મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ અમલમાં રહ્યો તે સમય દરમિયાન મૃતક(deceased)ની મિલકતના નિર્ધારણ અને વેરાની વસૂલાત માટે આ અધિનિયમ ચાલુ રાખવામાં આવ્યો છે. કુદરતી મૃત્યુ શ્વાસોચ્છ્વાસ લેતી જીવંત વ્યક્તિનું જ થઈ શકે; તેથી ઊલટું વૈધાનિક રીતે અસ્તિત્વમાં આવેલા હિન્દુ અવિભક્ત કુટુંબ, પેઢી, લિમિટેડ કંપની વગેરે મરણાધીન નથી તેથી એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ ફક્ત વ્યક્તિના મૃત્યુથી સંક્રમિત થતી મિલકતને જ લાગુ પડે છે; અન્ય ઘટકોને નહિ. તેના કાયદાની જોગવાઈઓ અનુસાર મૃતકની સંક્રમિત થતી મિલકતનું ગંતવ્ય સ્થાન (destination) શું છે તે ધ્યાનમાં લીધા વગર મિલકતનો માલિકી હક બદલાય છે અને તેટલા આધાર ઉપર જ મૃત્યુવેરો વસૂલ કરવામાં આવે છે. તેથી તે એક પ્રકારનો હાથબદલાવેરો (mutation duty) છે. મૃત્યુવેરાને મૃતકની સમગ્ર વાસ્તવિક મિલકત સાથે સંબંધ છે, પરંતુ તે મિલકતમાંથી કઈ મિલકત કઈ વ્યક્તિને વારસામાં મળે છે તે સાથે તેનો જરા પણ સંબંધ નથી. આમ મૃત્યુવેરો એ વારસાવેરો (succession duty) નથી. સંક્રમિત થતી સમગ્ર વાસ્તવિક મિલકતની કિંમત ઉપર મૃત્યુવેરો લાગુ પડતો હોવાથી તેનો દર જુદી જુદી વ્યક્તિઓને વારસામાં મળતી આંશિક મિલકત ઉપર લાગુ પડતા વારસાવેરાના દર કરતાં દેખીતી રીતે ઊંચો હોય છે. તેથી મૃત્યુવેરો વારસાવેરા જેટલો ન્યાયોચિત (equitable) નથી.

આ અધિનિયમ ભારતનાં બધાં રાજ્યોમાં આવેલી સ્થાવર અને જંગમ મિલકતોને લાગુ પડે છે, પરંતુ જે રાજ્યોએ પોતાના ક્ષેત્રમાં આવેલી ખેતીની જમીન ઉપર મૃત્યુવેરો વસૂલ કરવાની ભારત સરકારને સંમતિ આપી નથી તે રાજ્યોમાં આવેલી ખેતીની જમીનને તે લાગુ પડતો નથી.

મૃત્યુવેરો વસૂલ કરવાનો પાયો મૃતકની સંક્રમિત થતી મિલકત છે, તેથી કેટલીક મિલકતો સંક્રમિત થાય છે કે કેમ તે અંગેનો વાદવિવાદ ટાળવાના હેતુથી તેવી મિલકતોને એસ્ટેટ ડ્યૂટી અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ સંક્રમિત થયેલી (deemed to so pass) માનવામાં આવે છે અને નિર્ધારણપાત્ર મિલકતમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે; જેવી કે (1) મૃતક તેના મૃત્યુ સમયે, જે મિલકતનું હસ્તાંતરણ કરવા સક્ષમ હોય તેવી મિલકત; (2) કોઈ પણ મિલકતમાંથી તેના મૃત્યુ સમયે મૃતકના હિતનો અંત આવતો હોય તો તેવા અંતથી અન્ય વ્યક્તિઓને મળતો લાભ; ખાસ કરીને હિન્દુ કાયદાની ‘મિતાક્ષર શાખા’ હેઠળ સમાંશિત મિલકત(coparcenary)માં મૃતકનું અવિભાજિત અથવા સંયુક્ત હિત, (3) મૃત્યુની અપેક્ષાએ આપેલી બક્ષિસ (gift mortis causa), (4) લગ્નપ્રસંગે અથવા સામાન્ય ખર્ચ તરીકે આપેલી રૂ. 10,000 સુધીની બક્ષિસો સિવાયની મૃતકે તેના મૃત્યુ અગાઉના છ માસની અંદર પારમાર્થિક સંસ્થાઓને તથા બે વર્ષની અંદર અન્ય વ્યક્તિઓને આપેલી શુદ્ધ બુદ્ધિ વિહીન (not bona fide) બક્ષિસ, (5) મૃતકે બક્ષિસ આપેલી મિલકતમાં તેણે પોતાનું આધિપત્ય અથવા હિત મૃત્યુ પર્યન્ત જાળવી રાખ્યું હોય તેવી મિલકત, (6) મૃતકે કોઈ પ્રકારની વ્યવસ્થા કરીને કોઈ મિલકત અન્યને સોંપી હોય, છતાં તેની ઉપર પોતાનો હકદાવો ફરીવાર સ્થાપવાનો અધિકાર જાળવી રાખ્યો હોય તેવી મિલકત, (7) મૃતકે પોતાની સંપૂર્ણ માલિકીના ભંડોળમાંથી કોઈ મિલકત ખરીદીને અન્ય વ્યક્તિના નામે સંયુક્ત માલિક તરીકે ચડાવી હોય, જેથી મૃતકના મૃત્યુથી સંયુક્ત માલિકને ઉત્તરજીવી તરીકે લાભદાયી હક પ્રાપ્ત થયો હોય તેવી સંપૂર્ણ મિલકત, (8) મૃતકે પોતાની જીવનવીમાની પૉલિસીનાં પ્રીમિયમ પોતાના ભંડોળમાંથી ભર્યાં હોય તેવી પૉલિસી અંગે નિયુક્ત (nominated) વ્યક્તિ અથવા પ્રતિનિધિને મળવાપાત્ર વીમાની રકમ, (9) મૃતકે જાતે અથવા અન્ય વ્યક્તિની સાથે ગોઠવણ કરીને ખરીદેલું અને જેનો લાભ ઉત્તરજીવીને મળે તેવું વર્ષાસન (annuity) અને (10) મૃતકે જો પોતાની મિલકત કોઈ નિયંત્રિત (controlled) કંપનીના નામે હસ્તાંતર કરી હોય તો તેના મૃત્યુ અગાઉનાં ત્રણ વર્ષમાં કંપનીમાંથી તેને થયેલા કુલ લાભની રકમ અને કંપનીની ત્રણ વર્ષની કુલ આવક એ બંને વચ્ચેના ગુણોત્તરના ધોરણે નિયંત્રિત કંપનીની વરાડે પડતી અસ્કામતો.

મૃતકના મૃત્યુના કારણે જે મિલકતોનું ખરેખર સંક્રમણ થાય છે છતાં તેમાંથી કેટલીક મિલકતોનો એસ્ટેટ ડ્યૂટીની વિવિધ જોગવાઈઓ હેઠળ નિર્ધારણપાત્ર મિલકતમાં સમાવેશ કરવામાં આવતો નથી; જેવી કે, (1) ભારત બહાર આવેલી સ્થાવર મિલકતો, (2) ભારતનો અધિવાસી (domiciled) ન હોય તેવા મૃતકની ભારત બહાર આવેલી જંગમ મિલકતો, (3) ભારતનો અધિવાસી ન હોય તેવા મિલકતના વ્યવસ્થાપક (settlor) દ્વારા વ્યવસ્થા કરાયેલી (settled) ભારત બહાર આવેલી જંગમ મિલકતમાં મૃતકનો આજીવન ગણોતહક (life-tenancy), (4) અન્ય વ્યક્તિએ બનાવેલા ન્યાસ(trust)ના ટ્રસ્ટી તરીકે મૃતકના નામે ધારણ થયેલી મિલકતો, (5) જે હિતનું કબજાહિત(interest-in-possession)માં પરિવર્તન ન થઈ શક્યું હોય અને મૃત્યુના કારણે અસફળ થયું હોય તેવું મૃતકનું વ્યવસ્થા કરાયેલી મિલકતમાં અપેક્ષિત હિત (interest-in-expectancy), (6) હસ્તાંતરકર્તા(disponer)એ સ્વમાલિકીની મિલકતમાં કોઈ હસ્તાંતરગ્રહિતા(disponee)ને આજીવન ગણોતહક આપ્યો હોય તેવા સંજોગોમાં હસ્તાંતરગ્રહિતાના મૃત્યુના કારણે હસ્તાંતરકર્તાને પાછો મળેલો હક, (7) એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ અમલમાં આવ્યો તે અગાઉ વ્યક્તિએ પોતાના જીવનસાથીને પોતાની મિલકતમાં હક આપ્યો હોય તેવા સંજોગોમાં જીવનસાથીના મૃત્યુના કારણે વ્યક્તિને પાછો મળેલો હક, (8) મૃતકની વિધવા, વિધુર અને આશ્રિતોને મળવાપાત્ર કૌટુંબિક પેન્શન, (9) રૂ. 2500 સુધીનાં ઘરવખરી, કારીગરનાં ઓજારો અને ખેતીવાડીનાં સાધનો, (10) વેચવાનાં ન હોય તેવાં પુસ્તકો, (11) વણાટમાં કીમતી ઝવેરાત વાપર્યું ન હોય તેવાં પહેરવાનાં વસ્ત્રો, (12) વેચવાનાં ન હોય તેવાં ચિત્રો, રંગલેપનો, ફોટા, મુદ્રાંકનો અને હસ્તપ્રતો, (13) ભારતના માજી રાજવીઓનો વસવાટ માટેનો એક મહેલ, (14) ભારતીય લશ્કર, પોલીસદળ અને સીમા સંરક્ષક દળના શહીદ થયેલા જવાનનું એક મકાન, (15) દસ હજારથી ઓછી જનસંખ્યાવાળા શહેરમાં વસવાટનું એક મકાન અને વધારે જનસંખ્યાવાળા શહેરમાં એક લાખ રૂપિયાની કિંમત સુધીનું એક મકાન, અને (16) પચાસ કિલોગ્રામ સોનાનાં રાષ્ટ્રીય સંરક્ષણ સુવર્ણ બૉન્ડ, 1980.

મૃત્યુના કારણે સંક્રમણ થતી કેટલીક મિલકતો મૃત્યુવેરામાંથી માફીપાત્ર છે, છતાં અન્ય કરપાત્ર મિલકતો ઉપર લેવાનો દર નક્કી કરવા માટે આવી માફીપાત્ર મિલકતોનો પણ નિર્ધારણપાત્ર મિલકતમાં સમાવેશ કરવામાં આવે છે; જેવી કે, (1) મૃતકે પારમાર્થિક સંસ્થાઓને મૃત્યુ અગાઉના છ માસની અંદર આપેલી રૂ. 2,500 સુધીની તથા અન્ય વ્યક્તિઓને બે વર્ષની અંદર આપેલી રૂ. 1,500 સુધીની બક્ષિસો, (2) મૃતકે મૃત્યુવેરો ભરવા માટે લીધેલી રૂ. 50,000 સુધીની વીમાની પૉલિસીઓ અથવા સરકારમાં જમા મૂકેલી થાપણો, (3) જીવનવીમાની રૂ. 5,000ની પૉલિસી, (4) મૃતકે પ્રત્યેક આશ્રિત મહિલા સંબંધીના લગ્ન માટે લીધેલી રૂ. 10,000 સુધીની વીમાની પૉલિસીઓ, (5) જે રાજ્યોએ પોતાના ક્ષેત્રમાં આવેલી ખેતીની જમીન ઉપર મૃત્યુવેરો વસૂલ કરવાની ભારત સરકારને સંમતિ આપી નથી તે રાજ્યોમાં આવેલી ખેતીની જમીન અને (6) હિન્દુ કાયદાની મિતાક્ષર શાખા હેઠળ સમાંશિત મિલકતમાં મૃતકનાં બધાં વંશજોનું હિત. આ પદ્ધતિ હેઠળ નિર્ધારણપાત્ર બધી મિલકતો ઉપર મૃત્યુવેરાની કુલ (gross) રકમ તેમજ (વેરાની આ રકમને નિર્ધારણપાત્ર બધી મિલકતની કિંમતની રકમ વડે ભાગીને) મૃત્યુવેરાનો સરેરાશ દર નિશ્ચિત કરવામાં આવે છે. ત્યારપછી મૃત્યુવેરાની કુલ રકમમાંથી માફીપાત્ર મિલકત ઉપર મૃત્યુવેરાના નિશ્ચિત કરેલા સરેરાશ દરે કપાત આપવામાં આવે છે અને મૃત્યુવેરાની ચોખ્ખી (net) રકમ આકારવામાં આવે છે.

વ્યક્તિના મૃત્યુનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી, તેથી એક મૃતકની મિલકત ઉપર મૃત્યુવેરો આકાર્યા પછી, તે મિલકત પ્રાપ્ત કરનારનું મૃત્યુ થાય તો તેની તે જ મિલકત ઉપર બીજી વાર મૃત્યુવેરો આકારવાનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે મૃત્યુવેરાનો બોજ હળવો કરવા માટે ત્વરિત ઉત્તરાધિકાર રાહત (quick succession relief) આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તદનુસાર પ્રથમ વ્યક્તિના મૃત્યુ પછી પાંચ વર્ષની અંદર બીજી વ્યક્તિનું મૃત્યુ થાય અને એકની એક મિલકત ઉપર બીજી વાર મૃત્યુવેરો આકારવાનો પ્રસંગ ઊભો થાય તો બીજું મૃત્યુ એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ અને પાંચ વર્ષમાં થયું હોય તો બીજી વાર આકારવાપાત્ર મૃત્યુવેરામાંથી અનુક્રમે 50 %, 40 %, 30 %, 20 % અને 10 %ની રાહત આપવામાં આવે છે.

મૃત્યુવેરાની આકારણીનું કાર્ય આયકર વિભાગ સંભાળે છે અને નિર્ધારણ અધિકારી કન્ટ્રોલર ઑવ્ એસ્ટેટ ડ્યૂટી કહેવાય છે. આવકવેરા અધિનિયમની જેમ એસ્ટેટ ડ્યૂટી અધિનિયમમાં પણ નિર્ધારણ સંબંધી અપીલો અને વેરાની વસૂલાતની જોગવાઈઓ કરવામાં આવી છે.

જયન્તિલાલ પો. જાની