મૃદ્-ખનિજો (Clay-minerals) : માટીદ્રવ્યનાં બનેલાં ખનિજો. પૃથ્વી પર જોવા મળતું માટીદ્રવ્યનું મુખ્ય ઘટકબંધારણ મૃદ્-ખનિજોથી બનેલું હોય છે. તે અતિસૂક્ષ્મ સ્ફટિકમય કણ-સ્વરૂપે મળે છે. મૃદ્-ખનિજો આવશ્યકપણે જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ છે. અમુક મૃદ્-ખનિજોમાં આલ્કલી (કે આલ્કલાઇન)-મૃદ્ પણ મુખ્ય ઘટક તરીકે હોય છે. વળી, અમુક મૃદ્-ખનિજોમાં મૅગ્નેશિયમ કે લોહ કે બંને સંપૂર્ણપણે કે અંશત: ઍલ્યુમિનિયમની અવેજીમાં આવીને રહેલું હોય છે. આથી જુદાં જુદાં મૃદ્-ખનિજોમાંના રાસાયણિક ઘટકોની માત્રા અને મિશ્રિત સ્થિતિનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. માટીના એવા ઘટકો પૂરતો આ શબ્દપ્રયોગ સીમિત રહે છે, જે સુઘટ્યતાનો ગુણધર્મ ધરાવતા હોય છે.
મૃદ્–ખનિજ સંકલ્પના : ભૂસ્તરીય, ખેતીવિષયક અને ઔદ્યોગિક મહત્વના સંદર્ભમાં વિચારતાં માટીદ્રવ્યો ભૂતકાળમાં પ્રાગ્ઐતિહાસિક કાળ સુધી લઈ જાય છે. માટી-ઉદ્યોગ દુનિયાનો જૂનામાં જૂનો ઉદ્યોગ ગણાય છે. માટીદ્રવ્યો વિશેનો પુરાતન ખ્યાલ આજે જેને આપણે કેઓલિનાઇટ (અશુદ્ધિઓ સહિતનું) સમજીએ છીએ તે પૂરતો મર્યાદિત હતો. માટીદ્રવ્ય એટલે ખેતીવિષયક ઉપયોગી પદાર્થ, એવો એક ખયાલ પણ પ્રવર્તતો હતો. ખેતીની જમીનો મુખ્યત્વે તો માટીના બંધારણવાળી જ હોય છે, જેથી કેટલાક એને સિલિકોન, ઍલ્યુમિનિયમ અને લોહના ઑક્સાઇડનું બનેલું નરમ, છૂટું મિશ્રણ ગણાવતા; તો બીજા એને ફેરો ઍલ્યુમિનો સિલિસિક દ્રવ્યમિશ્રણ તરીકે પણ ઘટાવતા. વખત જતાં આ મર્યાદિત સંકલ્પના બદલાતી ગઈ. તે બે આવશ્યક ઘટકોથી બનેલી હોવાનું ગણાવા લાગ્યું. એક, કેઓલિન(કેઓલિનાઇટ ખનિજ-બંધારણ)થી બનેલું ‘ક્લેઆઇટ’ ઘટક અને બીજું વધુ સિલિકા, વધુ આલ્કલી દ્રવ્ય ‘પેલિનાઇટ’ વાસ્તવિક માટીઘટક. ત્યારપછીથી માટીદ્રવ્યના અભ્યાસી વર્ગે સૂચવ્યું કે માટી એ મર્યાદિત પ્રમાણ અને અમુક સંખ્યાવાળા સ્ફટિકમય ખનિજોના સૂક્ષ્મ કણોથી બનેલું દ્રવ્ય છે. આ બાબત આજે સ્વીકૃત છે.
વર્ગીકરણ : મૃદ્-ખનિજો માટે સંપૂર્ણપણે સંતોષકારક વર્ગીકરણ હજી આજ સુધી સૂચવાયું નથી; એવું વર્ગીકરણ તૈયાર કરવાનું મુશ્કેલ છે કારણ કે મૃદ્-ખનિજો જટિલ મિશ્રણવાળા – નબળી સ્ફટિકમયતાવાળા હોય છે, તેમજ દરેક મૃદ્-ખનિજની કોઈ આગવી લાક્ષણિકતા હોતી નથી. વળી, આ ખનિજોના કેટલાક પ્રકારો વચ્ચે ક્રમિકપણે સળંગ બદલાતી જતી સ્થિતિ પ્રવર્તે છે. તેથી નીચેનું વર્ગીકરણ કાર્યોપયોગી પુરવાર થયેલું છે, જેમાં તેમને દળદાર અથવા અસ્ફટિકમય તેમજ સ્ફટિકમય એવા બે સમૂહોમાં વહેંચી નાખ્યાં છે, જોકે અસ્ફટિકમય સમૂહના ખનિજઘટકો પ્રમાણમાં જૂજ મળે છે અને પ્રમાણમાં ઓછાં મહત્ત્વનાં પણ હોય છે.
I અસ્ફટિકમય : એલોફેન સમૂહ; II સ્ફટિકમય
A : દ્વિસ્તરીય પ્રકાર : સિલિકા ટેટ્રાહેડ્રનનો એક સ્તર અને ઍલ્યુમિના ઑક્ટાહેડ્રનનો એક સ્તર – એ રીતે બંધાયેલા એકમોથી રચાતી પડરચના.
1. સમપરિમાણિત–રચનાત્મક (equidimensional) માળખું : કેઓલિનાઇટ સમૂહ : કેઓલિનાઇટ, નેક્રાઇટ, ડિકાઇટ વગેરે.
2. લંબિત આકારવાળું (elongate) માળખું : હેલોયસાઇટ સમૂહ.
B : ત્રિસ્તરીય પ્રકાર : સિલિકા ટેટ્રાહેડ્રનનાં બે સ્તર અને મધ્યસ્થ ડાયઑક્ટાહેડ્રલ કે ટ્રાયઑક્ટાહેડ્રલ સ્તરથી બંધાયેલા એકમોથી રચાતી પડરચના :
1. વિસ્તૃત રચનાત્મક માળખું :
a. સમપરિમાણિત : મોન્ટમોરિલોનાઇટ સમૂહ : મોન્ટમોરિલોનાઇટ, સૉકોનાઇટ વગેરે.
b. વર્મિક્યુલાઇટ લંબિત આકારવાળો મોન્ટમોરિલોનાઇટ સમૂહ : નોન્ટ્રોનાઇટ, સેપોનાઇટ, હેક્ટોરાઇટ.
2. બિનવિસ્તૃત રચનાત્મક માળખું : ઇલાઇટ સમૂહ :
c. નિયમિત મિશ્રસ્તરીય પ્રકાર : વારાફરતી ગોઠવાયેલા રચનાત્મક માળખાંનાં વ્યવસ્થિત જૂથ : ક્લોરાઇટ સમૂહ.
d. શૃંખલાબદ્ધ રચનાત્મક પ્રકાર : Al અને Mg અણુઓ ધરાવતા ઑક્સિજન-હાઇડ્રૉક્સિલ ઑક્ટાહેડ્રલ સમૂહો સહિત જોડાયેલી સિલિકા ટેટ્રાહેડ્રનની હૉર્નબ્લેન્ડ શૃંખલા : આતાપલ્ગાઇટ, સેપિયોલાઇટ, પેલિગોર્સ્કાઇટ.
આ વર્ગીકરણમાં ત્રિસ્તરીય ખનિજોને વિસ્તૃત અને બિનવિસ્તૃત પ્રકારોમાં વહેંચી નાખેલાં છે. બંને પ્રકારો વચ્ચે સળંગ ક્રમિક સ્થિતિ હોવા છતાં આ પેટાપ્રકાર પાડેલો છે. વળી વિસ્તૃત પ્રકારને સમપરિમાણિત અને લંબાયેલા વિભાગોમાં પણ વિભાજિત કર્યો છે; કારણ કે આકારથી રચનાત્મક સ્થિતિ સંભવત: સરળતાથી પારખી શકાય છે.
નામાભિધાન : એલોફેન સમૂહ : મૃદ્-ખનિજોના અગાઉના અભ્યાસ દરમિયાન એલોફેન નામ મૃદ્-ખનિજોના અસ્ફટિકમય ઘટકો માટે વપરાતું થયેલું. તેમાં અમુક ઘટકો જોકે સ્ફટિકમય મળતા હોવા છતાં મોટાભાગના ઘટકો ક્ષ-કિરણ-વિવર્તન(defraction)માં અસ્ફટિકમય જણાવાથી તેમના બંધારણને બહુ મહત્વ ન આપતાં બધા જ ઘટકો માટે આ નામ વાપરવાનું ઉચિત ગણ્યું છે.
કેઓલિનાઇટ સમૂહ : વધુ જાણીતાં મૃદ્-ખનિજોનો આ સમૂહમાં સમાવેશ કરેલો છે. કેઓલિનાઇટ, નેક્રાઇટ અને ડિકાઇટ તેનાં ઉદાહરણો છે. એનૉક્સાઇટ પણ કેઓલિનાઇટ જેવું જ છે, પરંતુ તેમાં સિલિકા-ઍલ્યુમિનાનો ગુણોત્તર ઊંચો છે; અર્થાત્ તે કેઓલિનાઇટ-ક્વાર્ટ્ઝનું મિશ્રણ છે.
હેલોયસાઇટ સમૂહ : આ સમૂહનાં ખનિજો રાસાયણિક રીતે કેઓલિનાઇટને લગભગ મળતાં આવે છે; પરંતુ રચનાત્મક પ્રકાર જુદો પડે છે. તેમાં બે સ્વરૂપો અલગ પાડી શકાય છે : એક કેઓલિનાઇટનું જ રાસાયણિક બંધારણ ધરાવે છે; બીજું 2H2Oને બદલે 4H2O વાળું હોઈ વધુ જલયુક્ત છે. મૃદ્-ખનિજશાસ્ત્રીઓમાં આ સમૂહનાં ખનિજોનાં નામકરણ બાબતે એકવાક્યતા નથી. કેટલાક વધુ જલયુક્ત ખનિજોને માટે એન્ડેલાઇટ (endellite) નામ સૂચવે છે. તો બીજા હેલોયસાઇટ રાખવાનું જણાવે છે; તો વળી કેટલાક ઓછી જલમાત્રાવાળાં ખનિજો માટે મેટાહેલોયસાઇટ નામ પણ સૂચવે છે.
મોન્ટમોરિલોનાઇટ સમૂહ : આ સમૂહની એક વિશિષ્ટતા એ છે કે તે એવું પ્રસાર પામતું માળખું છે જે પ્રત્યેક એકમ-સ્તરો વચ્ચે જલઅધિશોષણની ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે. આ સમૂહના ખનિજોમાં SiO2 અને R2O3 વચ્ચેનો ગુણોત્તર ચલિત રહે છે. અહીં Al લોહ અને મૅગ્નેશિયમથી વિસ્થાપિત થઈ શકે છે. તે લોહ-સમૃદ્ધ થતાં નોન્ટ્રૉનાઇટ અને મૅગ્નેશિયમ-સમૃદ્ધ થતાં સેપોનાઇટ બની રહે છે.
વર્મિક્યુલાઇટ : વર્મિક્યુલાઇટ પણ વિસ્તૃત માળખાનો પ્રકાર છે; પરંતુ તેનાં પડોનું વિસ્તરણ મર્યાદિત પ્રમાણમાં થતું હોય છે અને તેનું કણકદ મોટું હોય છે. અગાઉ તેમનો અબરખ સાથે સંબંધ માનવામાં આવતો હતો, પણ હવે મૃદ્-ખનિજ તરીકે તે ઓળખાય છે.
ઇલાઇટ : આ શબ્દપ્રયોગ વિશિષ્ટ મૃદ્-ખનિજ માટે નહિ પરંતુ અબરખ જેવાં મૃદ્-ખનિજો માટે સૂચવાયેલો. તેનું લાક્ષણિક રચનાત્મક માળખું વિસ્તૃત પ્રકારમાં ગોઠવાઈ શકતું ન હોવાથી અબરખ પ્રકારનાં મૃદ્-ખનિજોમાં મુકાય છે. તે અબરખ પ્રકારનાં ડાયઑક્ટાહેડ્રલ અને ટ્રાયઑક્ટાહેડ્રલ – બંને પ્રકારો રજૂ કરે છે.
ક્લોરાઇટ સમૂહ : લીલા રંગના જલયુક્ત સિલિકેટ ખનિજોનો સમૂહ. તે Fe´´ ધરાવે છે અને અબરખ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ ગણાય છે. રચનાત્મક માળખાની ર્દષ્ટિએ તે એક એક બાયૉટાઇટ અબરખ પડ અને બ્રુસાઇટ પડ વચ્ચે નિયમિત આંતરપડ રૂપે ગોઠવાયેલો હોય છે; પરંતુ માટીદ્રવ્યના અગત્યના ઘટક તરીકે તેને ઓળખવામાં આવેલ છે. એક જૂથના માટીદ્રવ્યમાં જ્યારે કેઓલિનાઇટ હોય ત્યારે ક્લોરાઇટની પરખ મુશ્કેલ બની રહે છે.
શૃંખલાબદ્ધ રચના-પ્રકારો : આતાપલ્ગાઇટ, સેપિયોલાઇટ અને પેલિગોર્સ્કાઇટ જેવાં મૃદ્-ખનિજો હૉર્નબ્લેન્ડના જેવી શૃંખલા-રચનાવાળાં છે. (આ ખનિજોની વિગત હજી સંપૂર્ણપણે સમજાઈ નથી.) મૃદ-ખનિજોના વિશ્લેષણમાં તેમને સરળતાથી ચૂકી જવાય છે. જોકે ધારવા કરતાં તે કદાચ વધુ પ્રમાણમાં તેમાં રહેલાં હોય છે.
મિશ્ર-સ્તરીય સંયુક્ત પ્રકાર : ઘણાં મૃદ્-ખનિજો એક કરતાં વધુ મૃદ્-ખનિજોથી બનેલાં હોઈ શકે છે. આવા ખનિજ-ઘટકો મિશ્ર ઘટક પ્રકારમાં મુકાય છે. તેમાંના પ્રત્યેક ઘટકની કોઈ ચોક્કસ ગોઠવણી-સ્થિતિ હોતી નથી. એક જૂથ c અક્ષ પર ગોઠવાયેલું આવર્તન રજૂ કરતું હોય તો બીજું ગમે તેમ ગોઠવાયેલું પણ હોય. ઇલાઇટ અને મોન્ટમોરિલોનાઇટનાં મિશ્ર-સ્તરમાળખાં કે ક્લોરાઇટ અને વર્મિક્યુલાઇટના મિશ્રપ્રકારો મૃદ્-ખનિજોમાં જોવા મળે છે; જે માત્ર કાળજીપૂર્વકની ક્ષ-કિરણ વિવર્તન તક્નીકી પદ્ધતિ દ્વારા જ જુદાં પાડી શકાય છે.
રચનાત્મક માળખું : મૃદ્-ખનિજોની અણુરચના બે પાયાના (મૂળભૂત) રચનાત્મક એકમોના સંયોગથી બને છે. એક એકમ સિલિકા ટેટ્રાહેડ્રનોથી બનેલો હોય છે; જેમાં પ્રત્યેક ટેટ્રાહેડ્રન ચાર ઑક્સિજન અથવા હાઇડ્રૉક્સિલ આયનથી સરખા અંતરે રહેલા સિલિકોન અણુથી બનેલો હોય છે અને તેમાં સિલિકોન કેન્દ્રમાં સ્થિત હોય છે. આમ સિલિકા ટેટ્રાહેડ્રન સમૂહ એક ષટ્કોણીય ગૂંથણી-સ્વરૂપ રચે છે, જે બે દિશામાં આવર્તન પામી પડ બનાવે છે.
બધા જ ટેટ્રાહેડ્રનના શિખાગ્રભાગ એક તરફ અને તલભાગ એક તલસપાટીમાં હોય છે. આવા ટેટ્રાહેડ્રન સમૂહની જાડાઈ મૃદ્-ખનિજ-રચનાત્મક એકમ માળખા માટે 4.93 Åની હોય છે.
બીજું રચનાત્મક એકમ માળખું ઘનિષ્ઠપણે ગોઠવાયેલા દ્વિસ્તરીય ઑક્સિજન કે હાઇડ્રૉક્સિલ આયનનું હોય છે; જેમાં Al, Fe કે Mg અણુઓ ઑક્ટાહેડ્રલ રચનામાં સંયોજાયેલા હોય છે.
આ ડાયઑક્ટાહેડ્રલ ગિબ્સાઇટ રચના-માળખું છે, જેનું સૂત્ર Al2(OH)6 થાય છે. ઍલ્યુમિનિયમ હોય તો 2⁄3 સ્થિતિથી સમતુલા જળવાય છે; પરંતુ જો Mg હોય તો પૂર્ણ ભરાતાં ટ્રાયઑક્ટાહેડ્રલ બ્રૂસાઇટ રચના તૈયાર થાય છે અને Mg3(OH)6 સૂત્ર બને છે. અહીં આ પડની જાડાઈ મૃદ્-ખનિજો માટે 5.05 Å ની હોય છે.
આકાર : મૃદ્-ખનિજોના રચનાત્મક એકમોના પડપ્રકારને કારણે મોટાભાગનાં આ ખનિજો પતરીમય સ્વરૂપ ધારણ કરે છે અને કેટલીક પતરીઓ સ્પષ્ટ ષટ્કોણીય આકારની જોવા મળે છે. કેટલાક મૃદ્-ખનિજો મેજ આકારનાં અથવા લંબાયેલાં કે બંને પ્રકારનાં હોય છે; કેટલાક રેસાદાર પણ હોય છે. સેપિયોલાઇટ, પેલિગોર્સ્કાઇટ અને આતાપલ્ગાઇટ ખનિજો હૉર્નબ્લૅન્ડના જેવી રચનાત્મક લાક્ષણિકતાઓવાળાં હોય છે. તેમનો પાયાનો મૂળભૂત રચનાત્મક એકમ Si4O11 બંધારણવાળી દ્વિ-શૃંખલામાં ગોઠવાયેલા સિલિકા ટેટ્રાહેડ્રનથી બનેલો હોય છે. આ શૃંખલાઓ Al કે Mg કે બંને દ્વારા બંધનયુક્ત રહે છે. આ રચનાત્મક માળખું સળંગ એકદિશાકીય વલણવાળું હોય છે અને તેની પહોળાઈની મર્યાદા આશરે 11.5 Å હોય છે. વિવિધ મૃદ્-ખનિજકણોનાં આકાર અને કદનું નિર્ધારણ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ દ્વારા શક્ય બની રહે છે; જેમાં કણો 15,000 ગણા મોટા નિહાળી શકાય છે. તે પછીથી એ કણોને તસવીરકળાથી અનેકગણા મોટા કરીને પણ જોઈ શકાય છે.
ગુણધર્મો : મૃદ્-ખનિજોના વિવિધ ગુણધર્મોનું મહત્વ તો તેમની આર્થિક ર્દષ્ટિએ જે ઘણી ઉપયોગિતા છે તેના કારણે છે.
આયન–વિનિમય : મૃદ્-ખનિજોમાંના અમુક ધનાયન અને ઋણાયનની પકડી રાખવાની ક્ષમતા એ પ્રકારની છે કે તે અન્ય ધનાયન અને ઋણાયનનો સરળ રીતે વિનિમય કરી શકે છે. સર્વસામાન્ય પ્રતિસ્થાપનશીલ ધનાયનો Ca2+, Mg2+, H+, K+, NH4+ અને Na+ છે, જ્યારે ઋણાયનો SO42–, Cl2–, Cl–, PO34– અને NO3– છે.
જ્યાં જ્યાં મૃદ્-ખનિજોનો ઉપયોગ છે ત્યાં તેમનો આ આયન-વિનિમયનો ગુણધર્મ અને તેમની પ્રક્રિયા મહત્ત્વની બાબત બની રહે છે; જેમ કે, જમીનોની ગુણવત્તા વધારવા વપરાતાં કૃત્રિમ ખાતરોમાં ઉમેરાતા પૉટાશની ટકી રહેવાની સ્થિતિ અને પ્રાપ્તિનો આધાર પૉટાશ ક્ષાર અને જમીનોમાંના મૃદ્-ખનિજો વચ્ચે થતા ધનાયન-વિનિમય પર રહે છે.
મૃદ્–ખનિજ–જળપ્રણાલી (clay-water system) : મૃદ્-ખનિજોનો બીજો અગત્યનો ગુણધર્મ પાણીને પકડી રાખવાની ક્ષમતાનો છે. તેમાં બે પ્રકારનું પાણી હોય છે – નીચું તાપમાન જળ અને OH રચનાત્મક જળ. પ્રથમ પ્રકારનું જળ તેને 100° થી 150° સે. સુધી ગરમ કરવાથી નીકળી જાય છે. તે ખનિજોની સપાટી પરનાં તેમજ કિનારીઓની ધારો પરનાં છિદ્રોમાં રહેલું હોય છે. મોન્ટમોરિલોનાઇટ જેવાં ખનિજોમાં તે એકમ કોષના પડોનાં આંતરસ્તરોમાં પણ હોય છે. તે સેપિયોલાઇટ–આતાપલ્ગાઇટ–પેલિગોર્સ્કાઇટ ખનિજોના લંબાયેલા રચનાત્મક એકમો વચ્ચેનાં નલિકાછિદ્રોમાં પણ ભરાયેલું હોય છે. નીચા તાપમાનવાળા પાણીની આકારિકી અને તે માટેનાં પરિબળો પરથી મૃદ્-ખનિજોના સુઘટ્યતા, બંધન, કલિલસ્થિતિ, ઘટ્ટતા વગેરે ગુણધર્મો નક્કી થતા હોય છે અને તેના પરથી આર્થિક ઉપયોગ પર અસર પહોંચે છે.
મૃદ્–ખનિજોની કાર્બનિક પ્રક્રિયાઓ : મૃદ્-ખનિજોમાં રહેલો અન્ય એક ગુણધર્મ સેન્દ્રિય દ્રવ્યો સાથેની પ્રક્રિયાની ક્ષમતાનો છે. ઉચ્ચ અધિશોષણ ક્ષમતાવાળી માટી તેલોમાંનો રંગનાશ કરવા માટે વપરાય છે, જ્યારે અમુક માટી કાર્બનિક સંયોજનોને તોડવાની ક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય છે.
પ્રકાશીય ગુણધર્મો : મૃદ્-ખનિજોના અતિસૂક્ષ્મ કણકદને કારણે તેમના પ્રકાશીય ગુણધર્મો નક્કી કરવાનું મુશ્કેલ બની રહે છે. રચનાત્મક માળખામાં થતા વિનિમય અને આંતરપડોમાં રહેલી જળની વિવિધ માત્રાને કારણે પ્રકાશીય ગુણધર્મોમાં ફેરફારને અવકાશ રહે છે.
ઉત્પત્તિ : સામાન્ય તાપમાન-દબાણથી માંડીને ઊંચા તાપમાન-દબાણના સંજોગો હેઠળ મૃદ્-ખનિજોને પ્રયોગશાળામાં ચકાસવામાં આવેલા છે, જેના પરથી તેમની ઉત્પત્તિ-સ્થિતિના સંજોગોનાં અનુમાનો તારવી શકાયાં છે.
ઓછા તાપમાનવાળા એસિડિક સંજોગો હેઠળ કેઓલિનાઇટ પ્રકારનાં ખનિજો ઉદભવવા માટે અનુકૂલન ઊભું થતું હોય છે; જ્યારે અલ્કલ (આલ્કલાઇન) સંજોગો હેઠળ મોન્ટમોરિલોનાઇટ ઉદભવે છે, જો મૅગ્નેશિયમયુક્ત માતૃદ્રવ્ય હોય તો; પરંતુ જો પૂરતા પ્રમાણમાં પૉટેશિયમ હોય તો તેને બદલે અબરખપ્રકાર ઉદભવે છે. ઊંચા તાપમાને આ પરિસ્થિતિ શક્ય બની શકતી નથી. આથી જે ખનિજો બને છે તે આયન-સંકેન્દ્રણ, તાપમાનનું પ્રમાણ અને AL2O3/SiO2 ગુણોત્તર પર આધાર રાખે છે.
મોટાભાગનાં મૃદ્-ખનિજો ઉષ્ણજળજન્ય ઉત્પત્તિસ્થિતિ હેઠળ થતાં હોય છે, જેમાં શક્ય અપવાદો આતાપલ્ગાઇટ, પેલિગોર્સ્કાઇટ અને વર્મિક્યુલાઇટના ગણાય છે. ઉષ્ણજળજન્ય કેટલાક મૃદ્-ખનિજો એકખનિજીય હોય છે, પરંતુ મોટાભાગના તો મિશ્ર પ્રકારનાં જ હોય છે.
જુદા જુદા ખડકપ્રકારો અને જમીનોના ખવાણમાંથી પણ મૃદ્-ખનિજો તૈયાર થતાં હોય છે, જોકે તેમાં વિવિધ પરિબળો પર તેમના પ્રકારનો આધાર રહે છે; જેમ કે, માતૃખડક-પ્રકાર, આબોહવા, સ્થળર્દશ્ય, વનસ્પતિ-આવરણ અને સમયગાળો.
નિક્ષેપ-જમાવટોમાં પણ મૃદ્-ખનિજો વિપુલ પ્રમાણમાં રહેલાં હોય છે. સ્વચ્છ જળના કે દરિયાઈ સંજોગો હેઠળ તૈયાર થતા નિક્ષેપોનાં બંધારણ અલગ અલગ હોય છે અને બંધારણ પરથી નિક્ષેપનો ભૂસ્તરીય ઇતિહાસ નક્કી કરી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા