મૅકડાવેલ, એડ્વર્ડ (જ. 18 ડિસેમ્બર 1860, ન્યૂયૉર્ક સિટી; અ. 23 જાન્યુઆરી 1908, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સંગીત-નિયોજક. અમેરિકાના સંગીતના ઇતિહાસમાં તે અનોખું સ્થાન ધરાવે છે. પ્રથમ કોટિના આ સંગીત-નિષ્ણાતને ઓગણીસમી સદીના અંતે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી. અમેરિકન સંગીતવિશ્વમાં અગાઉ ક્યારેય જોવા નહિ મળેલાં ઉચ્ચ ધોરણો સ્થાપવામાં તે અગ્રેસર બન્યા.
શિક્ષણની પ્રારંભિક તાલીમ ન્યૂયૉર્ક સિટીમાં લીધી. તેમના સમયમાં સંગીતની સંપૂર્ણ વ્યવસાયી તાલીમ કેવળ યુરોપમાં જ સુલભ હતી. તેથી 15 વર્ષની ઉંમરે તે પૅરિસ ગયા અને ત્રણ વર્ષ પછી તે ફ્રૅન્કફર્ટ કૉન્ઝરવેટરીમાં જોડાયા. ત્યાં જૉકિમ રૅફ પાસે અભ્યાસ કર્યો. લગભગ તેમના અધ્યાપકની સંગીત-શૈલીને મળતી આવતી નિજી શૈલી તેમણે વિકસાવી. મોટેભાગે તે રંગદર્શી કલ્પકતાની પ્રેરણા મેળવતા હતા. તેમની કેટલીક સંગીતરચનાઓનાં શીર્ષક પણ કાવ્યોચિત હોય છે, જેમ કે ‘ફૉરેસ્ટ ઇડિલ્સ’ (1884) તથા ‘વુડલૅન્ડ સ્કેચિઝ’ (1896).
યુરોપમાં પ્રતિષ્ઠા મેળવ્યા પછી તે અમેરિકા પાછા ફરીને 1888માં બૉસ્ટનમાં સ્થાયી થઈ, સંગીતરસિકોના સમુદાયના અગ્રણી બની રહ્યા. ‘ધ બૉસ્ટન સિમ્ફની ઑર્કેસ્ટ્રા’એ તેમની સંખ્યાબંધ સંગીતરચનાઓ પ્રસ્તુત કરી. એ વાદકવૃંદમાં તે એકલ-પિયાનોવાદક તરીકે ભાગ લેતા. 1896માં તે કૉલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના પ્રોફેસર બન્યા. એ યુનિવર્સિટી ખાતે વિવિધ કલાઓને કયું સ્થાન આપવું તે વિશે વિવાદ ઊભો થતાં 1904માં તેમણે રાજીનામું આપ્યું. પછીના જ વર્ષે તે માનસિક રીતે ભાંગી પડ્યા.
તેમના અવસાન પછી, ન્યૂ હૅમ્પશાયરમાં પીટરબરો ખાતેનું તેમનું ગ્રીષ્મ નિવાસસ્થાન તેમનાં પત્નીએ નવા રચાયેલા ‘મૅક્ડાવેલ મેમૉરિયલ ઍસોસિયેશન’ને સોંપી દીધું, હવે આ સ્થળ સંગીતકારો-કલાકારો તથા લેખકો માટે મૅક્ડાવેલ કૉલોની છે અને દર વર્ષે ત્યાં ગ્રીષ્મમાં કલાઓનો પીટરબરો ઉત્સવ ઊજવાય છે. ‘ટુ એ વાઇલ્ડ રોઝ’ જેવી કેટલીક વર્ણનાત્મક પિયાનો રચનાઓ તેમજ બે પિયાનો-કૉન્સર્ટો માટે તે વિશેષ કીર્તિ પામ્યા છે. તેમની અન્ય રચનાઓમાં પિયાનો સોનાટા, સિમ્ફનિક કાવ્યરચનાઓ, ગીતો તથા ગાયકવૃંદો માટેનાં સંગીત-નિયોજનોનો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી