મૃગશીર્ષ નક્ષત્ર (Orion Constellation) : 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર, જે ગ્રીક દંતકથા પ્રમાણે શિકારી(Hunter)ના ચિત્ર વડે દર્શાવવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તે દક્ષિણ દિશામાં દેખાય છે. તેના મુખ્ય બે જાણીતા તારા છે : આર્દ્રા (Betelgeuse) અને બાણરજ (Rigel). તેનો ત્રીજો તેજસ્વી તારો છે ‘ગૅમા ઓરાયોનિસ’ અથવા ‘બેલા-ટ્રિક્સ’ (Gamma orionis–Bellatrix). આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શિકારીના કમરપટ્ટામાં ત્રણ મુખ્ય તારાઓ છે, જે પાર-જાંબલી પ્રકાશમાં અધિક ઉત્સર્જન કરે છે. તેની દક્ષિણમાં તેજહીન વાયુની જાણીતી અશ્વશીર્ષ (Horsehead) નિહારિકા છે.

મૃગશીર્ષ નક્ષત્ર – શિકારીના ચિત્ર દ્વારા

આ નક્ષત્રની પ્રમુખ લાક્ષણિકતા મૃગશીર્ષ નિહારિકા છે, જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શિકારીના કમરપટ્ટાની નીચે લટકતી તલવારના સ્થાનમાં છે, અને તેના કેન્દ્રમાં ચાર તારાઓનું ગુચ્છ છે. સમગ્ર નક્ષત્ર ઝાંખી અસ્પષ્ટ નિહારિકાઓથી ભરેલું છે. આકાશગંગા તારા-વિશ્વમાં જ્યાં આપણું સૌર-મંડળ છે એ સર્પિલ ભુજા(Spiral Arm)ના વિશાળ ક્ષેત્રમાં નવા જન્મેલા તારાઓ આ નિહારિકાના કેન્દ્રમાં છે.

પરંતપ પાઠક