મૃદૂકરણ (છમકારવું, tempering) : ધાતુકાર્ય(metallurgy)માં ધાતુ કે મિશ્રધાતુની, ખાસ કરીને પોલાદની, કઠિનતા (hardness) અને મજબૂતાઈ જેવી લાક્ષણિકતાઓ સુધારવા માટે ઉપયોગમાં લેવાતી વિધિ. તેમાં મિશ્રધાતુને ક્રાંતિક (critical) પરાસ કરતાં નીચા એવા પૂર્વનિર્ધારિત તાપમાન સુધી ગરમ કરી, આ તાપમાને નિર્દિષ્ટ (specified) સમય સુધી જાળવી રાખી, તે પછી તેને નિયંત્રિત દરે, સામાન્ય રીતે તરત જ, ઝડપથી ઠંડી પાડીને ઓરડાના તાપમાને લાવવામાં આવે છે. શીત-કાર્ય (cold-working) દ્વારા કઠિનતા પ્રાપ્ત થતી હોય તેને માટે પણ આ પદ વપરાય છે; દા. ત., તાર ખેંચવા અથવા પોલાદની ચાદરોનું લોટણ (rolling).

જો મિશ્રધાતુનું સંઘટન (composition) એવું હોય કે તેને ઠંડી પાડવાથી અતિ સંતૃપ્ત (supersaturated) ઘન-દ્રાવણ (solid solution) બનતું હોય તો ઉત્પન્ન થતી વસ્તુ બરડ (brittle) હોય છે. આવી મિશ્રધાતુને તેમાંનો વધારાનો દ્રાવ્ય પદાર્થ (solute) અવક્ષેપિત થઈ જાય એટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને તે પછી મિશ્રધાતુના સંતૃપ્ત (saturated) દ્રાવણને એટલી ઝડપથી ઠંડું પાડવામાં આવે કે જેથી વધુ અવક્ષેપન કે કણ-વૃદ્ધિ (grain growth) ન થાય તો કઠિનતા અને ચવડતા (toughness) ધરાવતી સૂક્ષ્મ સંરચના (microstructure) ઉદભવે છે. આથી ગરમ પોલાદને ઠંડા પાણીમાં (કે તેલમાં) ઝબકોળીને ઝડપથી ઠંડું કરવામાં આવે છે.

પોલાદની બાબતમાં આ વિધિનો હેતુ અતિસંતૃપ્ત એવી માર્ટેન્સાઇટ અથવા લોખંડમાં કાર્બનના અંતરાલી (interstitial) દ્રાવણને એવા તાપમાન સુધી તપાવવું પડે છે કે જેથી તેમાંનો વધારાનો કાર્બાઇડ ઘન દ્રાવણમાંથી અવક્ષેપિત થઈ જાય અને મિશ્રધાતુની તન્યતા(ductility)માં વધારો થાય. મહત્તમ સફળતા પ્રાપ્ત કરવા માટે આ વિધિ દરમિયાન પોલાદને ધીમેથી એવી રીતે તપાવવું જરૂરી બને છે કે જેથી સીધી તાપમાન-પ્રવણતા (steep temparature gradient) ન ઉદભવે અને પ્રતિબળમાંથી મુક્તિ મળે. આ વિધિ દ્વારા ઉદભવતા ગુણધર્મો પોલાદને કયા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે તેના અને મિશ્રધાતુના સંઘટન પર આધાર રાખે છે; જેમ કે, કઠિનતા જાળવી રાખવી હોય તો મિશ્રધાતુમાં મોલિબ્ડિનમ કે ટંગસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટેનું તાપમાન પોલાદના પ્રકાર અને તેના અપેક્ષિત ઉપયોગ પર આધાર રાખે છે.

ઓજારી પોલાદ (tool steel) માટે ઉચ્ચ કઠિનતા પ્રાપ્ત કરવા લગભગ તૈયાર ઓજારને મિશ્રધાતુ માટે જરૂરી એવા ક્રાંતિક તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. રૂપાંતરણ પરાસ(transformation range)થી નીચે એવા આ તાપમાને રહેલ પોલાદને એવી રીતે પરિષ્કૃત કરવામાં આવે છે કે તે નાના આમાપ(size)ના કણો ધરાવતું ઘન-દ્રાવણ બનાવે. પોલાદને આ તાપમાને એટલા લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે છે કે જેથી સમગ્ર જથ્થો ઉષ્મીય સમતોલન પ્રાપ્ત કરે. તે પછી પોલાદને ઝડપથી ઠંડું કરવામાં કે છમકારવામાં આવે છે જેથી કણ-વૃદ્ધિ ઉદભવે તેવી તાપમાન પરાસમાંથી તે પસાર થાય. 0.83 % કાર્બન ધરાવતા પોલાદ માટે પરિષ્કરણ-તાપમાન 700° સે.થી સહેજ વધુ હોય છે. જેમ ઝડપથી ઠંડી કરવામાં આવે તેમ મિશ્રધાતુ વધુ સખત બને છે.

જ. દા. તલાટી