મૃત્યુ, મસ્તિષ્કી (brain death) : મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી થતું મૃત્યુ. શ્વસનકાર્ય અને હૃદય બંધ થવાથી મગજનું કાર્ય પણ અટકે છે અને મૃત્યુ થાય છે તેમ મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અને હૃદયનું કાર્ય પણ બંધ થાય છે. તેથી તેવી સ્થિતિમાં પણ મૃત્યુ નીપજે છે. તેથી મગજનાં બધાં જ કાર્યો ફરીથી પાછાં ચાલુ ન થાય એવી રીતે બંધ થયાં હોય, પરંતુ હજુ શ્વસન અને હૃદયને કૃત્રિમ રીતે કાર્યરત રાખી શકાયાં હોય, તો તેવી સ્થિતિને મગજનું મૃત્યુ કહે છે. આ સમયે મોટા મગજ (ગુરુમસ્તિષ્ક) ઉપરાંત તેની નીચે આવેલા અને તેને અને કરોડરજ્જુને જોડતા મગજના ભાગરૂપ મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)નાં પણ બધાં જ કાર્યો બંધ થયેલાં હોવાં જોઈએ. તે સમયે આંચકી (convulsion) પણ આવતી ન હોવી જોઈએ.

દર્દીને ઉત્તેજના આપીને પુષ્કળ પીડા કરાઈ હોય તેવી સ્થિતિમાં પણ દર્દી તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ન પ્રાપ્ત થાય ત્યારે તેના મોટા મગજ અથવા તો મસ્તિષ્કી અર્ધગોલ(cerebral hemispheres)નું કાર્ય સાવ બંધ થઈ ગયું છે એવું નિદાન કરાય છે. તે સમયે કરોડરજ્જુની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (spinal reflexes) હજુ જળવાઈ રહેલી હોય છે.

સામાન્ય સંજોગોમાં મોટા મગજનું કાર્ય બંધ થાય ત્યારે તેની નીચે આવેલું મસ્તિષ્ક-પ્રકાંડ કાર્ય કરતું હોય છે, તેથી શરીર એક ખાસ પ્રકારની દેહસ્થિતિમાં ગોઠવાય છે અથવા અંગવિન્યાસ (posture) ધારણ કરે છે. તેને અપમસ્તિષ્કી અંગવિન્યાસ (decerebrate posture) કહે છે. મોટા મગજના બહારના ભૂખરા પડને મસ્તિષ્કબાહ્યક (cerebral cortex) અથવા બાહ્યક (cortex) કહે છે. જ્યારે તેનું કાર્ય બંધ થાય ત્યારે દેહ જે સ્થિતિમાં ગોઠવાઈને પથારીમાં પડેલો હોય તેને અબાહ્યક અંગવિન્યાસ (decortical posture) કહે છે. આ બંને પ્રકારના અંગવિન્યાસો અબાહ્યક અને અમસ્તિષ્કી અનુક્રમે મોટા મગજના બાહ્યકથી નીચેના ભાગ અને મસ્તિષ્ક-પ્રકાંડની સક્રિયતા દર્શાવે છે અને તેથી તેને મસ્તિષ્કી મૃત્યુની સ્થિતિ ગણવામાં આવતી નથી. મસ્તિષ્કી મૃત્યુના સમયે મોટા મગજનો કોઈ પણ ભાગ તથા મસ્તિષ્ક-પ્રકાંડ પણ કાર્ય કરતાં ન હોવાં જોઈએ. માટે તે સમયે અબાહ્યક અંગવિન્યાસ કે અમસ્તિષ્કી અંગવિન્યાસ પણ ન હોવા જોઈએ; ફક્ત કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ(spinal cord)ની પ્રતિક્ષિપ્ત અથવા ચેતાપરાવર્તી ક્રિયાઓ જ થઈ શકતી હોય.

મસ્તિષ્ક-પ્રકાંડના જુદા જુદા 3 ભાગ છે – સૌથી ઉપર એટલે કે મોટા મગજની તરત નીચે આવેલા ભાગને મધ્યમસ્તિષ્ક (midbrain), વચલા ભાગને મજ્જાસેતુ (pons) અને સૌથી નીચલો ભાગ કે જે કરોડરજ્જુ સાથે જોડાય છે તેને લંબમજ્જા (medulla oblongata) કહે છે. તેમના કાર્ય પ્રમાણે તેમની સક્રિયતાની કસોટી કરાય છે. આંખની કીકી પર પ્રકાશ નાંખવાથી કીકીમાં દેખાતો કનીનિકા-પટલ (iris) નામનો પડદો અને તેમાંનું છિદ્ર (કનીનિકા, pupil) સંકોચાય છે. આને પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા (light reflex) કહે છે. મધ્યમસ્તિષ્ક(midbrain)ના મૃત્યુ સમયે તે પરાવર્તી ક્રિયા જતી રહે છે. જોકે પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયાને અસર કરતાં અન્ય કારણોની હાજરી નથી, તે ખાસ જોઈ લેવાય છે. દા.ત., લોહીનું દબાણ જાળવી રાખવા માટે વપરાતું ડોપામિન નામનું ઔષધ જ્યારે નસ વાટે સતત ચડાવવામાં આવતું હોય, ત્યારે પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયામાં વિષમતા આવે છે.

મજ્જાસેતુ(pons)નું કાર્ય બંધ થાય ત્યારે આંખની કીકીના પારદર્શક ઢાંકણ (સ્વચ્છા, cornea) પર રૂનું પૂમડું લગાડવાથી આંખ બંધ થતી નથી તથા કાનમાં ઠંડું પાણી નાંખવાથી ઢીંગલીની આંખોની જેમ આંખો ડાબે-જમણે ફરતી નથી. બેભાન દર્દીમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાની સહાય માટે શ્વાસનળીમાં એક અંત:શ્વાસનલિકા (endotracheal tube) નાંખેલી હોય છે. તેને શ્વસનસહાયક યંત્ર (ventilator) સાથે જોડીને શ્વાસોચ્છવાસ ચાલુ રખાયેલો હોય છે. જ્યારે આ અંત:શ્વાસનલિકાને શ્વસનસહાયક યંત્રથી અલગ કરવામાં આવે ત્યારે લોહીમાં અંગારવાયુ(CO2)નું પ્રમાણ અને આંશિક દાબ (partial pressure) વધે છે. લોહીમાંનાં CO2નો આંશિક દાબ (PCO2) પારાના 60 મિમી.થી વધે છે. તેને કારણે શ્વસનક્રિયાનું ઉત્તેજન થાય છે. જ્યારે PCO2 વધેલો હોય તેમ છતાં શ્વસનક્રિયાનું ઉત્તેજન ન થાય ત્યારે લંબમજ્જા(medulla oblongata)નું કાર્ય પણ બંધ થઈ ગયું છે એમ મનાય છે.

મધ્યમસ્તિષ્ક, મજ્જાસેતુ અને લંબમજ્જાને સંયુક્ત રીતે મસ્તિષ્ક- પ્રકાંડ કહે છે, જ્યારે તે ત્રણનું કાર્ય બંધ થયેલું હોય ત્યારે મસ્તિષ્ક- પ્રકાંડનું મૃત્યુ થયેલું છે એવું મનાય છે. મસ્તિષ્ક (મોટું મગજ) અને મસ્તિષ્ક-પ્રકાંડ બંનેનાં કાયમી ધોરણે બંધ થયેલા કાર્યને કારણે થતા મૃત્યુને મસ્તિષ્કી મૃત્યુ કહે છે.

ગાઢ બેભાનાવસ્થા(coma)નું કારણ જાણવાથી મગજનું કાર્ય કાયમી રીતે બંધ થયું છે કે નહિ તે નિશ્ચિતપણે કહી શકાય છે. જોકે ઘેન કરતી દવાઓ અપાઈ હોય, શરીરનું તાપમાન ઘટાડવાની ક્રિયા (અલ્પોષ્ણતાકરણ, hypothermia) કરાઈ હોય, લોહીનું દબાણ ઘટવાથી થતા રુધિરાભિસરણીય આઘાત(shock)ની સ્થિતિ ઉદભવી હોય કે દવાઓ વડે ચેતા-સ્નાયુરોધ (neuromuscular blockade) કરાયેલો હોય તો તેવી સ્થિતિમાં મસ્તિષ્ક(મોટા મગજ)નું કાર્ય કાયમી ધોરણે બંધ થયું છે એવું કહી શકાતું નથી. ચેતાતંતુ દ્વારા આવતા સંદેશાઓ સ્નાયુકોષ પર ચેતા-સ્નાયુ-સંગમ (neuromuscular junction) નામની સંરચના વડે પહોંચે છે. તેના કાર્યમાં દવાઓ કે કોઈ રોગને કારણે અવરોધ થયો હોય તો તેને ચેતા-સ્નાયુરોધ કહે છે.

મસ્તિષ્કી મૃત્યુના નિદાનમાં મગજનો વીજ-આલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram, EEG) ઉપયોગી બની રહે છે. મૃત્યુ થાય ત્યારે તેમાં ખાસ કોઈ સક્રિયતા (activity) જોવા નથી મળતી પરંતુ ક્યારેક તેમાં મસ્તિષ્કી મૃત્યુ પછી ઘણા દિવસો સુધી બેભાનાવસ્થામાં જોવા મળતી કેટલીક સક્રિયતા, ઓછા વોલ્ટેજના ઝડપી તરંગો અથવા નિદ્રાવસ્થામાં જોવા મળતી ધીમા તરંગોવાળી અને વેલણાકાર (spindle shape) તરંગોવાળી સક્રિયતા જોવા મળે છે. મગજમાં લોહી વહેતું બંધ થયું છે તે દર્શાવવા વાહિનીચિત્રણ (angiography) કરાય છે. તેનાથી ખાતરીપૂર્વક મસ્તિષ્કના મૃત્યુનું નિદાન કરાય છે. તે માટે પ્રવાહદર્શી ધ્વનિચિત્રણ(Doppler sonography)ની ઉપયોગિતા કેટલી છે તે નિશ્ચિત થયેલું નથી.

મોટાભાગના કિસ્સામાં દર્દીને 6 કલાક માટે અને મગજને ઈજા થયેલી હોય તો 24 કલાક માટે નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી મસ્તિષ્કી મૃત્યુનું નિદાન જાહેર કરાય છે. મસ્તિષ્કી મૃત્યુની ખાતરી થયા બાદ શ્વસનસહાયકયંત્ર ચાલુ રાખીએ તોયે હૃદયને બંધ થતાં થોડા દિવસો લાગે છે (સરેરાશ 4 દિવસ). મસ્તિષ્કી મૃત્યુ થયેલું હોય તેવા કોઈ પણ કિસ્સામાં વ્યક્તિ ફરીથી સજીવન થઈ હોય એવું નોંધાયેલું નથી. શ્વસનસહાયક યંત્ર બંધ કરતી વખતે હૃદયના ધબકારામાં વિવિધ પ્રકારની અનિયમિતતા આવે છે અને ત્યારે ક્યારેક ડોક એક બાજુ વળવી, પાછળ તરફ પીઠ કમાનની માફક વળવી, પગ અક્કડ થવા અને હાથ વાંકા વળવા જેવી કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત હલનચલનની ક્રિયાઓ થાય છે, પરંતુ તે બધી કરોડરજ્જુ સાથે સંલગ્ન હલનચલનની ક્રિયાઓ હોય છે અને તેથી તેમને કારણે મસ્તિષ્કી મૃત્યુના નિદાનમાં સંદેહ ન રાખવા સૂચવાય છે.

અવયવ-પ્રતિરોપણ માટે કરાતી મસ્તિષ્કી મૃત્યુની જાહેરાતમાં ક્ષતિપૂર્ણ નિદાન ન થાય તે માટે કેટલીક પૂર્વ સાવચેતી (precautions) સૂચવાય છે : (1) મસ્તિષ્કી-પ્રકાંડના મૃત્યુનાં કેટલાંક ચિહ્નો અલ્પોષ્ણતાની સ્થિતિમાં થતાં હોવાથી સંભવિત મૃતકના શરીરનું તાપમાન 35° સે. સુધી ઊંચું લવાય છે. (2) ચેતાતંત્રવિદ (neurologist), નિશ્ચેતનાવિદ (anaesthesiologist) તથા સઘન ચિકિત્સાવિદ (intensivist) – એમ 3 પ્રકારના તબીબોની ટુકડીએ સંયુક્ત રૂપે મસ્તિષ્કી મૃત્યુનું નિદાન કર્યું હોય તો તે ઇચ્છવા યોગ્ય છે. (3) આ ટુકડીએ ઓછામાં ઓછું બે જુદા જુદા વખતે તપાસ કરીને નિદાન કર્યું હોવું જોઈએ. (4) ટુકડીમાં કોઈ પણ તબીબને તેનામાંથી મેળવાતા અવયવના પ્રતિરોપણમાં કોઈક રીતે રસ હોવો જોઈએ.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી