મૅકલીન, શર્લી (જ. 24 એપ્રિલ 1934, રિચમૉન્ડ; વર્જિનિયા) : જાણીતાં ફિલ્મ-અભિનેત્રી. નાનપણથી જ તેમણે નૃત્ય શીખવા માંડ્યું હતું. 1950માં ન્યૂયૉર્ક સિટી ખાતે ‘ઑક્લહામા કોરસ’માં તેઓ જોડાયાં અને એ મનોરંજનના ક્ષેત્રે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ‘ધ પાજામા ગેમ’ (1954) નામક ચિત્રમાં તેમનું સ્થાન મૂળ અભિનેત્રીના વિકલ્પ તરીકે અભિનય-અભ્યાસ (understudy) કરતાં રહેવાનું હતું; પણ મૂળ અભિનેત્રીનો પગ ભાંગી જવાથી તેમને એ પાત્ર કરવાની તક મળી. તેમનો એ અભિનય એટલો પ્રભાવક હતો કે તેમને અભિનેત્રી તરીકે લાંબી મુદત માટે પછીથી કરારબદ્ધ કરી લેવામાં આવ્યાં. તેના પરિણામે તેમની ફિલ્મ-કારકિર્દી બરોબર વિકસી.
‘ધ ટ્રબલ વિથ હૅરી’ (1955). ‘ઇર્મા લ ડ્યૂસ’ (1963) તથા ‘સ્વીટ ચૅરિટી’ (1969) જેવાં ચલચિત્રોમાં તેમનો અભિનય ખૂબ વખણાયો. ‘ટર્મ્સ ઑવ્ એન્ડિયરમેન્ટ’ (1983) માટે તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી