મૅકડૂગલ, વિલિયમ (જ. 22 જૂન 1871, ચેડરટન, ઇંગ્લૅન્ડ; અ. 28 નવેમ્બર 1938, ડરહામ, નૉર્થ કૅરોલાઇના, યુ.એસ.) : બ્રિટનમાં જન્મેલા અમેરિકન મનોવિજ્ઞાની અને મનોવિજ્ઞાનના હેતુવાદી સંપ્રદાયના સ્થાપક. એમનો જન્મ લૅંકેશાયર પરગણામાં ઓલ્ડહામ પાસેના ચેડરટન ગામમાં એક રસાયણશાસ્ત્રીને ત્યાં થયો. નાનપણથી જ તેમણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનપિપાસાનો પરિચય આપવા માંડ્યો. 15 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય તરીકે જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અગ્રણી વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓના સિદ્ધાંતો અને ધાર્મિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. આ વિવિધ અભ્યાસોના પરિપાક રૂપે તેમણે મનોવિજ્ઞાન વિશે આગવી સમજ મેળવી અને માત્ર 17મા વર્ષે યુનિવર્સિટીની પદવી મેળવી.

અભ્યાસના અંતે તેઓ કેમ્બ્રિજ સેંટ જૉન કૉલેજમાં ફેલો બન્યા. યુનિવર્સિટીમાં પ્રાયોગિક અને શારીરિક મનોવિજ્ઞાનના અધ્યાપનનો આરંભ કરાવવામાં તેમનો મોટો ફાળો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની વચ્ચે આવેલા ટૉરસ સ્ટ્રેઇટ વિસ્તારમાં વસતા લોકોના નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટે મોકલેલા જૂથમાં તેઓ જોડાયા હતા. તેમણે ત્યાંના આદિવાસીઓનું મનોવૈજ્ઞાનિક કસોટીઓ વડે પરીક્ષણ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ વખતે સૈનિકોના માનસોપચારનું કાર્ય પણ તેમણે કર્યું હતું.

જર્મનીની ગોટિંજન યુનિવર્સિટીમાં જઈને તેમણે રંગદર્શન ઉપર મહત્વનું સંશોધન કર્યું; કેટલુંક પરામનોવૈજ્ઞાનિક સંશોધન પણ કર્યું.

સન 1901માં તેઓ બ્રિટન પાછા ફર્યા અને લંડનની યુનિવર્સિટી કૉલેજમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં મદદનીશ તરીકે જોડાયા. ત્યાં પણ તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાનના અધ્યાપનને સુર્દઢ બનાવી સંશોધનોને મદદ કરી. 1904માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માનસિક તત્વજ્ઞાનના રીડર બન્યા.

1920 પછી તેઓ યુ.એસ. ગયા; ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. 1927માં તેઓ ડરહામમાં ડ્યૂક યુનિવર્સિટીમાં જોડાયા; ત્યાં મનોવિજ્ઞાન વિભાગનો વિકાસ કરી પરામનોવિજ્ઞાન સહિત વિવિધ વિષયોમાં સંશોધનો કર્યાં.

તેમણે મનોવિજ્ઞાનના વિવિધ વિષયો પર 24 પુસ્તકો અને 167 સંશોધનલેખો લખ્યાં છે. ‘ફિઝિયોલૉજિકલ સાયકૉલૉજી’ (1905), ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ (1908), ‘બૉડી ઍન્ડ માઇન્ડ’ (1911), ‘ગ્રૂપ માઇન્ડ’ (1920), ‘આઉટલાઇન ઑવ્ સાયકૉલૉજી’ (1923) અને ‘આઉટલાઇન ઑવ્ ઍબનૉર્મલ સાયકૉલૉજી’ (1926) તેમનાં જાણીતાં પુસ્તકો છે. ‘ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ પુસ્તક સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સંખ્યાબંધ સંશોધનોને માટે પ્રેરક બન્યું અને એ પુસ્તકે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં નવો યુગ શરૂ કર્યો. તેની 30 આવૃત્તિઓ થઈ છે. ‘ગ્રૂપ માઇન્ડ’માં રાષ્ટ્રીય જીવન અને રાષ્ટ્રીય ચારિત્ર્ય પર તેમણે પોતાના આગવા વિચારો રજૂ કર્યા છે.

સહજવૃત્તિ અંગેનો તેમનો સિદ્ધાંત ખૂબ જાણીતો પણ ચર્ચાસ્પદ બન્યો. તેમાં નિરીક્ષણો સાથે ન ચકાસેલી અટકળોનું મિશ્રણ હોવાથી આજનું મનોવિજ્ઞાન તેનું માત્ર ઐતિહાસિક મૂલ્ય આંકે છે. તેમનાં સંશોધન અને લેખોના વિષયોનું વૈવિધ્ય તેમની વિદ્વત્તાનો જીવંત પુરાવો છે. ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય જણાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે