મૅકમિલન, (મૉરિસ) હૅરોલ્ડ (જ. 10 ફેબ્રુઆરી 1894 બલ્ગેરિયા મિડલસેક્સ ઈંગ્લેન્ડ; અ. 29 ડિસેમ્બર 1986 ચેલવૂડ ગેટ, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લેન્ડ) : સ્ટૉક્ટનના પ્રથમ અર્લ અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન. તેમણે રૂઢિચુસ્ત પક્ષના સાંસદ તરીકે 1924થી 1929 અને 1931થી 1945 સુધી કામગીરી બજાવી. 1945થી 1964 દરમિયાન તેમણે સંસદમાં બ્રૂમલે વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. 1951થી 1954 સુધી વસવાટમંત્રી તરીકે તેમણે દર વર્ષે 3,00,000 નવાં રહેઠાણ બંધાવ્યાં હતાં.

(મૉરિસ) હૅરોલ્ડ મૅકમિલન
1955માં વિદેશમંત્રી અને 1955થી 1957 નાણામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી. સુએઝ કટોકટીને કારણે વડાપ્રધાન ઍન્થની ઈડને રાજીનામું આપતાં, તેઓ વડાપ્રધાન તરીકે પક્ષની પસંદગી પામ્યા. 1959ની ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ હેઠળ રૂઢિચુસ્ત પક્ષ વિજેતા બન્યો. પક્ષનું સૂત્ર હતું, ‘આથી વધુ અનુકૂળ સંજોગો હોઈ શકે નહિ.’ (You’ve never had it so good). આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં આફ્રિકામાં ‘પરિવર્તનનો વાયરો’ ફૂંકાઈ રહ્યો હતો ત્યારે તેનો સ્વીકાર કરવાની સમજ અને ઉદારતા કેળવી તેમણે આફ્રિકાનાં સંસ્થાનોની સ્વતંત્રતા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. 1963માં યુરોપિયન આર્થિક સમુદાય(European Economic Community)માં પ્રવેશ મેળવવા તેમણે મથામણ કરી. પરંતુ ફ્રાંસના પ્રમુખ ચાર્લ્સ દ’ ગોલના અવરોધોને કારણે તે શક્ય ન બની. દીર્ઘર્દષ્ટિભર્યા રાજકારણી તરીકે આ જ વર્ષે તેમણે અમેરિકાના પ્રમુખ જૉન કેનેડી સાથે આંશિક અણુપ્રસાર-બંધીની વાત ચલાવેલી, પણ આંતરરાષ્ટ્રીય વાતાવરણ તેમની તરફેણમાં નહોતું. બ્રિટને અમેરિકા પાસેથી પોલારિસ મિસાઇલ્સની ખરીદી કરેલી, જેમાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. બ્રિટનના જાણીતા કાર્ટૂનિસ્ટ વિકીએ તેમને ‘સુપરમૅક’નું ઉપનામ આપ્યું હતું. એમને 1984માં ‘અર્લ’નો ખિતાબ આપવામાં આવેલો.
તેમનાં જીવનનાં સંસ્મરણો ચાર ગ્રંથોમાં પ્રગટ થયાં છે; (1) ‘વિન્ડ્ઝ ઑવ્ ચેઇન્જ, 1914–39’ (1966), (2) ‘ધ બ્લાસ્ટ ઑવ્ વૉર, 1939–45’ (1967), (3) ટાઇડ્ઝ ઑવ્ ફૉરચ્યૂન, 1945–55’ (1969), (4) રાઇડિંગ ધ સ્ટૉર્મ’, 1956–59 (1971).
રક્ષા મ. વ્યાસ