મૅકડૉનલ, એ. (જ. 7 માર્ચ 1844; અ. 9  જૂન 1925, લંડન) : દુષ્કાળ પડે ત્યારે કરવા જેવાં કાર્યો સૂચવવા માટે ઈ. સ. 1900માં ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને નીમેલા કમિશનના પ્રમુખ. ઈ. સ. 1898–99માં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશ(સંયુક્ત પ્રાંતો)માં સફળ કામગીરી કરી હતી. તેમના પ્રમુખપદ હેઠળ આ કમિશને 1901માં પોતાનો હેવાલ પ્રગટ કર્યો. તાત્કાલિક રાહત માટે તેમણે સૂચવેલાં કાર્યોમાં મહેસૂલ મોકૂફ રાખવું, ઢોર તથા બિયારણ ખરીદવાં નાણાં વહેંચવાં, કૂવા ઊંડા કરાવવા, રાહતકાર્યો વધુ કરવાનાં હોય તે પ્રાંતમાં એક ફૅમિન-કમિશનર નીમવો વગેરેનો સમાવેશ થતો હતો. મદદ કરી શકે એવી બિનસરકારી સંસ્થાઓની વિસ્તૃત યાદી બનાવીને તેમને પણ કામ સોંપવું. વળી ગામડાંઓમાં રાહતકાર્યો વધુ શરૂ કરવાં, ખેતીવાડી-બૅંકો સ્થાપવી, સિંચાઈનાં કામોને વેગ આપવો, પાણીનો સંગ્રહ કરવા લોકોને પ્રોત્સાહન આપવું, ખેતીની સુધારેલી પદ્ધતિનો અમલ કરવો – આ બધાં સૂચનો પ્રાંતોના ફૅમિન-કોડમાં ઉમેરી લેવામાં આવ્યાં. ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને આમાંથી ઘણાખરાં સૂચનોનો અમલ પણ કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ