મૂસળી : એકદળી વર્ગમાં આવેલા ઍમેરિલીડેસી(નાગદમની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curculigo orchoides Gaertn (સં. તાલમૂલી, તાલપત્રી, મૂસલી કંદ, હેમપુષ્પી; હિં. મૂસલી કંદ, કાલી મૂસલી; બં. તાલમૂલી, તલ્લૂર; મ. મૂસલી કંદ, ગુ. મૂસળી, કાળી મૂસળી; ક. નેલતાડી; તા. તિલાપને, તાલતાડ; મલા. નિલપના; તે. નેલતાડીચેટૂ ગડ્ડા; ફા. મોસલી, અં. બ્લેકમુસેલ) છે.
વિતરણ : તે કુમાઉનથી પૂર્વ તરફ ઉપોષ્ણ હિમાલયમાં અને પશ્ચિમ ઘાટમાં કોંકણથી દક્ષિણ તરફ થાય છે. તે સર્વ પહાડી વિસ્તારોમાં આબુ પર્વતમાળા, બંગાળ, આસામમાં ભીની જમીનમાં ઉષ્ણછાયાવાળાં સ્થાનોએ થાય છે.
બાહ્ય લક્ષણો : તે નાની (30-45 સેમી. ઊંચી) છોડ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે. તેનાં પર્ણો ગુલાબવત્ (rosette) હોય છે. પર્ણોની સંખ્યા 4–5 જેટલી, 15–45 સેમી. x 1.25 સેમી. ઘાસનાં પર્ણો જેવાં, તીક્ષ્ણાગ્ર અને પાંચ શિરાવાળાં હોય છે. તેના પ્રકંદ (root stock) લગભગ 12.5 – 15 સેમી. લાંબા અને કાળા રંગના હોવાથી તેમને કાળી મૂસળી પણ કહે છે. મૂળ માંસલ હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો અને પુષ્પો સોનેરી-પીળાં હોય છે. સૌથી નીચેનાં પુષ્પ દ્વિલિંગી હોય છે. ફળ પ્રાવર(capsule) પ્રકારનાં, લંબચોરસ, 1.2 – 2.0 ´ 0.8 સેમી. અને બીજ ચળકતાં અને કાળાં હોય છે.
તેનાં કંદિલ (tuberous) મૂળ ઔષધ તરીકે ઉપયોગી છે. વનસ્પતિ બે વર્ષની હોય ત્યારે મૂળ એકત્રિત કરવામાં આવે છે. નાનાં મૂળિયાં કાપી લઈ કંદિલ મૂળના નાના નાના ટૂકડા કરી છાંયડામાં સૂકવવામાં આવે છે.
રાસાયણિક બંધારણ : પ્રકંદ સેપોનિનો, કર્ક્યુલિગોસેપોનિન A (C36H60O9, ગ. બિં. 148-500 સે.), B (C35H58O8, ગ. બિં. 156-590 સે.), C (C41H68O13, ગ. બિં. 180-830 સે.), D (C42H70O14, ગ. બિં. 161-640 સે.) E (C47H78O18, ગ. બિં. 174-770 સે.), F (C38H80O19, ગ. બિં. 168-800 સે.), G (C42H70O13, ગ. બિં. 154-570 સે.), H (C47H78O17, ગ. બિં. 180-830 સે.) I. (C48H80O18, ગ. બિં. 187-900 સે.), J (C53H88O12, ગ. બિં. 195-970 સે.), K (C48H82O19, ગ. બિં. 185-880 સે.), L (C42H72O13, ગ. બિં. 148-510 સે.) અને M (C53H88O22, ગ. બિં. 193-960 સે.) ; સેપોજેનિનો, કર્ક્યુલિજેનિન A (C30H50O4, ગ. બિં. 140-430 સે.), B (C30H52O4, ગ. બિં. 119-220 સે.) અને C (C30H50O3, ગ. બિં. 108-110 સે.), ફિનૉલીય ગ્લાયકોસાઇડો, કોર્કિયોસાઈડ A (C18H26O11, ગ. બિં. 209-2100 સે.) કર્ક્યુલિગોસાઇડ B, ક્લોરોફિનાઈલગ્લાયકોસાઇડ, કર્ક્યુલિજિન B અને C; ટ્રાઇટર્પીન આલ્કોહૉલ, કર્ક્યુલિગૉલ (C31H52O2, ગ. બિં. 169-700 સે.); પંચચક્રીય (pentacyclic) ટ્રાઇટર્પીન, 31-મિથાઇલ-3-ઑક્સો20-ઉર્સેન28-ઓઈક ઍસિડ(C31H48O3, ગ. બિં. 1140 સે.); એલિફેટિક સંયોજન, 25 – હાઇડ્રૉકિસ – 33-મિથાઇલ-પેન્ટાટ્રાઇકોન્ટેન-6-ઓન(C36H72O2, ગ. બિં. 920 સે.), N-ઍસિટાઇલ – N-હાઇડ્રૉકિસ – 2 – કાર્બેમિક ઍસિડ મિથાઇલ ઍસ્ટર, 3-ઍસિટાઇલ-5-કાર્બોમિથૉકિસ-2H- 3, 4, 5, 6-ટેટ્રાહાઇડ્રો- 1, 2, 3, 5, 6 -ઑક્સેટેટ્રાઝિન, N, N, N´, N´ – ટેટ્રામિથાઇલ સકિસનેમાઇડ, હેન્ટ્રાઈઍકોન્ટેનૉલ અને સુક્રોઝ ધરાવે છે.
કર્ક્યુલિગોસેપોનિન C અને F બરોળમાં લસિકાકણો (lymphocytes)ના વિપુલોદભવન (proliferation)ની ક્રિયામાં નોંધપાત્ર વધારો કરે છે. કક્યુૅલિગોસેપોનિન F અને G ઉંદરોમાં અંત:જીવે (in vitro) થાયમસ ગ્રંથિના વજનમાં વધારો કરે છે.
કર્ક્યુલિન C નામની 114 ઍમિનોઍસિડ ધરાવતી પૅપ્ટાઈડ ફળમાંથી અલગ કરવામાં આવી છે. તેનો સુવાસ – પરિવર્તક (flovour – modifier) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કર્ક્યુ્રલિન મીઠો સ્વાદ આપે છે. પરાગનયન પછી ત્રણ અઠવાડિયાં સુધી ફળમાં કર્ક્યુલિનનું પ્રમાણ વધતું રહે છે અને અંતે ચોથા અઠવાડિયે તેનું પ્રમાણ ફળ દીઠ લગભગ 1.3 મિગ્રા. જેટલું થાય છે.
ઔષધીય ગુણધર્મો : છોડનો આલ્કોહોલીય નિષ્કર્ષ અનુકૂલનજન્ય(adaptagenic), શોથરોધી (anti-inflammatory), આંચકીરોધી (anti-convulsant), શામક (sedative), ઍન્ડ્રોજનીય (androgenic) અને પ્રતિરક્ષાવર્ધન (immunopromotion) સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર, તે મધુર, શીતળ, વૃષ્ય, ધાતુપુષ્ટિકારક, બલ્ય, શ્લેષ્મ, પિત્તલ અને જડ છે. તે કામોત્તેજક, વાતશામક, રક્તદોષનાશક, દાહ શાંત કરનાર અને શ્રમહર છે. તેનો ઉપયોગ વીર્યવૃદ્ધિ અને પુષ્ટિ, ધાતુપુષ્ટિ, પ્રદર, પથરી, સંગ્રહણી, પિત્તવિકાર, ખાંસી, આંખ ઊઠવી, કમરનો વા, ઝાડા, શ્વાસકષ્ટ, પ્રમેહજન્ય મૂત્રની પીડા, દાહ, શ્રમ, નસોમાં બળતરા, અલર્કવિષ, કમળો, હરસ અને સંધિપીડામાં થાય છે. ચરકે તેનો ઉપયોગ ભરનિંગળ (વિદ્રધિ) અને શ્વાસમાં કર્યો છે.
તેનાં કેટલાંક પ્રસિદ્ધ ઔષધોમાં પુરુષવલ્લભચૂર્ણ, મૂસળ્યાદિ ચૂર્ણ, મૂસળીપાક, મદનાન્દ ચૂર્ણ, પુષ્ટિકર ચૂર્ણ, વાજીકરણયોગ વગેરેનો સમાવેશ કરી શકાય.
માત્રા : 5-10 ગ્રામ દૂધ સાથે.
સફેદ મૂસળી : તે એકદળી વર્ગના આવેલા લીલીયેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus adscendens Roxb. (સં. શ્વેતમૂસલી, મૂસલીકંદ, ગુ. ધોળી મૂસળી; હિં. હઝારમૂલી, સતાવર, સતમૂલી, સફેદ મૂસલી; મ. સફેદ મૂસલી; તા. તન્નિરબિટ્ટંગ; તે સલ્લોગડ્ડા; અ. ફા. શકાકુલે હિંદી; અં. વ્હાઈટ મુસેલ) છે.
વિતરણ : તે પશ્ચિમ હિમાલય, હિમાચલ પ્રદેશ અને કુમાઉનમાં 1500 મી.ની ઊંચાઈ સુધી; અને અફઘાનિસ્તાન, ગુજરાત, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં થાય છે.
બાહ્ય લક્ષણો : તે ઉપોન્નત(sub-erect), કાંટાળો ક્ષુપ છે અને સફેદ ગાંઠવાળાં કંદિલ મૂળ ધરાવે છે. તેનું થડ ઊંચું, મજબૂત, નળાકાર સફેદ, ખરબચડી છાલવાળું અને કાંટાળું હોય છે. કાંટા સીધા, મજબૂત, 1.25-1.8 સેમી. લાંબા હોય છે. પ્રકાશસંષ્લેષી શાખાઓ 1.25-5.0 સેમી લાંબી, 6-20ની સંખ્યામાં એક સાથે હોય છે. પુષ્પમંજરી 2.5-5.0 સેમી લાંબી હોય છે. તેના ઉપર પીળા રંગનાં અનેક પુષ્પ બેસે છે. પુષ્પોનો વ્યાસ 4.0 મિમી. જેટલો હોય છે. ફળ લાલકાળાં, નાનાં અને એક બીજમય હોય છે.
મૂસળીના કંદની છાલ કાઢી નાખતાં તે દેખાવે કરચલીયુક્ત, હાથીદાંત જેવી પીળાશપડતી સફેદ, 5.06.5 સેમી. લાંબી અને 3.0 સેમી. જેટલી જાડી, ફિક્કા સ્વાદની અને ચીકણી હોય છે. મૂળ પાણીમાં નાખતાં ફૂલે છે.
રાસાયણિક બંધારણ : તેના ચૂર્ણમાં પાણી 11.4 %, લિપિડ 0.87 %, પ્રોટીન 5.44 %, સેપોનિન 5.02 %, કાર્બોદિત (યુરોનિક ઍસિડ અને મુક્ત શર્કરાઓ સાથે) 46.84 %, અશુદ્ધ રસો 23.42 %, અકાર્બનિક દ્રવ્ય 7.02 % અને ભસ્મ 6.28 % હોય છે. કંદની છાલમાં બાષ્પશીલ તેલ હોય છે. તે ખસના તેલ સાથે સામ્ય ધરાવે છે.
શુષ્ક મૂળમાં આવેલું સેપોનિનનું મિશ્રણ ગ્લાયકોસાઇડો ઉત્પન્ન કરે છે; જેમાં 3β-O-[β-O-2-ટેટ્રાકોસીલઝાયલા પાયરેનોસીલ] – સ્ટિગ્મેસ્ટેરૉલ અને 3-β-O-[β-D-ગ્લાયકોપાયરેનોસીલ (1 → 2)–α–L- ઍરેબિનોપાયરેનોસીલ] સ્ટિગ્મેસ્ટૅરૉલનો સમાવેશ થાય છે. મૂળમાંથી અલગ તારવવામાં આવેલા સેપોજેનિન A અને B સ્ટિગ્મેસ્ટૅરૉલ અને સાર્સાસેપોજેનિન તરીકે ઓળખવામાં આવ્યા છે.
ઉપયોગ : તે કાળી મૂસળી કરતાં ઓછા ગુણવાળી અને રાસાયણિક છે. ચામ્બા(હિમાચલ પ્રદેશમાં તેનાં મૂળ અતિસાર (diarrhoea) અને મરડામાં આપવામાં આવે છે. તેનો ઉપયોગ શતાવરી (A. officinalis)ની અવેજીમાં થાય છે. મૂળની છાલ વાજીકર (aphrodisiac) ગુણધર્મ ધરાવે છે. મૂળમાં રહેલાં સ્ટેરોઈડીય સેપોનિન કેટલાંક રોગજન્ય (pathogenic) સજીવોની વૃદ્ધિનો પ્રતિરોધ કરે છે.
કુમાઉનમાં તેનાં કંદિલ મૂળોનું અથાણું બનાવાય છે. તરુણ પ્રરોહ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજમાં પ્રોટીન 6 % અને તેલ 5.9 % હોય છે.
ચૂર્ણિત બીજ ઉંદરોને મોં દ્વારા આપતાં ગર્ભસ્રાવી(abortifacient) સક્રિયતા (28 %) દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર, સફેદ મૂસળી મધુર, કડવી, ગુરુ, સ્નિગ્ધ અને શીતળ છે. તે કફવર્ધક, શુક્રલ, મૂત્રલ, બલ્ય, બૃંહણ અને રસાયન છે. તે વાતદોષનાશક, ક્ષુધાપ્રેરક, પિત્તશામક, સ્થિરતા અને મૃદુતા આપનાર, ધાતુવર્ધક છે તથા હરસ, અશક્તિ, વીર્યાલ્પતા, દાહ, શ્રમ અને રક્તવિકાર મટાડે છે.
માત્રા : 36 ગ્રામ દૂધ સાથે લેવામાં આવે છે.
Chlorphytum arundinaceum Baker (કુળ : (લીલીએસી)ના કંદનો પણ સફેદ મૂસળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.)
ભાલચન્દ્ર હાથી