત સાહિત્ય સભા તરફથી ધનજી કાનજી ગાંધી ચંદ્રક પણ તેમને મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ક. મા. મુનશી સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. તેમને દર્શક ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જૉસેફ મેકવાન સાહિત્યમાં જાણીતા છે દલિત સર્જક તરીકે.

નલિની દેસાઈ