મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન (જ. 10 જૂન 1929, શિકાગો, અમેરિકા; અ. 13 ઑક્ટોબર 2022 ટક્સન, ઍરિઝોના, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. અમેરિકાના હવાઈ દળમાં તે 1951માં જોડાયા; કોરિયામાં યુદ્ધવિષયક કામગીરી અંગે 150 જેટલાં ઉડ્ડયન કર્યાં; 1959માં મિશિગન યુનિવર્સિટીમાંથી તે ઇજનેરીના વિષયમાં સ્નાતક થયા. એડ્વર્ડ્ઝ એરફૉર્સ બેઝ, કૅલિફૉર્નિયા ખાતે તે પ્રાયોગિક ધોરણે ટેસ્ટ પાઇલટ હતા ત્યારે 1962માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી થઈ.
જેમિની 4ના ઉડ્ડયન(3 જૂન 1965)ના તે મુખ્ય પાઇલટ હતા. આ ઉડ્ડયન દરમિયાન એક અમેરિકન અવકાશયાત્રી તરીકે તેમણે સૌપ્રથમ વાર અવકાશમાં પગ મૂક્યો હતો. એપૉલો 9ના ઉડ્ડયન(3 માર્ચ, 1969)ના પણ તે કમાન્ડર હતા. ત્યારબાદ તે એપૉલો સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામના મૅનેજર બન્યા અને 1972માં અમેરિકાના હવાઈ દળમાંથી બ્રિગેડિયર જનરલ તરીકે નિવૃત્ત થયા.
મહેશ ચોકસી