મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન)
February, 2002
મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન) : કોઈ એક વસ્તીમાં કોઈ એક નિશ્ચિત સમયગાળામાં વ્યક્તિઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવતો આંક. જેમ વધુ જન્મપ્રમાણથી વસ્તીની સંખ્યા અને કદમાં વૃદ્ધિ થાય છે, તે જ રીતે મૃત્યુનું પ્રમાણ વધવાથી તેમાં ઘટાડો થાય છે. કેટલાક સજીવો શૈશવકાળમાં તો કેટલાક યુવાવસ્થામાં કે અન્ય કેટલાક વૃદ્ધાવસ્થા દરમિયાન મૃત્યુ પામે છે. કેટલીક વાર સજીવોનું સામૂહિક મૃત્યુ પણ થાય છે. મૃત્યુ માટે અનેક કારણો હોઈ શકે છે. પ્રત્યેક સજીવ નિયત જીવન-અવધિ (life span) ધરાવે છે; જેમ કે, અમેરિકનનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે, જ્યારે ભારતીયનું 62 વર્ષ છે. બંને દેશોની સ્થાનિક પરિસ્થિતિમાં મૃત્યુદર એક નિયંત્રક (regulatory) પરિબળ તરીકે કાર્ય કરે છે. સંભવિત જન્મક્ષમતા અને વાસ્તવિક જન્મદરના આંક જુદા હોય છે, તે જ રીતે સંભવિત મૃત્યુક્ષમતા અને વાસ્તવિક મૃત્યુદર (realized death rate) જુદાં જુદાં હોય છે. વાસ્તવિક મૃત્યુદર વસ્તીમાં મૃત્યુની સાચી સંખ્યા દર્શાવે છે.
જન્મદરની જેમ મૃત્યુદરને બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
1. લઘુતમ મૃત્યુદર (minimum mortality) : તેને વિશિષ્ટ (specific) અથવા સંભાવ્ય (potential) મૃત્યુદર પણ કહે છે. તે આદર્શ કે અમર્યાદિત પરિસ્થિતિમાં સૈદ્ધાંતિક લઘુતમ (theoretical minimum) વ્યય દર્શાવે છે અને આપેલ વસ્તી માટે અચળ હોય છે. આમ, અનુકૂલતમ પરિસ્થિતિ હેઠળ તેમના દેહધાર્મિક દીર્ઘાયુષ્ય (physiological longevity) દ્વારા નક્કી થતા વૃદ્ધત્વને કારણે વ્યક્તિ મૃત્યુ પામે છે.
2. પારિસ્થિતિક (ecological) અથવા વાસ્તવિક મૃત્યુદર : તે આપેલી પર્યાવરણીય પરિસ્થિતિમાં વ્યક્તિઓનો સાચો મૃત્યુઆંક દર્શાવે છે. તે પારિસ્થિતિક જન્મદરની જેમ અચળ નથી અને વસ્તી અને પર્યાવરણીય પરિસ્થિતિ મુજબ બદલાય છે. જન્મદરની જેમ મૃત્યુદર આપેલા સમયમાં મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા (મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા/સમય) અથવા કુલ વસ્તીના કે તેના ભાગના એકમોના સંદર્ભમાં વિશિષ્ટ દર તરીકે દર્શાવવામાં આવે છે.
જન્મ-મૃત્યુ ગુણોત્તરને જૈવિક સૂચકાંક (vital index) કહે છે. વસ્તીમાં કઈ વ્યક્તિઓ મૃત્યુ પામે છે તે કરતાં કઈ વ્યક્તિઓ અસ્તિત્વ જાળવી શકે છે, તે અગત્યનું છે. આમ, ઉત્તરજીવિતા-દર (survival rate) મૃત્યુદર કરતાં વધારે મહત્વનો છે. ઉત્તરજીવિતા-દર ઉત્તરજીવિતા-વક્ર (survival curve) દ્વારા દર્શાવવામાં આવે છે.
ઉંમરની સાથે મૃત્યુદરની ભાત (pattern) ઉત્તરજીવિતા-વક્રો દ્વારા સૌથી સારી રીતે સમજાવી શકાય છે. તે ત્રણ પ્રકારના હોય છે અને વિવિધ પ્રકારની વસ્તીઓમાં ઉત્તરજીવિતોની પ્રકૃતિમાં વૈવિધ્ય દર્શાવે છે.
1. અતિ બહિર્ગોળ વક્ર (highly convex curve) : આકૃતિ 1માં દર્શાવેલ વક્ર (અ) આ પ્રકારનો છે; જેમાં વસ્તીનો મૃત્યુદર વ્યક્તિઓની જીવન-અવધિના છેડે સમાયેલો હોય છે. તેથી આ પ્રકારની જાતિ તેમની જીવન-અવધિના અંત સુધી અત્યંત નીચા મૃત્યુદર સાથે જીવવાનું વલણ ધરાવે છે. હરણ, પર્વતીય ઘેટું અને મનુષ્ય જેવી પ્રાણીઓની કેટલીક જાતિઓમાં આ પ્રકારના વક્ર જોવા મળે છે.
2. અતિ અંતર્ગોળ વક્ર (highly concave curve) : આકૃતિ 1માં દર્શાવેલ વક્ર (ઇ) આ પ્રકારનો છે. ઘણી જાતિઓમાં યુવાવસ્થામાં મૃત્યુદર ઊંચો હોય છે. છીપ, કવચ-મત્સ્ય (shell-fish), ઓક જેવા સજીવોનો ઉત્તરજીવિતા-વક્ર અતિ અંતર્ગોળ હોય છે.
3. વિકર્ણ (diagonal) વક્ર : જો આયુ-વિશિષ્ટ (age-specific) ઉત્તરજીવિતા લગભગ અચળ હોય તો વિકર્ણ-વક્ર સીધી રેખામાં (આકૃતિ 1, આ2) જોવા મળે છે. તે એકમ-સમયમાં સજીવોનો મૃત્યુદર અચળ દર્શાવે છે. વાસ્તવિક જગતમાં કોઈ પણ વસ્તુ સમગ્ર જીવનઅવધિ દરમિયાન આયુવિશિષ્ટ ઉત્તરજીવિતા ધરાવતી નથી. આમ, ઘણાં પક્ષીઓ, ઉંદર અને સસલામાં ઉત્તરજીવિતા-વક્ર સહેજ અંતર્ગોળ કે ‘સિગ્મૉઇડ’ આકારનો (આકૃતિ 1, આ3) હોય છે. આ કિસ્સામાં શૈશવ-અવસ્થામાં મૃત્યુદર ઊંચો હોય છે, પરંતુ પુખ્તાવસ્થામાં (એક કે તેથી વધારે વર્ષના) સજીવમાં તેનો દર નીચો કે લગભગ અચળ હોય છે. પતંગિયા જેવા પૂર્ણકાયાંતરી (halometabolous) કીટકોમાં સોપાનાકાર વક્ર (આકૃતિ 1, આ1) જોવા મળે છે. આ કિસ્સામાં જીવનવૃત્ત(life history)નો ઉત્તરજીવિતા-વક્ર ક્રમિક અવસ્થાઓમાં પુષ્કળ પ્રમાણમાં તફાવત દર્શાવે છે. ઉત્તરજીવિતા-વક્રનો આકાર વસ્તીની ગીચતા(density)ની સાથે બદલાતો રહે છે. ભેજવાળા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જ્યાં આબોહવા પ્રમાણમાં એકસરખી રહે છે ત્યાં બહિર્ગોળ વક્ર વધારે સંભવિત છે. કેટલીક વાર અતિ વિભિન્ન પર્યાવરણોમાં જોવા મળતી વસ્તી બહિર્ગોળ વક્ર ધરાવે છે. ઉષ્ણકટિબંધીય વસ્તીઓમાં તેમના સમશીતોષ્ણ સંબંધીઓની તુલનામાં વધારે ઉત્તરજીવિતા જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય પક્ષીઓ સમશીતોષ્ણ પ્રદેશનાં પક્ષીઓ કરતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે. જોકે ઉષ્ણકટિબંધનાં રૂ જેવી પૂંછડીવાળાં સસલાંમાં સમશીતોષ્ણ સસલાં કરતાં ઉત્તરજીવિતાનો દર નીચો હોય છે.
સંજય વેદિયા