મૅકડાયાર્મિડ, હ્યૂ (જ. 10 જૂન 1892, લૅંગહોમ, ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 9 સપ્ટેમ્બર 1978, એડિનબરો) : વીસમી સદીના પૂર્વાર્ધના અગ્રગણ્ય સ્કૉટિશ કવિ અને નવજાગૃતિકાળના આગેવાન વિચારક. તેમનું મૂળ નામ ક્રિસ્ટૉફર મરી ગ્રીવ.

હ્યૂ મૅકડાયાર્મિડ

તેમના સમયના ચર્ચાસ્પદ ઉદ્દામવાદી વલણ ધરાવતા, સ્કૉટિશ અસ્મિતા અને રાષ્ટ્રવાદના પુરસ્કર્તા લેખક. પિતા ટપાલી. શિક્ષણ લૅંગહોમ અકાદમી અને યુનિવર્સિટી ઑવ્ એડિનબરોમાં. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે લશ્કરી સેવા. મૉન્ટરોઝ ઍંગસમાં પત્રકાર. સ્કૉટલૅન્ડની યુદ્ધોત્તર કવિતાના ત્રણ ગ્રંથોનું સંપાદન ‘નૉર્ધર્ન નંબર્સ’(1921–23)ના નામે કર્યું. આમાં સ્કૉટલૅન્ડના સાહિત્યને પુનર્જીવિત કરવાની હિલચાલ માટેનો કવિનો પક્ષપાત સ્પષ્ટ વરતાય છે. તેમણે 1922માં ‘સ્કૉટિશ ચૅપબુક’ માસિક-સામયિક શરૂ કર્યું. ‘હ્યૂ મેકડાયાર્મિડનાં ઊર્મિગીતો’નું સંપાદન પણ તેમણે કર્યું. ‘સૅંગ્સ્ચૉ’ (1925) અને ‘પેની વ્હિપ’ (1926) ઊર્મિકાવ્યોના સંગ્રહો છે. સ્કૉટિશ કવિતાનું માધ્યમ અંગ્રેજી ન હોઈ શકે તેવો મત તેઓ ધરાવતા હતા. ભેળસેળવાળી સ્કૉટિશ ભાષામાં કાવ્યરચના થાય એ તેમને પસંદ ન હતું.

સ્કૉટિશ બોલીઓ અને લોકગીતોમાંની પરંપરાગત ભેળસેળવાળી સ્કૉટિશ તેમને ખપતી ન હતી. ‘અ ડ્રન્ક મૅન લુક્સ ઍટ ધ થિસલ’ (1926) (ચોથી આવૃત્તિ, 1962) તેમનો લોકપ્રિય કાવ્યસંગ્રહ છે. પોતાના વ્યક્તિત્વને તપાસતાં તેમણે અવકાશ અને સમયનાં પરિમાણોના રહસ્યનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો. પાછળથી તેમનું ચિંતન ઊંડું ઊતરતું ગયું. કાર્લ માર્કસની ફિલસૂફીનો સ્વીકાર કર્યો. સ્કૉટિશ અંગ્રેજીમાં તેમણે ‘ટુ સરકમજેક સક્રેસ્ટ્સ’ (1930) આપ્યું. આર્કેકમાં ‘સ્કૉટ્સ ઇન સ્કૉટ્સ અનબાઉન્ડ’ (1932) અને સ્ટાન્ડર્ડ ઇંગ્લિશમાં ‘સ્ટોની લિમિટ્સ’ (1934) અને ‘સેકન્ડ હિમ ટૂ લેનિન’ (Second Hymn to Lenin) (1935) પ્રસિદ્ધ કર્યાં. ‘અ લિસ્ટ ઑવ્ વ્હિસલ્સ’ (1947) અને ‘ઇન મેમૉરિયમ જેમ્સ જૉઇસ’ (1955) કાવ્યસંગ્રહોમાં તેમની આગવી શૈલીનાં દર્શન થાય છે. ‘લકી પોએટ : અ સેલ્ફસ્ટડી ઇન લિટરેચર ઍન્ડ પૉલિટિક્સ’ (1943) એમની આત્મકથા છે. ‘ધ કંપની આઈ હૅવ કૅપ્ટ’ (1966) આત્મકથનાત્મક કૃતિ છે. ‘કમ્પ્લીટ પોએમ્સ’ (1974) તેમની સમસ્ત કવિતાનો સંગ્રહ છે. તેઓ ‘રૉયલ સ્કૉટિશ અકાદમી’ના માનાર્હ પ્રાધ્યાપક (1974) અને ‘પોએટ્રી સોસાયટી’ના અધ્યક્ષ (1976) તરીકે નિયુક્ત થયા હતા.

વિ. પ્ર. ત્રિવેદી